Western Times News

Gujarati News

મિઝોરમ અને મ્યાનમાર સરહદે લોકોની અવરજવર પર નિયંત્રણો

આઈઝોલ, કેન્દ્ર સરકારના આદેશને પગલે મ્યાનમાર સાથેની આશરે ૫૧૦ કિમી લાંબી સરહદ પર સુરક્ષામાં વધારો કરાયો છે. વાડ વિનાની આ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુ ૧૦ કિલોમીટરના દાયરામાં રહેતા લોકોની અવરજવર પર અંકુશો મૂકવામાં આવ્યાં છે.

આ વિસ્તારોના લોકોએ હવે એકબીજાના દેશોમાં મુસાફરી કરવા માટે બોર્ડર પાસ લેવા પડશે. મણિપુરમાં હિંસા અને ગેરકાયદે ઘૂસણખોરીને ડામવા આ પગલું લેવામાં આવ્યું છે.

અધિકારીએ જણાવ્યું હતું કે મ્યાનમાર અને ભારતના નાગરિકોને એકબીજા દેશોની મુલાકાત લેવા માટે માત્ર સાત દિવસની મુદતના બોર્ડર પાસ જારી કરવામાં આવે છે. બોર્ડર પાસ જારી કરતાં પહેલા એ ચકાસણી કરવામાં આવે છે કે આ આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ ૧૦ કિમીની પ્રાદેશિક મર્યાદામાં તેઓ રહે છે કે નહીં.

આ માટે દસ્તાવેજો ચકાવવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જારી કરેલા આદેશ અને નવી માર્ગરેખાને પગલે ૩૧ ડિસેમ્બરથી રાજ્ય પોલીસ, આસામ રાઇફલ્સ અને આરોગ્ય અધિકારીઓ કેટલાંક એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્‌સ પર સુરક્ષાના આવા પગલાં લઈ રહ્યાં છે.

મિઝોરમના છ જિલ્લાઓ ૫૧૦ કિમીની આ આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલા છે. આ રાજ્યોમાં ચંફાઈ, સિયાહા, લોંગટલાઈ, હનથિયાલ, સૈતુલ અને સેરછિપનો સમાવેશ થાય છે.

આ જિલ્લાઓ મ્યાનમારના ચીન રાજ્ય સાથે જોડાયેલા છે. શુક્રવારે ચંફાઈ જિલ્લા પોલીસે જાહેર નોટિસમાં જણાવ્યું હતું કે ભારત અને મ્યાનમાર બંનેના નાગરિકો એકબીજાની મુલાકાત લેવા ઇચ્છતા હોય તેમને હવે બોર્ડર પાસ લેવા પડશે, જે સાત દિવસ માટે માન્ય રહેશે.

જોખાવથાર અને હનાહલાન ક્રોસિંગ પોઈન્ટ દ્વારા મ્યાનમાર અથવા ભારતમાં પ્રવેશવાનો ઈરાદો ધરાવતા કોઈપણ રહેવાસીએ અને બોર્ડર પાસ મેળવવા માટે એવા દસ્તાવેજ અથવા પ્રમાણપત્ર રજૂ કરવા પડશે કે તે સરહદોની ૧૦-કિમીના દાયરામાં રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.