Western Times News

Gujarati News

નોન-ટીપી વિસ્તારોમાં પ્રિમીયમમાં રાહત થતાં પ્રોપર્ટીના ભાવ ઘટશે: મધ્યમવર્ગને ફાયદો થશે

મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણયઃ નોન ટીપી વિસ્તારોમાં જમીન માલિકોને પ્રીમિયમમાં રાહત મળશે 

(પ્રતિનિધિ) અમદાવાદ,  રાજ્યના 8 શહેરો તથા ભરૂચ-અંકલેશ્વરના શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે મુજબ ડી-1 કેટેગરીના અમદાવાદ (AUDA), ગાંધીનગર (GUDA), સુરત (SUDA), વડોદરા (VUDA) અને રાજકોટ (RUDA) તથા ડી-2 કેટેગરીના જુનાગઢ (JUDA), જામનગર (JADA) અને ભાવનગર (BADA) ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. એરીયામાં 40 ટકા કપાત બાદ કરીને 60 ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે.મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે મકાન મળી રહે તે માટે મુખ્યમંત્રી એ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

રાજ્ય સરકારે લીધેલા એક મહત્વપૂર્ણ નિર્ણયને પરિણામે આ  શહેરોના શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને કપાતમાં જતી જમીન ઉપર જે પ્રિમિયમ ભરવું પડતું હતું તેમાંથી મુક્તિ મળશે અને માત્ર તેમની પાસે રહેનારા 40 ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે.

મુખ્યમંત્રીના આ પ્રજાલક્ષી નિર્ણયથી નોન ટીપી એરીયામાં જમીન ધારકોને કપાતની જમીનના ભરવાના થતા મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળવાના કારણે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.

રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યા મુજબ મુખ્યમંત્રી સમક્ષ એવી વિવિધ રજુઆતો આવી હતી કે રાજ્યમાં આ શહેરી વિકાસ સત્તામંડળોમા સમાવિષ્ટ વિસ્તારો પૈકી નગર રચના યોજના જાહેર ન થઈ હોય એવા નોન ટી.પી.માં સમાવિષ્ટ વિસ્તારોમાં 40 ટકા જમીન કપાત કરીને પ્લોટ વેલીડેશન સર્ટીફિકેટ ઈશ્યુ કરીને અંતિમ ખંડની ફાળવણી કરવામાં આવે છે. આના પરિણામે કબજેદારને અંતિમ ખંડ તરીકે 60 ટકા અને સંબંધિત સત્તામંડળને 40 ટકા જમીન કપાત પેટે સંપ્રાપ્ત થાય છે.

આવા કિસ્સાઓમાં કબ્જેદાર પાસે બાકી રહેતી 60 ટકા જમીન અથવા ખરેખર કપાત બાદ બાકી રહેતી જમીન માટે જ ખેતીથી ખેતી તેમજ ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવું જોઈએ.એટલું જ નહિ, જ્યાં ટી.પી. લાગુ થઈ હોય ત્યાં કપાત અને રાખવા પાત્ર જમીનનું ધોરણ 40 ટકા અને 60 ટકાનું છે, એજ રીતે જ્યાં ડેવલપમેન્ટ પ્લાન-ડી.પી લાગુ થયો હોય ત્યાં પણ આ જ  ધોરણ એટલે કે, 40 ટકા અને 60 ટકાનું રાખવુ જોઈએ.

સરકાર સમક્ષ એવી પણ રજુઆતો આવી હતી કે, વર્ષ 2018ના ઠરાવની જોગવાઈથી ટી.પી. વિસ્તાર કે ટી.પી.નો ઈરાદો જાહેર થયો હોય ત્યાં ‘એફ’ ફોર્મના ક્ષેત્રફળ મુજબ અથવા 40 ટકા કપાતના ધોરણો ધ્યાને લઈને અંતિમ ખંડ ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બિનખેતીનું પ્રિમિયમ વસુલ કરવાનું ઠરાવવામાં આવ્યું છે.

તે જ રીતે નોન ટી.પી. વિસ્તારમાં પણ 40 ટકા કપાતનું ધોરણ ધ્યાને લઈને બચત રહેતી જમીનના ક્ષેત્રફળ વિસ્તાર જેટલું પ્રિમિયમ વસુલ લેવામાં આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળેલી આ વિવિધ રજુઆતોનો સર્વગ્રાહિ અભ્યાસ કર્યા પછી તેનો સકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી એ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.