Western Times News

Gujarati News

પેટલાદમાં મિલકત જપ્તીની કાર્યવાહી શરૂઃ વર્ષોથી વેરા બાકી રાખનાર સામે તવાઈ

પેટલાદ પાલિકાની 700 બાકીદારો સામે લાલ આંખ

(પ્રતિનિધિ) પેટલાદ, પેટલાદ નગરપાલિકાની આર્થિક સ્થિતી દિન પ્રતિદિન કથળતી રહી છે. જેથી માર્ચ એન્ડીંગ સમયે પણ બાકીદારો પાસેથી વેરાની આકરી વસૂલાત કરવામાં આવી રહી હતી. પરંતુ હવે તો નાણાંકીય વર્ષ નવું શરૂ થતાં જ વેરાના બાકીદારો સામે લાલ આંખ કરવામાં આવી છે. પેટલાદ પાલિકાએ તા.૨ એપ્રિલથી વર્ષો જૂના બાકીદારોની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ઉપર લીધી છે.

છેલ્લા આઠ દસ વર્ષથી જે ઈસમો વેરા ભરતા નથી એવી આશરે ૭૦૦થી વધુ મિલકતોને ટાંચમાં લઈ બાકી વેરા વસૂલ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. પાલિકાની બાકી વેરા વસૂલાતની આકરી કામગીરીથી બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ પેટલાદ નગરપાલિકાના ટેક્ષ દફતરે લગભગ ૧૩૦૦૦ ઉપરાંતની મિલકતો નોંધાયેલ છે. આ મિલકત ધારકો પાસેથી પાલિકા દર વર્ષે મિલકત, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ, સફાઈ વગેરે જેવા વેરા ઉઘરાવે છે. જેથી દર વર્ષે પાલિકાના વેરા વિભાગમાં અંદાજીત રૂ.૩.૨૫ કરોડ જેટલું નવું માગણું ઉભું થાય છે. જેની સામે પાલિકાને આશરે રૂપિયા દોઢ કરોડ ઉપરાંતની આવક થાય છે. જે રકમ સ્વભંડોળમાં ઉમેરાય છે.

પરંતુ અંદાજીત રૂપિયા બે કરોડ બાકી એવા છે જેની વસૂલાત વર્ષોથી આવતી જ નથી. આ બાકી રકમ ઉપર પેનલ્ટી, વ્યાજ વગેરે ચઢતા જ જાય છે. છતાં બાકીદારો પાલિકાને રકમ ચૂકવતા નથી. આવા આશરે ૭૦૦થી વધુ મિલકત ધારકો એવા છે જેઓ છેલ્લા આઠ દસ વર્ષથી પાલિકાના વેરા ભરતા જ નથી. આવા બાકીદારોને પાલિકા દર વર્ષે નોટીસો ફટકારે છે.

છતાં બાકીદારો વેરા ભરવા ડોકાતાં નથી. જેથી પાલિકાએ હવે આવી મિલકતો જપ્ત કરી કાયદેસર પગલાં લઈ વેરાની વસૂલાત કરવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે પાલિકાના વેરા વિભાગની ટીમ દ્વારા તા.૨ એપ્રિલથી વર્ષો જૂના બાકીદારોની મિલકતો ઉપર જપ્તીના બોર્ડ લગાવવાની પ્રાથમિક કામગીરીનો પ્રારંભ કર્યો છે. પાલિકાના વેરા વિભાગ હેઠળ કુલ ૧૨ વોર્ડ આવે છે.

જે પૈકી વોર્ડ નં. ૧, ૨, ૧૧ અને ૧૨મા વોર્ડની કામગીરી હાથ ઉપર લેવાઈ છે. આ તમામ વોર્ડની લગભગ ૭૯ જેટલા બાકીદારોની મિલકતો ઉપર ગુજરાત નગરપાલિકા અધિનિયમની ૧૯૬૩ હેઠળ જપ્તીના બોર્ડ લગાવવામાં આવ્યા છે. આવનાર દિવસો દરમ્યાન તમામ વોર્ડના જે કોઈ વર્ષો જૂના બાકીદારો હશે એ તમામ મિલકતો સામે આ કાર્યવાહી થનાર હોવાનું ઈ.ચા. ટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલ પટેલે જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે જે જુના બાકીદારો પાસેથી રૂ.૧૫૦૦૦ ઉપરાંતના લેણાં પાલિકાને લેવાના નીકળે છે એવા તમામ સામે આ કાર્યવાહી કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.