જળમાર્ગ પરિવહનમાં ક્રાંતિ: માત્ર 5 વર્ષમાં મુસાફરોમાં 5 ગણો વધારો!

File Photo
દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીની સંખ્યા 5 વર્ષમાં 33.16 લાખથી ઉછળીને 1.61 કરોડ થઈ-જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 5 વર્ષમાં 73.64 MT થી વધીને 133.03 MT થયો
ગુજરાતના જળમાર્ગો સાથે દેશભરમાં જળ પરિવહનનું વલણ તેજ ગતિએ વધ્યું!
એપ્રિલ 1, 2025: દેશમાં પરિવહન માટે રાષ્ટ્રીય જળમાર્ગોનો ઉપયોગ કરનારા પ્રવાસીઓની સંખ્યા વર્ષ 2019-20માં 33.16 લાખ હતી, જે માત્ર 5 વર્ષમાં જબરદસ્ત ઉછાળા સાથે 2023-24ના અંતે 1.61 કરોડના આંકે પહોંચી ગઈ છે.
એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન જળમાર્ગો દ્વારા માલની હેરફેરનો આંક પણ 73.64 મિલિયન ટનના (MT) આંકથી વધીને 133.03 MT થઈ ગયો છે. રાજ્યસભાના સાંસદ શ્રી પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે રાજ્યસભામાં આ માહિતી પૂરી પાડી હતી.
મંત્રીશ્રીએ આપેલા જવાબ અનુસાર, અત્યારે દેશમાં 29 જેટલા રાષ્ટ્રીય જળમાર્ગ (NW) કાર્યરત છે, જેમાંથી ચાર જળમાર્ગ- નર્મદા નદી (NW- 73), તાપી નદી (NW- 100), જવાઈ-લુણી-કચ્છનું રણ નદી (NW- 48) અને સાબરમતી નદી (NW- 87) ગુજરાતમાં આવેલા છે.
દેશની અંદરના વિસ્તારોમાં જળ પરિવહનને (IWT) પ્રોત્સાહન આપવા સરકારે કેટલાંક પગલાં લીધાં છે જે આ મુજબ છેઃ
- કાર્ગો માલિકો દ્વારા આંતરિક જળમાર્ગ પરિવહન ક્ષેત્રના ઉપયોગને પ્રોત્સાહિત કરવા તેમજ એનડબ્લ્યુ-1 અને NW-2 તથા વાયા ઈન્ડો બાંગ્લાદેશ પ્રોટોકોલ NW- 16 પર માલસામાનની હેરફેર માટે શિડ્યુલ્ડ સર્વિસ સ્થાપિત કરવા 35% ઈન્સેન્ટિવ પૂરું પાડવાની યોજનાને મંજૂરી આપી દેવાઈ છે.
- નેશનલ વોટરવેઝ (જેટી/ ટર્મિનલના બાંધકામ) રેગ્યુલેશન્સ 2025નું જાહેરનામું બહાર પાડી દેવાયું છે, જેના થકી ખાનગી ક્ષેત્રના રોકાણને આકર્ષવા સ્પષ્ટ નિયમનકારી માળખું પૂરું પાડીને આંતરિક જળમાર્ગના માળખા પર રોકાણ કરીને તેમાં કાર્યરત રહેવા ખાનગી કંપનીઓને અનુમતિ આપવામાં આવી છે જેથી આંતરિક જળમાર્ગ ક્ષેત્રની વૃદ્ધિને ઉત્તેજન મળી શકે.
- માલસામાનની હેરફેરને જળમાર્ગો પર ખસેડવા, 140થી વધુ જાહેર ક્ષેત્રના નિગમોને આગ્રહ કરાયો છે કે તેઓ પોતાના પરિવહન માટે આંતરિક જળમાર્ગ માધ્યમનો ઉપયોગ કરે. તેઓને જળમાર્ગો દ્વારા માલસામાનની હેરફેરના તેમના વર્તમાન દરજ્જા પર ભાર મૂકવા અને માલસામાનની હેરફેર માટેની યોજનાને ભારપૂર્વક દર્શાવવા વિનંતી કરાઈ છે.
- વિવિધ રાષ્ટ્રીય જળમાર્ગોમાં (NW) ફેરવે મેન્ટેનન્સની કામગીરી (રિવર ટ્રેઈનિંગ, મેન્ટેનન્સ ડ્રેજિંગ, ચેનલ માર્કિંગ અને નિયમિત હાઈડ્રોગ્રાફિક સર્વે) હાથ ધરાઈ રહી છે.
- NW- 1 (ગંગા નદી) પર પૂર્વ-અસ્તિત્ત્વ ધરાવતા 5 કાયમી ટર્મિનલ ઉપરાંત49 સામુદાયિક જેટી, 20 ફ્લોટિંગ ટર્મિનલ, 3 મલ્ટિ-મોડેલ ટર્મિનલ (MMT) અને 1 ઈન્ટર-મોડેલ ટર્મિનલનું વધારાનું બાંધકામ કરાયું છે.
- જ્યારે NW-3 (ગંગા નદી) પર (કેરળમાં પશ્ચિમી તટીય કેનાલ) ગોદામ સહિત 9 કાયમી આંતરિક જળપરિવહન ટર્મિનલ અને 2 રો-રો/રો- પેક્સ ટર્મિનલનું બાંધકામ કરાયું છે.
કેન્દ્રીય મંત્રી પાસે શ્રી નથવાણી એ વિગતો જાણવા માગતા હતા કે, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન જળમાર્ગો દ્વારા વાર્ષિક કેટલા માલસામાનની હેરફેર કરવામાં આવી છે; અને માલસામાન તથા પ્રવાસીઓના પરિવહન માટે જળમાર્ગોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા સરકારે કયાં પગલાં ભર્યાં છે.