નિષ્કર્ષ પર પહોંચેલા કેસ ફરી ખોલવાથી ન્યાયતંત્રમાં અરાજકતા ફેલાશે: સુપ્રીમ કોર્ટ

મુંબઈ, સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે કેસનો અંતિમ નિર્ણય એ મજબૂત ન્યાય પ્રણાલીનું મુખ્ય પાસું છે અને જે કેસનો નિષ્કર્ષ આવી ગયો છે, તેને ફરીથી ખોલી શકાય નહીં. જો આવી પરવાનગી આપવામાં આવે તો ન્યાયતંત્રમાં અરાજકતા ઊભી થશે.
ન્યાયાધીશ સૂર્યકાંત, દીપાંકર દત્તા અને ઉજ્જલ ભુયાનની બનેલી ખંડપીઠે હિમાચલપ્રદેશના વન વિકાસ નિગમના ભૂતપૂર્વ કર્મચારીઓએ દાખલ કરેલી રીટ પિટિશનને ફગાવી દીધી હતી.
૨૦૧૬ માં અલગ કેસમાં આ મુદ્દાનો નિકાલ આવ્યો હોવા છતાં કર્મચારીઓ પેન્શનના લાભો માટે આ રિટ પિટિશન કરી હતી.ખંડપીઠે જણાવ્યું હતું કે એ સ્પષ્ટ છે કે હાલની રિટ પિટિશન સંપૂર્ણપણે ખોટી રીતે રજૂ કરાઈ છે અને તે ફગાવી દેવાને લાયક છે. જોકે તેને ફગાવી દેતા પહેલા અમે ન્યાયપ્રક્રિયાની નિર્ણાયકતાના સિદ્ધાંત પર ભાર મૂકીને તેને દોહરાવવા માગીએ છીએ.
કોઇ કેસનો અંતિમ નિર્ણય મજબૂત ન્યાય પ્રણાલીનું મુખ્ય પાસું છે. જે પિટિશનની સુનાવણી પૂરી થઈ ગઈ છે અથવા અંતિમ નિષ્કર્ષ આવી ગયો છે તેને ફરીથી ખોલી શકાય નહીં.
સર્વાેચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સ્પેશ્યલ લીવ પિટિશનમાં આ કોર્ટના નિર્ણયથી નારાજ અરજદાર રિવ્યૂ પિટિશન અને તે પછી ક્યુરેટિવ પિટિશન દ્વારા નિર્ણયની ન્યાયિક સમીક્ષા માગી શકે છે.
પરંતુ ભારતના બંધારણની કલમ ૩૨ હેઠળ રિટ પિટિશનમાં કોર્ટના નિર્ણયને પડકારી શકાતો નથી. જો આવી પરવાનગી આપવામાં આવે તો કોઈ અંતિમતા રહેશે નહીં અને લિટિગેશનનો કોઈ અંત આવશે નહીં અને ન્યાયતંત્રમાં અરાજકતા ફેલાશે.
૨૦૧૯માં હિમાચલના વન નિગમના ત્રણ ભૂતપૂર્વ કર્મચારીઓએ કલમ ૩૨ હેઠળ સર્વાેચ્ચ અદાલતમાં રિટ પિટિશન કરી હતી. આ કર્મચારીઓને હિમાચલ પ્રદેશ કોર્પાેરેટ સેક્ટર કર્મચારી યોજના, ૧૯૯૯ હેઠળ પેન્શનના લાભો મળ્યાં ન હતા અને તેનાથી નારાજ હતાં.SS1MS