ટ્રમ્પની દરખાસ્ત ફગાવાતાં અમેરિકામાં શટડાઉનનું જોખમ
વોશિંગ્ટન, અમેરિકામાં પ્રતિનિધિ ગૃહે નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી દરખાસ્તને ગુરુવારે ફગાવી દેતા અમેરિકામાં શુક્રવારની મધ્યરાત્રીથી સરકારી શટડાઉનનો ખતરો ઊભો થયો છે. ટ્રમ્પે સરકારી કામકાજ ચાલુ રાખવાના નાણાની જોગવાઈ કરવા અને દેવા મર્યાદાને સસ્પેન્ડ કરવાની નવી દરખાસ્ત કરી હતી.
જોકે ડેમોક્રેટ સાંસદોએ ટ્રમ્પની આ દરખાસ્તનો વિરોધ કર્યાે હતો અને તેમને ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના કેટલાંક સભ્યોનું પણ સમર્થન મળ્યું હતું. પ્રતિનિધિગૃહમાં ટ્રમ્પની દરખાસ્તને બે-તૃતીયાંશ બહુમતી મળી ન હતી અને દરખાસ્તને ૧૭૪ વિરુદ્ધ ૨૩૫થી ફગાવી દેવામાં આવી હતી. જોકે ગૃહના સ્પીકર માઇક જોન્સને શુક્રવાર મધરાત્રી ડેડલાઇન પહેલા ફરી પ્રયાસ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મતદાન પહેલા જોન્સને જણાવ્યું હતું કે અમે અહીં યોગ્ય વસ્તુ કરવા જઈ રહ્યા છીએ, જોકે બિલને બહુમતી પણ ન મળી ન હતી. આના પરિણામે ટ્રમ્પ અને તેમના અબજોપતિ સાથીદાર ઇલોનને મોટો આંચકો લાગ્યો હતો, કારણ કે અગાઉ નાતાલની રજાઓ પહેલા સરકારી શટડાઉન ટાળવા માટે જોન્સને એક દ્વિપક્ષીય ડીલ કરી હતી, પરંતુ તેનો ટ્રમ્પ અને મસ્કે જોરદાર વિરોધ કર્યાે હતો.
ટ્રમ્પ વ્હાઉસ હાઉસમાં ૨૦ જાન્યુઆરીથી વાપસી કરી રહ્યાં છે ત્યારે શટડાઉનની આ સંભાવના દર્શાવે છે કે અમેરિકામાં વધુ અસ્થિરતા આવી શકે છે. ટ્રમ્પના પ્રથમ ટર્મમાં ૨૦૧૮ની ક્રિસમસ સિઝન દરમિયાન અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબું સરકારી શટડાઉન નોંધાયું હતું.
ટ્રમ્પે શટડાઉનને ટાળવવા માટે ત્રણ મહિના માટે સરકારી ખર્ચની જોગવાઈ કરવાની દરખાસ્ત કરી છે. આ ઉપરાંત તેમણે સરકારની ઋણ મર્યાદાને પણ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત કરી હતી, જેથી સરકાર તેના ખર્ચ માટે સરકાર ૩૦ જાન્યુઆરી ૨૦૨૭ સુધી વધુ ઋણ લઇ શકે છે.
જોકે ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોએ તેનો વિરોધ કર્યાે હતો અને તેને હાસ્યાસ્પદ ગણાવી હતી. ટ્રમ્પે ગુરુવારે વહેલી સવારે કહ્યું હતું કે જો જોન્સ દેવા મર્યાદામાં વધારો કરતી નવી દરખાસ્ત અંગે નિર્ણાયક કામગીરી કરશે તો તેઓ નવી સંસદમાં પણ સ્પીકર તરીકે ચાલુ રહેશે.
જો હવે શુક્રવારની મધરાત સુધીમાં સરકારી ખર્ચના બિલને મંજૂરી નહીં મળે તો અમેરિકામાં આવશ્યક સિવાયની તમામ સેવાઓ બંધ થઈ જશે. સરકારી કર્મચારીઓને પગાર વગર રજા પર ઉતારી દેવામાં આવશે.SS1MS