રિલાયન્સ હવે ડીપ ટેક કંપનીમાં પરિવર્તિત થઈ રહી છે, ટૂંકમાં જ ટોપ-30 કંપનીઓમાં સ્થાન મેળવશેઃ મુકેશ અંબાણી
રિલાયન્સમાં 1 : 1 બોનસઃ 100 GB ફ્રી ક્લાઉડ સ્ટોરેજની ભેટ-દીવાળીથી તેનો આરંભ થઈ જશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગુરુવારે જાહેરાત કરી હતી કે તેના બોર્ડની 5 સપ્ટેમ્બરે મીટિંગ મળશે જેમાં 1:1 બોનસ શેર આપવા અંગે વિચારણા થશે. દેશની સૌથી મૂલ્યવાન આ કંપનીએ અગાઉ સપ્ટેમ્બર 2017માં 1:1 બોનસ શેર આપ્યા હતા. તે અગાઉ 2009માં પણ તેણે 1:1 બોનસ શેર આપ્યા હતા.
અન્ય મહત્વની જાહેરાતમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું છે કે જિયોના યુઝર્સને 100 જીબી (ગીગા બાઈટ્સ) ફ્રી ક્લાઉડ સ્ટોરેજની ભેટ મળશે, જેમાં યુઝર્સ તેમના ફોટો, વીડિયો, ડોક્યૂમેન્ટ્સ, ડિજિટલ કન્ટેન્ટ અને ડેટા સલામત રીતે સ્ટોર કરી શકશે. દીવાળીથી તેનો આરંભ થઈ જશે.
તેમણે કહ્યું કે રિલાયન્સ હવે ડીપ ટેક કંપનીમાં પરિવર્તિત થઈ રહી છે. વ્યૂહાત્મક રીતે ડીપ ટેકમાં આગળ વધીને અને આધુનિક મેન્યુફેક્ચરિંગ દ્વારા રિલાયન્સ વિશ્વની ટોપ-30 કંપનીઓમાં તેનું સ્થાન નજીકના સમયમાં જ સુનિશ્ચિત કરશે. તેમણે કહ્યું કે રિલાયન્સનું કદ આ દાયકાના અંત સુધીમાં ડબલથી વધારે થઈ જશે. ઓઈલ-ટુ-કેમિકલ્સ (O2C), રિટેલ અને જિયો એ દરેકનું કદ 100 અબજ ડોલરનું થઈ ગયું છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી જનરલ વાર્ષિક મીટિંગ (AGM)ને સંબોધન કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે ‘અમે આ વર્ષે દિવાળીથી શરૂ થાય તે રીતે જિયો એઆઈ-ક્લાઉડ વેલકમ ઓફર લોંચ કરવા સજ્જ છીએ, જેના થકી એવું શક્તિશાળી અને પોષાય તેવું સોલ્યુશન પ્રાપ્ત થશે જેમાં દરેક વ્યક્તિને દરેક સ્થળે ક્લાઉડ ડેટા સ્ટોરેજ તથા ડેટા-પાવર્ડ એઆઈ સર્વિસીઝ ઉપલબ્ધ થશે.
વધુ સ્ટોરેજની જરૂરિયાત ધરાવનારા માટે પણ અમારી પાસે બજારમાં સૌથી વધુ સસ્તી કિંમત સાથે ઓફર ઉપલબ્ધ રહેશે.’ તેમણે કહ્યું કે જિયો એવી કંપની છે જે માને છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) એ પસંદગીના થોડાં લોકો માટે લક્ઝુરી નથી, પરંતુ તમામ માટે અને એ પણ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવું જોઈએ અને તો જ દરેક વ્યક્તિ સુધી તેનો લાભ પહોંચી શકશે. એટલે જ જિયોનો કન્સેપ્ટ કનેક્ટેડ ઈન્ટેલિજન્સનો છે. અંબાણીએ કહ્યું કે રાષ્ટ્રીય સ્તરનું AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની દિશામાં પણ રિલાયન્સ કામ કરી રહી છે.
આકાશ અંબાણીએ આ પ્રસંગે જિયો TvOSને પ્રસ્તુત કર્યું હતું, જે જિયો STB માટે 100%હોમ-ગ્રોન ઓપરેટિંગ સિસ્ટમ છે, જે યુઝર્સને ઝડપી, આરામદાયક અને વધુ પર્સનલાઈઝ અનુભૂતિ પ્રદાન કરશે. આ એક કસ્ટમ-મેઈડ એન્ટરટેઈન્મેન્ટ સિસ્ટમ છે. રિલાયન્સ રિટેલના વડા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર ઈશા અંબાણીએ કહ્યું હતું કે રિલાયન્સ રિટેલની આવક ચાલુ વર્ષે ~3 લાખ કરોડને પાર કરી ગઈ છે અને આગામી 3-4 વર્ષમાં તેનો બિઝનેસ ડબલ થઈ જશે તેવો અંદાજ છે.
નીતા અંબાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે તેમના ફાઉન્ડેશને આ વર્ષે પ્રાથમિક અને અર્લી યર્સ એજ્યુકેશન માટે બે નવી સીમાચિન્હરૂપ સંસ્થાઓ શરૂ કરી છે. તેમનું વિઝન ભારતીય હૃદય અને આત્મા સાથે આંતરરાષ્ટ્રીય શાળાઓ સ્થાપવાનું છે.
ન્યૂ એનર્જી બિઝનેસમાં 5-7 વર્ષમાં O2Cને સમકક્ષ નફો થશે
મુકેશ અંબાણીએ કહ્યું કે ન્યૂ એનર્જી બિઝનેસ નજીકના ગાળામાં નફો કરતી થઈ જશે અને 5-7 વર્ષમાં તે ઓઈલ-ટુ-કેમિકલ્સ (O2C) સેગમેન્ટને સમકક્ષ નફો કરતી થઈ જશે. આ બિઝનેસમાં સોલાર ફોટોવોલ્ટેઈક અને ફ્યૂઅલ સેલ મેન્યુફેક્ચરિંગ, એનર્જી સ્ટોરેજ, ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન, વગેરેનો સમાવેશ છે.