ચા ની કિટલીની આડમાં ધમધમતા ધાર્મિક યંત્રના જુગારનો પર્દાફાશઃ ૧૧ ઝડપાયા
સ્ટેટ મોનિટરીંગ સેલનો સપાટો ઃ જુગારના પહેલાં કેસથી નવા વર્ષની શરૂઆત કરી
અમદાવાદ, નવા વર્ષે સ્ટેટ મોનિટરીંગ સેલની શહેરમાં ધાર્મિક યંત્ર પર ચાલતા જુગારધામ પર દરોડા પાડીને મુર્હૂત કરી દીધું છે. એસએમસીએ કુલ જુગારિયા તેમજ ઓપરેટરસહિત ૧૧ લોકોની ધરપકડ કરી છે અને ર.૯૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપથી રૂપિયા કમાવવા માટે લોકો હવે દેવી-દેવતાના ધાર્મિક યંત્રનો સહારો લેતા થઈ ગયા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ ઈ રહ્યો છે. શહેરના અનેક વિસ્તારમાં ધાર્મિક યંત્ર પર જુગારધામ ચાલી રહ્યા છે જેના પર પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ રેડ કરી રહી છ. ધાર્મિક યંત્ર પર જુગાર એકાદ-બે વર્ષથી નહીં પરંતુ લગભગ ૧પ વર્ષથી ધમધમી રહ્યો છે. જેની સામે હવે પોલીસે લાલ આંખ કરવાનું શરૂ કરી દીધું છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટી સ્ટોલની આડમાં ચાલતા ધાર્મિક યંત્રના જુગારનો પર્દાફાશ કર્યો છે.
એસએમસીને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં આવેલા અમન કોમ્પલેક્ષમાં ટી સ્ટોલની આડમાં ધાર્મિિક યંત્રનો સહારો લઈને જુગાર રમાડી રહ્યા છે. બાતમીના આધારે એસએમસીએ રેડ કરી હતી. જેમાં મોહમ્મદ યાસીન મિર્ઝા, મોહમ્મદ હનીફ શેખ, સરફરાઝ અલી અન્સારી, મોહમ્મદ હકીમ શેખ, મોહમ્મદ વસીમ શેખ, ફૈઝાન મેમણ, સૈફાન શેખ, મોહમ્મદ અયાન શેખ, મોહમ્મદ સમીર શેખ, અમીરખાન પઠાણ અને મોહસીન વહોરાની ધરપકડ કરી છે.
આ યંત્ર વેપાર સલમાન મિર્ઝા અને રાજુ રાવત ચલાવી રહ્યા હતા. એસએમસીએ રેડ દરમિયાન ર૪ હજાર રોકડા, ૧ર મોબાઈલ, એલસીડી, પ્રિન્ટર, બારકોડ સ્કેનર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ધાર્મિક યંત્ર પરના જુગારમાં દર પંદર મિનિટે લકી ડ્રો થાય, જેમાં ૧૧ રૂપિયા સામે ૧૦૦ રૂપિયા મળે છે. એલઈડીના સ્ક્રીન પર ૧૦ યંત્ર ઓનલાઈન દેખાતા હતા. દરેક યંત્રનો દર પંદર મિનિટે લકી ડ્રો થતો હતો. મોટાભાગના લોકો એક વાર લાગશે તેમ સમજીને વારંવાર જુદા જુદા યંત્ર પર પૈસા લગાવતા હોય છે જેમને યંત્ર લાગી જાય તેમને તેમના લગાવેલા રૂપિયાના દસ ગણા રૂપિયા મળે છે. મુંબઈમાં બેઠેલા આકાઓ આ ધંધામાં ટેકસ પણ ભરી રહ્યા છે.
ધાર્મિક યંત્ર પર જુગારનું એપી સેન્ટર મુંબઈમાં છે અને બાપુનગરનો માસ્ટર માઈન્ડ ગુજરાતની કમાન સંભાળી રહ્યો છે. પોલીસે યંત્ર પર જુગાર રમાડતી ટોળકીઓને ઝડપવાનું શરૂ કરી દીધું છે.
અમદાવાદ, રાજકોટ, વડોદરા, કચ્છ, સુરત, સહિત રાજ્યના તમામ શહેરોમાં ઓનલાઈન યંત્ર સેલિંગ વેપારની આડમાં જુગારનો ધંધો ચાલી રહ્યો છે. જેમાં લોકો પોતાના કિસ્મત અજમાવી રહ્યા છે. અમદાવાદ સહિત ગુજરાત પોલીસે ધાર્મિક યંત્રની આડમાં ચાલતા જુગાર પર દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે જેમાં તેમને સફળતા પણ મળી રહી છે.