અદ્યતન સોલાર સેલ ટેકનોલોજીમાં રિલાયન્સનું USD 12 મિલિયનનું મૂડીરોકાણ
રિલાયન્સ ન્યુ એનર્જી લિમિટેડ સેલક્સ કોર્પોરેશનમાં રોકાણ કરશે -પેરોવસ્કાઈટ આધારિત સોલર ટેક્નોલોજીમાં કામ કરતી એક કંપની -ઓછા સ્થાપિત ખર્ચે સોલાર પ્રોજેક્ટના 25-વર્ષના લાઇફટાઇમમાં 20% વધુ ઊર્જા ઉત્પન્ન કરી શકે છે.
મુંબઈ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“Reliance”) ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડે (“RNEL”) આજે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના કેલિફોર્નિયા આવેલાપાસાડેનામાં મુખ્ય મથક ધરાવતી કંપની સેલક્સ કોર્પોરેશન (“Caelux”)માં રોકાણ કરવા માટે નિશ્ચિત કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
પેરોવસ્કાઈટ આધારિત સોલર ટેકનોલોજીના વિકાસ માટે કામ કરતી સેલક્સમાં 20% હિસ્સો મેળવવા માટે આર.એન.ઇ.એલ. USD 12 મિલિયનનું રોકાણ કરશે. Reliance New Energy Limited to invest in Caelux Corporation
આ રોકાણ સેલક્સના ઉત્પાદન અને ટેક્નોલોજીના વિકાસને વેગ આપશે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં તેની પાયલોટ લાઇનના નિર્માણ સહિત તેની ટેક્નોલોજીના વ્યાવસાયિક વિકાસને ઝડપી બનાવવાનો સમાવેશ થાય છે. આર.એન.ઇ.એલ. અને સેલક્સ વચ્ચે ટેકનિકલ સહયોગ અને સેલક્સની ટેક્નોલોજીના વેપારીકરણ માટે વ્યૂહાત્મક ભાગીદારી માટેના કરાર થયા છે.
સેલક્સ એક પેરોવસ્કાઈટ આધારિત સૌર ટેકનોલોજીના સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં અગ્રણી છે. તેની પોતાની ટેક્નોલોજી ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલર મોડ્યુલ્સને સક્ષમ બનાવે છે, જે નોંધપાત્ર રીતે ઓછા સ્થાપિત ખર્ચે સોલાર પ્રોજેક્ટના 25-વર્ષના લાઇફટાઇમમાં 20% વધુ ઊર્જા ઉત્પન્ન કરી શકે છે.
રિલાયન્સ ગુજરાતના જામનગર ખાતે વૈશ્વિક સ્તરે ઈન્ટિગ્રેટેડ ફોટોવોલ્ટેઈક ગીગા ફેક્ટરી સ્થાપી રહી છે. આ મૂડીરોકાણ અને સહયોગ દ્વારા રિલાયન્સ વધુ શક્તિશાળી અને ઓછી કિંમતના સોલાર મોડ્યુલનું ઉત્પાદન કરી શકશે અને તેના માટે સેલક્સના ઉત્પાદનોનો લાભ ઉઠાવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મુકેશ ડી. અંબાણીએ આ મૂડીરોકાણ અંગે જણાવ્યું કે, “વિશ્વ કક્ષાની પ્રતિભા દ્વારા સમર્થિત અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા પ્રાપ્ત થયેલા તકનીકી નવીનીકરણના આધારસ્તંભો પર બનેલા સૌથી અદ્યતન ગ્રીન એનર્જી મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ બનાવવાની અમારી વ્યૂહરચના સાથે સેલક્સમાં મૂડીરોકાણ એકદમ સુસંગત છે.
અમે માનીએ છીએ કે સેલક્સની માલિકીની પેરોવસ્કાઈટ આધારિત સોલાર ટેક્નોલોજી અમને સ્ફટિકીય સૌર મોડ્યુલોમાં નવીનતાના આગામી તબક્કામાં પ્રવેશ પૂરો પાડશે. અમે સેલક્સની ટીમ સાથે મળીને તેના ઉત્પાદન વિકાસ તથા તેની ટેકનોલોજીના વેપારીકરણને વેગ આપવા માટે કામ કરીશું. ”
સેલક્સ કોર્પોરેશનના સીઇઓ શ્રી સ્કોટ ગ્રેબીલે જણાવ્યું કે, “અમારા વિકાસના આગલા તબક્કામાં આગળ વધતી વખતે મુખ્ય રોકાણકાર તરીકે રિલાયન્સ સાથેનો સંબંધ શરૂ કરવામાં અમે ગર્વ અનુભવીએ છીએ અને વર્ષોથી કંપનીને ખોસલા વેન્ચર્સે જે સમર્થન પૂરું પાડ્યું છે તેના માટે આભારી તેમના છીએ.
રિલાયન્સ સાથેની ભાગીદારી દ્વારા અમે સ્ફટિકીય સૌર મોડ્યુલોને વધુ કાર્યક્ષમ અને ખર્ચની દૃષ્ટિએ અસરકારક બનાવતા ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માટે અમારી ઉત્પાદન ક્ષમતાઓ વિકસાવવાના અમારા પ્રયાસોને વેગ આપીશું. અમે રિલાયન્સની વૈશ્વિક વિસ્તરણ યોજનાઓ અને પ્રોડક્ટ રોડમેપ સાથે સુસંગત હોવાથી અમે સૌર ઊર્જાનું ભવિષ્ય બદલવા માટે ખૂબ જ આતુર છીએ.”
ખોસલા વેન્ચર્સના શ્રી વિનોદ ખોસલાએ જણાવ્યું કે, “સેલક્સનું ‘પેરોવસ્કાઇટ ઓન ગ્લાસ’ આર્કિટેક્ચર એ નવીનત્તમ ટેક્નોલોજી છે જે સૌર ઉદ્યોગના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવા અને પુનઃપ્રાપ્ય પદાર્થોના પ્રવેશને વેગ આપવા માટે અત્યંત જરૂરી છે.
સેલક્સના શરૂઆતના સમયના સમર્થક તરીકે અમે તેમની તકનીકી પ્રગતિથી પ્રભાવિત થયા છીએ અને હવે જ્યારે તેઓ રિલાયન્સ સાથેની તેમની નવી વ્યાપારી યાત્રા શરૂ કરી રહ્યા છે ત્યારે પણ તેમની સાથે સહયોગ ચાલુ રાખવા માટે અમે ઉત્સાહિત છીએ.
આ સોદાને કોઈ નિયમનકારી મંજૂરીની જરૂર રહેશે નહીં અને સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં આ સોદો પૂર્ણ થવાની અપેક્ષા છે અને તે કોઈપણ પ્રકારની જરૂરી શરતો પૂરી કરવાની પ્રક્રિયાને આધિન રહેશે.