ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમાં રેડક્રોસ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ
આહવાના આંગણે ‘રેડક્રોસ આપના દ્વારે’ કાર્યક્રમ યોજાયો
(ડાંગ માહિતી)ઃ આહવા, જરૂરિયાતમંદ લોકો સુધી સેવાના સુફળ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ રેડક્રોસની સેવા પ્રવૃત્તિઓમાં ડાંગ જિલ્લાના અધિકારી, પદાધિકારીઓ હંમેશા સેવાકર્મીઓની પડખે છે, તેમ જણાવતાં ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે, આર્થિક અગવડ ભોગવતા દર્દીઓને વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય તેવા સહિયારા પ્રયાસોની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
શ્રી પટેલે સૌને સેવાકાર્યમાં યથાયોગ્ય સહયોગની અપીલ કરતા સખી મંડળ, મહિલા દૂધ મંડળી વિગેરે સાથે જાેડાયેલી ડાંગની મહિલાઓના સુસ્વાસ્થ્ય માટે સંભવિત મેગા મેડિકલ કેમ્પમાં પણ સેવાધારીઓનો સહયોગ મળી રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.
આહવા ખાતે યોજાયેલા ‘રેડક્રોસ સોસાયટી આપના દ્વારે’ કાર્યક્રમમા રેડક્રોસ સોસાયટીની ગુજરાત શાખાના ચેરમેન શ્રી અજયભાઇ પટેલે ડાંગ જેવા દુર્ગમ પ્રદેશમાં રેડક્રોસની સેવા પ્રવૃત્તિઓને આગળ વધારતી ટિમ ડાંગને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે રેડક્રોસના દસ જેટલા ભાવિ પ્રોજેક્ટનો ખ્યાલ આપી, ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં બ્લડ બેંક, અને રેડક્રોસ ભવન માટે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના હકારાત્મક અભિગમની સરાહના કરી હતી.
શ્રી પટેલે ટેકનોલોજીના સુભગ સમન્વય સાથે બ્લડબેંકની સેવાઓ સાથે ફિઝિયોથેરાપી સેન્ટર અને પેથોલોજી લેબ, જીનેરીક મેડિકલ સ્ટોર તથા ડેન્ટલ ક્લિનિક જેવા સેવાકીય પ્રોજેક્ટનો પણ આ વેળા ખ્યાલ આપ્યો હતો.
ભાવિ પેઢી એવા બાળકો, વિદ્યાર્થીઓને માનવતાવાદી સેવા પ્રવૃત્તિઓમાં જાેડવા સાથે ડિઝાસ્ટરની ટિમ, ફર્સ્ટ એઇડની તાલીમ સહિત વિવિધ સેવા કાર્યોમાં સૌના સહયોગની અપેક્ષા પણ શ્રી પટેલે વ્યક્ત કરી હતી.
રેડક્રોસ સોસાયટીની સેવાઓને વધુ બહેતર બનાવવાના ઉદ્દેશ સાથે આયોજિત કાર્યક્રમમાં ઉદબોધન કરતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં ખાસ કરીને લોહીની જરૂરિયાત માટે રેડક્રોસ સોસાયટી આશીર્વાદરૂપ બની રહેશે તેમ જણાવ્યું હતું. તેમણે ડાંગની મહિલા દૂધ મંડળીઓ, યુવક મંડળો, શાળા/કોલેજના વિદ્યાર્થીઓ વિગેરેની રેડક્રોસ સોસાયટીની સેવાઓમાં સક્રિય ભાગીદારીની અપેક્ષા વ્યક્ત કરી હતી.
શ્રી ગાવિતે આયુષ્યમાન કાર્ડધારકોને મળતી વિનામૂલ્યે આરોગ્યલક્ષી સેવાઓની જેમ, અણીના સમયે ડાંગ જેવા દુર્ગમ વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે લોહી ઉપલબ્ધ થાય તેવા પ્રયાસોની હિમાયત પણ કરી હતી.
ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે તેમના પ્રાસંગિક વક્તવ્યમાં રેડક્રોસ સોસાયટીનું સેવાનું બીજ આજે વિશ્વનું વટવૃક્ષ બની ગયું છે તેમ જણાવી, સોસાયટીના સેવા કાર્યોમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા વહીવટી તંત્રના સંવેદનશીલ અભિગમનો ખ્યાલ આપતા કલેક્ટરશ્રીએ સેવાભાવી સુજ્ઞજનોને સેવાકાર્યો માટે પ્રોત્સાહિત કર્યા હતા.