રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખંભાળિયામાં શાળા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો

(એજન્સી)જામનગર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા શૈક્ષણિક સુવિધાઓને મજબૂત બનાવવાના મહત્વપૂર્ણ પગલાંરૂપે અખાત્રીજના શુભ દિવસે ખંભાળિયાના હર્ષદપુર ખાતેના શ્રી વી.એચ. એન્ડ વી.એચ. હાઈસ્કૂલના નવા ભવનનો ભૂમિપૂજન સમારંભ યોજાયો હતો.
આ વિસ્તારના લોકોની રજૂઆત અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિલાયન્સના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) પરિમલભાઈ નથવાણી અને ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન તળે રિલાયન્સ દ્વારા તેના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.
ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે ખૂબ મહત્વની આ સુવિધાના ભૂમિપૂજન પ્રસંગે વિદ્યાર્થીઓ, શિક્ષકો, ટ્રસ્ટીઓ, ગામના આગેવાનો અને અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. નવ નિર્માણ પામનાર શાળા ભવનમાં આઠ આધુનિક વર્ગખંડો, આચાર્યની ઓફિસ, સ્ટાફ રૂમ, શિક્ષણેતર વિવિધ પ્રવૃત્તિઓ તેમજ એન.સી.સી. માટે વિશિષ્ટ રૂમ, અને વિદ્યાર્થીનીઓ, વિદ્યાર્થીઓ તથા સ્ટાફ માટે અલગ શૌચાલય બ્લોકનો સમાવેશ થનાર છે. આ ઉપરાંત બિÂલ્ડંગમાં સંપૂર્ણ અગ્નિશમન વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.
બાંધકામ પૂર્ણ થયા બાદ આ સુસજ્જ ભવન વિદ્યાર્થીઓને સુરક્ષિત અને પ્રેરણાદાયક શૈક્ષણિક વાતાવરણ મળે તે માટે શાળાના સત્તાધીશોને સુપ્રત કરવામાં આવશે. નોંધપાત્ર છે કે, શિક્ષણ, સ્વાસ્થ્ય, પશુપાલન, સ્વરોજગાર અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અવિરતપણે નોંધપાત્ર કામગીરી થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે અનેક લોક ઉપયોગી ઇમારતો અને સુવિધા સભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપવામાં આવી રહ્યા છે ત્યારે શિક્ષણ ક્ષેત્રે પણ અગાઉ જામનગરમાં મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં સૌથી સારામાં સારી ગુણવત્તા યુક્ત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા બનાવી લોકાર્પણ કરવામાં આવી છે. ત્યારે હાલ ખંભાળિયા પંથકની વધુ એક શાળા માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.