‘બંધકોને તાત્કાલિક છોડો નહીંતર ગાઝાને નર્ક બનાવી દઈશું: ટ્રમ્પ

વાશિગ્ટન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ મુદ્દે ધડાધડ નિર્ણયો લીધા બાદ હવે ફરી એકવાર ઈઝરાયલ-હમાસ તરફ ધ્યાન આપતાં કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે તાત્કાલિક ધોરણે બંધકોને મુક્ત કરવામાં આવે નહીંતર હમાસનો ખાત્મો નક્કી છે.
ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક મેસેજ પોસ્ટ કર્યાે હતો અને હમાસને અપીલ કરી હતી કે તમે એક સ્માર્ટ નિર્ણય કરો, બંધકોને અત્યારે છોડી મૂકો નહીંતર ગાઝામાં નર્ક જેવી સ્થિતિ કરી નાખીશું. કહેર વર્તાવીશું.
ટ્રમ્પે આ રિએક્શન ત્યારે આપ્યું જ્યારે વ્હાઈટ હાઉસે માહિતી આપી કે અમેરિકાની સરકાર હમાસ સાથે ડાયરેક્ટ વાતચીત કરી રહી છે અને તેમાં પેલેસ્ટાઈનમાં બંધક બનાવીને રાખવામાં આવેલા ઈઝરાયલીઓને મુક્ત કરવા કહેવામાં આવ્યું છે.
ટ્રમ્પે હમાસના નેતૃત્વને અપીલ કરી કે તમારે તાત્કાલિક ગાઝાને છોડી દેવો જોઈએ અને ગાઝાના લોકોને મારી અપીલ છે કે એક સોનેરી ભવિષ્ય તેમની વાટ જુએ છે. ટ્રમ્પે પોસ્ટમાં લખ્યું હતું કે ‘શલોમ હમાસ જેનો અર્થ છે કે હેલ્લો અને ગુડબાય.. તમે તમારી રીતે પસંદ કરો, તમામ બંધકોને તાત્કાલિક મુક્ત કરો, બાદમાં નહીં. અને હા જે લોકોની તમે હત્યાઓ કરી છે તેમના શબ અત્યારે જ પાછા કરો.
નહીંતર તમારી કહાની ખતમ. ફક્ત બીમાર અને મનોરોગી લોકો જ શબને કબજામાં રાખે છે અને તમે લોકો બીમાર અને પાગલ છો…!’ઉલ્લેખનીય છે કે હમાસ સાથે અત્યાર સુધી અમેરિકાએ ક્યારેય સીધી વાતચીત કરી નહોતી.
અમેરિકાની સરકારે ૧૯૯૭માં જ હમાસને આતંકી સંગઠન જાહેર કર્યું હતું. ટ્રમ્પે એમ પણ કહ્યું કે હમાસના કબજામાં ઈઝરાયલી બંધકો મૃત્યુ પામી ગયા હોય તો તેમના શબ સન્માન સાથે ઈઝરાયલને પરત કરી દેવામાં આવે.SS1MS