પ્રખ્યાત સિંગર “બી પ્રાક”ના મધુર અવાજમાં સ્વરબદ્ધ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ
ગુજરાતી સિનેમામાં નવો ઇતિહાસ: પ્રખ્યાત સિંગર બી પ્રાકે આવનાર ફિલ્મ “સમંદર”ના એક સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો
ગુજરાત : “સમંદર” ફિલ્મ 17મી મે એ રિલીઝ થઈ રહી છે અને ગુજરાતી ફિલ્મના ચાહકો આ ફિલ્મની આતુરતાથી વાટ જોઈ રહ્યાં છે ત્યારે મેકર્સે પ્રખ્યાત સિંગર બી પ્રાકના મધુર અવાજમાં સ્વરબદ્ધ કરાયેલ સોન્ગ “તું મારો દરિયો” રિલીઝ કરીને દર્શકોને ફિલ્મ જોવા વધુ આતુર કર્યા છે.
આજે સમગ્ર દેશમાં બી પ્રાકના અવાજના સૌ કોઈ દીવાના છે ત્યારે આ ફેમસ સિંગરે પ્રથમવાર કોઈ ગુજરાતી સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો છે. આ સોન્ગમાં ફિલ્મના મુખ્ય કલાકારો મયુર ચૌહાણ અને જગજીતસિંહ વાઢેર જોવા મળે છે.
વટ, વચન અને વેર દર્શાવતી 2 મિત્રોની કહાની વર્ણવતી ફિલ્મ “સમંદર”નું દિર્ગદર્શન વિશાલ વડાવાળાએ કર્યું છે. કેપી એન્ડ યુડી મોશન પિક્ચર પ્રોડક્શન હાઉસના બેનર હેઠળ બનેલ આ અદભૂત અને રોમાંચિત કરી દે તેવી ફિલ્મનું નિર્માણ પ્રોડ્યુસર કલ્પેશ પલાણ અને ઉદયરાજ શેખવા દ્વારા કરવામાં આવ્યું છે. રિલીઝ થયેલ સોન્ગ “તું દરિયો રે” બે દોસ્તો વચ્ચેની મિત્રતા પ્રસ્તુત કરે છે. ઉલ્લેખનીય છે કે જાણીતા લેખક, સંગીતકાર તથા ગાયક ભાર્ગવ પુરોહિતના શબ્દોમાં વર્ણવાયેલ આ સોન્ગ બી પ્રાકનું આગવી શૈલીનું સોન્ગ બની રહેશે.
બી પ્રાકે આ અગાઉ કોઈ પણ ગુજરાતી સોન્ગમાં પોતાનો અવાજ આપ્યો નથી પણ આ ગીતનો ભાવ, અને તેનો ભારો ઊંચકવા માટે બી પ્રાકનો દમદાર અવાજ ઉચિત બેસતો હતો. દરિયા જેટલું ઊંડાણ ધરાવતા આ ગીતને પાર પાડવાનું કામ બી પ્રાક જ કરી શકે તેમ હતા. સાથોસાથ આજના સમયમાં બી પ્રાક યુવાનોના ગમતાં ગાયક છે, અને તે માટે જ સમંદર ટીમનો ગુજરાતના યુવાનોને આ ગીત થકી ભેટ આપવાનો વિચાર હતો. આ સોન્ગનું શૂટિંગ ખાસ કરીને ગુજરાતના વિવિધ દરિયાઈ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે.
બી પ્રાકને આ સોન્ગના શબ્દો ખૂબ જ પસંદ પડ્યા હતા અને તે માટે જ તેમણે ગીત ગાવાની વાત સ્વીકારી હતી. તેમણે કેદાર-ભાર્ગવના સંગીત, અને ભાર્ગવ પુરોહિતના લખાણને વધાવ્યું હતું. સાથોસાથ તેમણે દિર્ગદર્શક વિશાલ વડાવાળા અને નિર્માતા કલ્પેશ પલાણ તથા ઉદયરાજ શેખવાના કામને પણ બિરદાવ્યું હતું. બી પ્રાકને સમંદરનું ટીઝર/ટ્રેલર અને વાર્તા પણ ખૂબ જ ગમી છે અને તેમણે સમંદરની ટીમને અઢળક શુભેચ્છા પણ આપી છે.
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમવાર ગેંગસ્ટર પર આધારિત ફિલ્મ આવી છે, જેથી દર્શકો ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. “સમંદર” ફિલ્મ એ ડિરેક્ટર વિશાલ વડાવાળાનો ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ફિલ્મનો વિષય કાંઈક અલગ છે. ફિલ્મમાં ઉદય (મયુર ચૌહાણ) અને સલમાન (જગજીતસિંહ વાઢેર)ની દોસ્તીની વાર્તા છે. ગુજરાતના ગૅન્ગસ્ટરની વાત છે, માફિયાગીરીમાં બે ભાઈબંધ કેવી રીતે દાખલ થાય છે અને કેવી રીતે બન્ને ભાઈ બને છે એની વાત ફિલ્મમાં કરવામાં આવી છે.
ફિલ્મના અન્ય ગીતો પણ દર્શકો ખૂબ પસંદ કરી રહ્યાં છે અને બી પ્રાક દ્વારા ગવાયેલ આ સોન્ગ “તું મારો દરિયો” જોઈને ધ્રાશકો ફિલ્મ પાર્ટીએ વધુ આકર્શાયા છે. “સમંદર” એક નખશિખ ગુજરાતી ફિલ્મ છે પણ શક્ય છે કે સમંદરની વાર્તાની વિશાળતાને કારણે તેની સરખામણી હિન્દી અથવા દક્ષિણ ભારતની ફિલ્મો સાથે થાય. ગુજરાતમાં “સમંદર” જેટલું બહોળું વિશ્વ ધરાવતી જૂજ જ વાર્તાઓ પર ફિલ્મો બની છે. સામાન્યપણે સમંદર જેટલું બહોળું વિશ્વ ધરાવતી ફિલ્મો હિન્દી અને દક્ષિણ ભારતમાં જ બનતી આવી છે.