સાઉથ બોપલ, ગોતા, થલતેજમાં રહેણાંકના મકાનોની માંગ વધી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/SouthBopal-scaled.jpg)
South Bopal
અમદાવાદમાં રેસિડેન્શિયલ માગ ત્રિમાસિક ધોરણે 21.4 ટકા વધીઃ મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q2 2022
- ત્રિમાસિક ધોરણે સરેરાશ રેસિડેન્શિયલ ભાવ 1.6 ટકા વધ્યાં
- 3 બીએચકે કન્ફિગરેશન માટે માગ અને પુરવઠો અનુક્રમે 45 ટકા અને 46 ટકા
અમદાવાદ, અમદાવાદમાં રેસિડેન્શિયલ રિયલ એસ્ટેટની માગ (શોધ) ત્રિમાસિક ધોરણે 21.4 ટકા અને પુરવઠો (લિસ્ટિંગ્સ) 4.7 ટકા વધ્યો છે તેમજ ત્રિમાસિક ધોરણે પ્રોપર્ટીના સરેરાશ ભાવમાં 1.26 ટકાનો વધારો થયો હોવાનું મેજિકબ્રિક્સ પ્રોપઇન્ડેક્સ રિપોર્ટ Q2 2022માં જણાયું છે.
આ ઉપરાંત વર્ષ 2022ના બીજા ત્રિમાસિકગાળામાં 3 બીએચકે કન્ફિગરેશનનું અમદાવાદના રેસિડેન્શિયલ માર્કેટમાં પ્રભુત્વ રહ્યું છે, જેની માગ અને પુરવઠો અનુક્રમે 45 ટકા અને 46 ટકા રહ્યો છે તેમજ પ્રીમિયમ પ્રોપર્ટીઝની માગ ઘટીને 12 ટકા થઇ છે.
વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિકગાળામાં પ્રતિ ચોરસ ફૂટ રૂ. 6,000થી વધુ કિંમતની પ્રીમિયમ પ્રોપર્ટીની માગ 21 ટકાથી ઘટીને વર્ષ 2022ના બીજા ત્રિમાસિકગાળામાં 12 ટકા થઇ છે, જે વાજબી ઘરો પ્રત્યે ઘર ખરીદદારોની પસંદગી સૂચવે છે.
આ ટ્રેન્ડ અંગે પ્રતિક્રિયા આપતાં મેજિકબ્રિક્સના સીઇઓ સુધીર પાઇએ કહ્યું હતું કે, “સમગ્ર ભારતમાં રેસિડેન્શિયલ માગમાં વધારો આર્થિક સુધારા અને આવકમાં સ્થિરતાને પ્રતિબિંબિત કરે છે. ઓફિસ અને શૈક્ષણિક સંસ્થાનો ફરી ખુલવાથી પરિવારો મેટ્રોમાં પાછા ફરી રહ્યાં હોવાથી પણ તેને બળ મળ્યું છે.
ફુગાવામાં વધારો, વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપ તેમજ સામગ્રીના ઇનપુટ અને મોર્ગેજ દરોમાં વધારો કિંમતોમાં વધારો કરી રહ્યાં છે, એકંદરે અમે ખરીદદારોનો આત્મવિશ્વાસ જોઇ રહ્યાં છે તેમજ આગામી કેટલાંક ત્રિમાસિકગાળામાં ભારતીય રેસિડેન્શિયલ માર્કેટમાં સતત વૃદ્ધિની અપેક્ષા છે.”
આ રિપોર્ટ મૂજબ બોપલ અને એસજી હાઇવે ઉત્કૃષ્ટ કનેક્ટિવિટી અને ઝડપી માળખાકીય વિકાસને કારણે માગ અને પુરવઠા સંદર્ભે ટોચના બે પસંદગીના મેક્રો-માર્કેટ્સ તરીકે જળવાઇ રહ્યાં છે.
આ ઉપરાંત અમદાવાદમાં મોટાભાગની માંગ પશ્ચિમ અને ઉત્તરના માર્કેટ્સ જેમકે સાઉથ બોપલ, ગોતા, થલતેજ અને બોડકદેવ ઉપર કેન્દ્રિત રહી છે કારણકે મોટાભાગના કમર્શિયલ અને રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ અહીં થઇ રહ્યાં છે.