ચૂંટાયેલા મહિલા જનપ્રતિનિધિને હટાવી દેવા એ ગંભીર બાબત છેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, મહારાષ્ટ્રના જલગાંવમાં એક મહિલા સરપંચ ચૂંટાવા છતાં તેમને તેમના હોદ્દા પરથી દૂર કરી દેવાના મામલાને સુપ્રીમ કોર્ટે ગંભીર મામલો ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ચૂંટાયેલા જનપ્રતિનિધિને હટાવવાને હળવાશથી ન લઈ શકાય, ખાસ કરીને જ્યારે તે ગ્રામીણ વિસ્તારોની મહિલાઓની ચિંતા કરી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટની જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુઈયાની ખંડપીઠે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવીને, ૨૭ સપ્ટેમ્બરના રોજ, સરપંચને તેમનો કાર્યકાળ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. બેન્ચે કહ્યું હતું કે આ ક્લાસિક કેસ છે જેમાં એક મહિલા સરપંચ તરીકે ચૂંટાઈ આવી છે અને આ હકીકતને ગ્રામજનો સ્વીકારી શકતા નથી.
વાસ્તવમાં, મહારાષ્ટ્રના જલગાંવમાં વિચખેડા ગ્રામ પંચાયતનાં સરપંચ મનીષ રવીન્દ્ર પાનપાટીલે તેમની સામે થયેલી કાર્યવાહીને કોર્ટમાં પડકારી હતી. મનીષ પર આરોપ હતો કે તે સરકારી જમીન પર બનેલા મકાનમાં તેમની સાસુ સાથે રહે છે. પરંતુ પાનાપાટીલે આ આરોપને નકારી કાઢ્યો હતો.
તેમણે જણાવ્યું કે તે તેના પતિ અને બાળકો સાથે ભાડાના મકાનમાં જુદી રહે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ સ્થિતિ વધુ ગંભીર બની જાય છે જ્યારે અમે દેશની સરકારી કચેરીઓ અને સંસ્થાઓ સહિત તમામ ક્ષેત્રોમાં લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણનું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યા છીએ. બેન્ચે એમ પણ કહ્યું હતું કે મહિલાઓ ઘણી જહેમત બાદ જ આવી જાહેર કચેરીઓ સુધી પહોંચવામાં સફળ થાય છે.
આક્ષેપોની તપાસ કર્યા વિના અને પાયાવિહોણા નિવેદનોના આધારે જિલ્લા કલેકટરે તેમને સરપંચ તરીકે ગેરલાયક ઠેરવ્યા હતા. તેમને પદ પરથી હટાવવાનો આદેશ પણ પસાર કર્યાે હતો. આ પછી કમિશનરે પણ આ આદેશ જાળવી રાખ્યો હતો. ખંડપીઠે કહ્યું હતું કે તેમને સરપંચ પદેથી હટાવવાની બાબત ખૂબ જ ગેરવ્યાજબી અને ખોટી છે.
સંબંધિત અધિકારીઓએ પોતાને સંવેદનશીલ બનાવવાની અને સાનુકૂળ વાતાવરણ બનાવવાની દિશામાં કામ કરવાની જરૂર છે. જેથી અરજદાર જેવી મહિલાઓ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ફરજ બજાવી પોતાની ક્ષમતા પુરવાર કરી શકે.SS1MS