ઝઘડિયા સુલતાનપુરા ગામના રહીશોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઝીરો વેસ્ટ ઝીરો કોસ્ટ અંતર્ગત ઠરાવેલ જગ્યા બાબતે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા ઝીરો વેસ્ટ ઝીરો કોસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ઠરાવેલ જગ્યા બાબતે ઝઘડિયા સુલતાનપુરા ગામના કેટલાક રહીશોએ તેનો વિરોધ નોંધાવી ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આ પ્રોજેક્ટ સ્થાનિકો માટે કેટલો નુકસાનકારક છે તે જણાવ્યું હતું.
તેમણે પોતાના આવેનપત્રમાં જણાવ્યું હતું કે ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત ઠરાવેલ જગ્યા બાબત અરજદારો આ જગ્યાની નજીકમાં વસવાટ કરતા રહેવાસી છે અને આ પ્રોજેક્ટને અન્ય સ્થળે એટલે કે ગામના સીમાડા વાળી જગ્યા પર લઈ જવામાં આવે કે જેથી આ કામગીરીના લીધે નજીકના રહેવાસીઓ,સ્કૂલમાં આવન જાવન કરતા બાળકો કે જે જુદી જુદી સરકારી શાળા જેમકે કુમારશાળા કન્યાશાળા કુમાર છાત્રાલયમાં ભણવા જાય છે.
નજીકમાં આવેલ બેંક તથા ગેસની એજન્સી તેમજ બાજુમાં આવેલા મંદિરોએ સવાર સાંજ લોકો જતા હોય છે.આ વિસ્તારમાં અંદાજીત ૨૦૦૦ જેટલી વસ્તી આવેલ છે જેમાં બાળકો, વૃદ્ધો, અપંગ, બીમાર વ્યક્તિઓ પણ રહેતા આવેલ છે અને લોકો તેઓની દૈનિક કામગીરી માટે રોજ આ ઠરાવેલ જમીન નજીકથી અજવર કરતા હોય છે.
આ રહેણાંક વિસ્તારની નજીક ઝીરો વેસ્ટ ઝીરો કોસ્ટ અંતર્ગત જે જગ્યા ફાળવવામાં આવી છે તેને અન્ય સ્થળે ફાળવવામાં આવે તેવી માંગણી કરી છે.વધુમાં તેમને જણાવ્યું હતું કે પ્રોજેક્ટની ગામને ખાસ જરૂરિયાત છે અને આ પ્રોજેક્ટની અગત્યતાથી સૌ વાકેફ પણ છીએ પરંતુ ભૂતકાળમાં ઝઘડિયા ગામમાં પથરાયેલ ડ્રેનેજ લાઈનના અનુભવને ધ્યાને લેતા કે જેને હાલમાં પણ તે રહીશો દૂષિત પાણીના પ્રદૂષણને ભોગવી રહ્યા છે
અને જે તે વિભાગ વતી ડ્રેનેજ લાઈનની કોઈપણ તકેદારી કે જાળવણી કરવામાં આવતી નથી.જેથી આવા અનુભવના કારણે આ નવા આવનાર પ્રોજેક્ટ પણ આ રહેણાંક વિસ્તારથી દૂર ગામના સીમાડાની જમીનમાં ફાળવામાં આવે તેવી માંગણી કરી છે.