ભરૂચના ડભાલી પાસેની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં પડેલા ભંગાણનું સમારકામ શરૂ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/01/Viral2-1-1024x576.jpg)
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ પાલિકાને પાણી પુરવઠો પૂરો પાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી નજીક મોટું ભંગાણ સર્જાતા શહેરવાસીઓને માથે જળ સંકટ ટોળાઈ રહ્યું છે.તો ભંગાણ સર્જાય બાદ સમારકામ નહિ થતા વિપક્ષ મેદાને ઉતરી સ્થળ મુલાકાત કરી કલેકટરને રજૂઆત કરી હતી.જાેકે પોલીસ પ્રોટેક્શન સાથે કેનાલ નું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું.
નવા વર્ષના પ્રથમ દિવસે જ અમલેશ્વર કેનાલ બ્રાન્ચ માં ભરૂચ તાલુકાના ડભાલી નજીક મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં ખેડૂતોના ઉભા પાકને નુકશાન થવા પામ્યું હતું.જે બાદ ખેડૂતોએ વળતર ની માંગ સાથે કલેકટરને રજુઆત કરી હતી અને વળતર નહિ ચૂકવાય તો સમારકામ નહિ કરવા દેવાની ચિમકી ઉચ્ચારી હતી.તો આ કેનાલ મારફતે જ શહેરીજનો અને દહેજ ઉદ્યોગિક વસાહતમાં પાણી પુરવઠો પૂરો પાડતી હતી.
ત્યારે ભરૂચ શહેરમાં પીવાના પાણીની સમસ્યા ઉભી થતા પાલિકા વિપક્ષે સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે ગાબડું પૂરવામાં આવે તેવી માંગ સાથે લાગતા વળગતા અધિકારીઓ અને વિભાગમાં રજૂઆત કરી છે.પાણી કાપ સાથે ઓછા પ્રેશરથી પાણીમાં કેટલાય વિસ્તારના લોકો પીવાના પાણી વિના વલખા મારતા હોવાની ફરિયાદો પણ ઉઠી રહી હતી.
કેનાલમાં ભંગાણ સર્જાયા બાદ પણ ૧૦ દિવસ વિતવા છતાં પણ કેનાલનું સમારકામ નહિ થતા માતરિયા તળાવમાં રહેલો જથ્થો માત્ર પાંચ થી છ દિવસ સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો હોવાથી આગામી દિવસોમાં ભરૂચના માથે જળ સંકટ ઉભુ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યાં છે.ત્યારે વિપક્ષ પણ જળસંકટને લઈને વિપક્ષ પણ મેદાનમાં ઉતર્યું હતું અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
અમલેશ્વરની બ્રાન્ચ કેનાલનું ડભાલી નજીક ભંગાણ સર્જાતા તેનું સમારકામ પોલીસ પ્રોટેક્શન સાથે શરૂ કરવામાંઆવ્યું છે અને આગામી બે દિવસમાં કામ પૂર્ણ થતાં શહેરવાસીઓને પાણી પુરવઠો રાબેતા મુજબ મળશે તેમ પાલિકાના ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલે જણાવ્યુ હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અમલેશ્વર બ્રાન્ચ કેનાલ સર્જાયેલ ભંગાણનું સમારકામ પોલીસ પ્રોટેક્શન સાથે શરૂ કરી દેવામાં આવ્યુ છે.પરંતુ તેમાં પાણીનો પુરવઠો જ્યાં સુધી છોડવામાં નહિ આવે ત્યાં સુધી શહેરીજનોના માથે જળસંકટ ટોળાઈ રહેશે.