કંપની એકટના અનેક નિયમોમાં છૂટછાટ: વર્ષે બે જ બોર્ડ મિટીંગ જરૂરી બનશે
ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસ: હવે વધુ એકમો નાની કંપનીઓની વ્યાખ્યામાં-હાલની રૂા.2 કરોડની કેપીટલ- રૂા.20 કરોડના ટર્નઓવરને ‘ડબલ’ કરાયા:
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે નાની કંપનીઓને રાહત આપતા હવે આ કંપનીઓની મૂડી તથા ટર્નઓવર વ્યાખ્યામાં સુધારો કર્યો છે અને હવે આ પ્રકારની કંપનીઓની પેઈડ અપ કેપીટલ રૂા.2 કરોડથી વધુ નહી તેના બદલે રૂા.4 કરોડથી વધુ નહી તેવો સુધારો કર્યો છે.
કંપની બાબતોના મંત્રાલયે હવે પેઈડઅપ કેપીટલ રૂા.2 કરોડની વધારીને રૂા.4 કરોડ કરી છે તથા જે કંપનીઓનું ટર્નઓવર રૂા.40 કરોડ સુધીનું હોય તે નાની કંપનીઓ (સ્મોલ કંપની) તરીકે ગણાશે.
કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા આ અંગેનું એક નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પેઈડ અપ કેપીટલ તથા ટર્નઓવરની મર્યાદા બેવડી કરાતા લાખો એકમો નાની કંપનીઓની વ્યાખ્યામાં આવી જશે. જેના કારણે આ નાની કંપનીઓ માટે અનેક નિયંત્રણોમાંથી મુક્તિ મળી જશે. છેલ્લા 18 માસમાં આ બીજી વખત નાની કંપનીઓની વ્યાખ્યામાં સુધારો કરવામાં આવ્યો છે.
હવે વધુ લાખો કંપનીઓ નાની કંપનીની વ્યાખ્યામાં આવી જતા તેઓએ તેના વાર્ષિક નાણાકીય રિપોર્ટમાં કેશ-ફલો સ્ટેટમેન્ટ આપવા નહી પડે અને તેને વર્ષમાં ફકત બે જ બોર્ડ મીટીંગ બોલાવવાની આવશ્યકતા રહેશે. ઉપરાંત આ કંપનીઓ દર પાંચ વર્ષે ઓડીટર પણ બદલવાની ફરજ નહી પડે.
ઉપરાંત વાર્ષિક રીટર્નમાં હવે કંપની સેક્રેટરી કે બોર્ડના સભ્ય પણ સહી કરી શકશે. જયારે કંપનીના મહત્વના સતાવાર દસ્તાવેજો પર સી.એ. કે તેવા પ્રોફેશનરી સહીની જરૂર રહેશે નહી. કંપની બાબતોના મંત્રાલયના જણાવ્યા મુજબ ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસના ભાગરૂપે આ સરળતા કરવામાં આવી છે.
સરકાર દ્વારા આ સાથે કંપની એકટમાં સુધારો કરીને લાખો એકમોને સ્મોલ કંપનીમાં સામેલ કરી તેમના ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસના મંત્રને પણ આગળ વધાર્યો છે. સ્મોલ કંપનીના ટર્નઓવરમાં અગાઉ વધારો કરી રૂા.20 કરોડ કરવામાં આવ્યું હતું અને પેઈડ અપ કેપીટલ રૂા.2 કરોડ કરવામાં આવી હતી જે હવે ડબલ થઈ છે.