‘એરપોર્ટ રોડ પરથી રખડતાં ઢોર દૂર કરો’: મ્યુનિ. કમિશનરનો કડક આદેશ
તંત્ર દ્વારા રોજનાં ૧૦૪ ઢોર પકડવામાં આવે છે
અમદાવાદ, શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ બેફામ રીતે વધ્યો છે. મોટા ભાગના વિસ્તારના રસ્તા કે સર્કલ પર રખડતાં ઢોર બેઠેલાં જાેવા મળે છે. આના કારણે છાશવારે અકસ્માતો થતાં હોઈ કેટલાક વિસ્તારમાં નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
અમદાવાદ ઉપરાંત રાજ્યના અનેક વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રાસ હોઈ હાઈકોર્ટ પણ આકરાં પાણીએ છે. હાઈકોર્ટ દ્વારા રખડતાં ઢોરને પકડીને ઢોરવાડામાં પૂરી દેવાના ઓગસ્ટના છેલ્લાં અઠવાડિયામાં મ્યુનિ. તંત્રને આદેશ આપતાં કમિશનર લોચન સહેરાએ આ માટે ખાસ એકશન પ્લાન બનાવ્યો છે.
કમિશનરના એક્શન પ્લાન મુજબ મ્યુનિ ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ દ્વારા અમદાવાદમાંથી રખડતાં ઢોર ઝબ્બે કરવાની કામગીરી કરવામાં આવે છે. જાેકે આ કામગીરીથી કમિશનર સહેરાને ખાસ સંતોષ થતો હોય તેમ લાગતું નથી, કેમ કે એરપોર્ટ રોડ પરથી રખડતાં ઢોરને દૂર કરવાનો વિશેષ આદેશ તંત્રને આપવાની તેમજ ફરજ પડી છે.
ગુજરાત હાઇકોર્ટે એડ્વોકેટ્સ એસોસિયેશન દ્વારા તાજેતરમાં હાઈકોર્ટમાં કરાયેલી રજૂઆત મુજબ બુધવારે રખડતાં ઢોરે વડોદરામાં સગર્ભા મહિલા પર હુમલો કરતાં ગર્ભમાં રહેલું શિશું મૃત્યુ પામ્યું હતું. જીએચએએ દ્વારા રખડતાં ઢોરને હુમલામાં જે વ્યક્તિનું મોત થાય
તેના પરિવારજનોને વળતર પેટે રૂ. એક લાખ સહિત ઘાયલોને પણ સારવાર અર્થે આર્થિક સહાય ચૂકવવાની માંગણી કરાઈ છે. આ રકમ પશુપાલકો અને મહાનગરપાલિકા ચૂકવે તેવી પણ જીએચએએની રજૂઆત હતી. ઢોર પાર્ટી પર હુમલો કરનારા સામે સદોષ માનવવધની કલમ હેઠળ ગુનો નોધવાની પણ એસોસિયેશનની માગણી છે.
આમ રખડતાં ઢોરનાં મામલે હાઈકોર્ટે પણ વધુ ગંભીર બન્યુ છે. એક તરફ હાઈકોર્ટ રખડતાં ઢોર અંગે રાજ્ય સરકાર સહિતના સંબંધિત તંત્રનો ઊધડો લઈ રહી છે, બીજી તરફ મ્યુનિ. કમિશનર લોચન સહેરાના આદેશના પગલે ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ દ્વારા ચાલુ સપ્ટેમ્બર મહિનાના છેલ્લા ૧૬ દિવસમાં કુલ ૧૬૬૮ રખડતાં ઢોરને પકડીને ઢોરવાડાના હવાલે કરાયાં છે એટલે કે રોજનાં ૧૦૪ ઢોરને પકડ્યાં છે.
તંત્ર દ્વારા રાઉન્ધ ધ ક્લોક ઓપરેશન ચલાવાઈ રહ્યું હોઈ ત્રણ શિફ્ટમાં ઢોરને પકડવામાં આવે છે. કુલ ૨૧ ટીમ રખડતાં ઢોરને શહેરમાંથી પકડી રહી હોવા છતાં એરપોર્ટ રોડ પરની કામગીરીથી કમિશનર સહેરા ખફા હોવાનું જાણવા મળ્યું છે.
મ્યુનિ. કમિશનર લોચન સહેરાએ એરપોર્ટ પર એક પણ રખડતું ઢોર નજરે ન પડે તે માટે મ્યુનિ. ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગને આદેશ આપ્યો છે.
દેશ-વિદેશના મહાનુભવો એરપોર્ટ રોડ પરથી પસાર થતા હોઈ તેમની આંખોની સામે રખડતાં ઢોર દેખાવા ન જાેઈએ તેમ કમિશનર સહેરાએ ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓને સ્પષ્ટપણે સુણાવી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે એવું કહી શકાય કે છેક કમિશનર સુધી એરપોર્ટ રોડ પર રખડતાં ઢોરની ફરિયાદ પહોંચી હશે, જેના કારણે તેમને તંત્ર સામે લાલ આંખ કરવી પડી છે.
તંત્ર દ્વારા રખડતાં ઢોરને ઘાસચારાનું વેચાણ કરતી કુલ ૫૪ પેડલ રિક્ષા તેમજ લારી જપ્ત કરાઈ છે. ઉપરાંત કુલ ૧૫.૪૧૪ કિલો ઘાસચારો જપ્ત કરાયો છે. તેમ છતાં શહેરીજનોને આનાથી સંતોષ નથી. હાઈકોર્ટે દ્વારા અવારનવાર મ્યુનિ. કોર્પોરેશનને એક અથવા બીજા પ્રકારની સૂચના અપાઈ રહી છે. આ સંજાેગોમાં રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ વધુ ઉગ્ર બનાવાય તેવી લોકોની માગણી છે.