જિયોએ મોબાઇલ ટેરિફનાં દરમાં 39 ટકા સુધીનો વધારો કર્યો
નવી દિલ્હી, રિલાયન્સ જિયોએ બુધવારે 6 ડિસેમ્બરથી મોબાઇલ કોલ અને ઇન્ટરનેટ સર્વિસ માટે વિવિધ નવા પ્લાનની જાહેરાત કરી હતી. આ નવા પ્લાન ગ્રાહકો માટે 39 ટકા વધુ મોંઘા છે. જોકે સંપૂર્ણ ગણતરી કરીએ, તો આ તમામ વિવિધ પ્લાન એની હરિફ કંપનીઓ ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ 3 ડિસેમ્બરે જાહેર કરેલા નવા કોલ અને ડેટા રેટથી 25 ટકા સસ્તાં છે.
જિયોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “1 ડિસેમ્બર, 2019નાં રોજ જિયોએ એના નવા ‘ઓલ-ઇન-વન પ્લાન્સ’ની જાહેરાત કરી હતી. આ તમામ પ્લાન જિયોનાં ગ્રાહકોને 300 ટકા વધારે લાભ પ્રદાન કરશે. વળી પ્લાન 6 ડિસેમ્બર, 2019થી લાઇવ થશે.” કંપનીએ 1 ડિસેમ્બરનાં રોજ જાહેરાત કરી હતી કે, કંપની તમામ મોબાઇલ પ્લાનનાં દરમાં 40 ટકા સુધીનો વધારો કરશે.
નવા ટેરિફ પ્લાન મુજબ, જિયોનાં ગ્રાહકોને 84 દિવસની વેલિડિટી અને દરરોજ 1.5 જીબી ડેટા માટે રૂ. 555ને ચુકવણી કરવી પડશે, જે આ જ લાભ આપતા અગાઉનાં રૂ. 399નાં પ્લાન કરતાં 39 ટકા વધારે કિંમત છે. કંપનીએ રૂ. 153નાં પ્લાનનો દર વધારીને રૂ. 199, રૂ. 198નાં પ્લાનનો દર વધારીને રૂ. 249, રૂ. 299નાં પ્લાનનો દર વધારીને રૂ. 349, રૂ. 448ના પ્લાનનો દર વધારીને રૂ. 599, રૂ. 1,699ના પ્લાનનો દર વધારીને રૂ. 2199 અને રૂ. 98નાં પ્લાનનો દર વધારીને રૂ. 129 કર્યો છે.
28 દિવસની વેલિડિટી ધરાવતો રૂ. 199નો પ્લાન દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરે છે, જે હરિફ કંપનીઓનાં પ્લાનથી 25 ટકા સસ્તો છે. હરિફ કંપનીઓ આ જ લાભ આશરે રૂ. 249ની કિંમતમાં પૂરાં પાડે છે. ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયાએ 3 ડિસેમ્બરથી મોબાઇલ સર્વિસ રેટમાં 50 ટકા સુધીનો વધારો કર્યો છે.