Western Times News

Gujarati News

પ્રાકૃતિક ખેતી દ્વારા ક્રાંતિ : હરિયાણામાં ખજૂર, અંજીર, સફરજન અને ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે હરિયાણામાં તેમના પ્રાકૃતિક ગુરુકુલ ફાર્મનું અવલોકન કર્યું

રાજ્યપાલશ્રીએ ગુરુકુલ ફાર્મમાં વિકસાવેલું પ્રાકૃતિક ખેતીનું મિશ્ર પાક મૉડલ ભારતીય કૃષિ માટે પ્રેરણાદાયક છે : વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી

હરિયાણાની ધરતી પર હવે ખજૂર, અંજીર, સફરજન અને ડ્રેગન ફ્રૂટ જેવી ખેતી હકીકત બની રહી છે. આ અશક્ય લાગતું કાર્ય ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રયોગો અને પ્રયાસોથી શક્ય બન્યું છે, જે સંપૂર્ણપણે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું પરિણામ છે. આ અનન્ય મૉડલના અવલોકન માટે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી રવિવારે ગુરુકુલ ફાર્મની મુલાકાતે પધાર્યા હતા. તેમણે આ પદ્ધતિને ખેતીમાં નવી ક્રાંતિ ગણાવી હતી.

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ હરિયાણાના કુરુક્ષેત્રમાં ગુરુકુલ ફાર્મના વિસ્તૃત નિરીક્ષણ પછી જણાવ્યું કે, અહીં વિકસાવાયેલ પ્રાકૃતિક ખેતીનું મિશ્ર પાક મૉડલ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ બનાવશે અને પાક વાવેતરના ચક્રમાં વૈવિધ્ય લાવી જમીનની ફળદ્રુપતા પણ વધારશે. તેમણે આ પહેલને ભારતીય કૃષિ માટે પ્રેરણાદાયક ગણાવી અને જણાવ્યું કે, શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતી મિશન દ્વારા વિશ્વમાં એક નવી ક્રાંતિ આણવા જઈ રહ્યા છે.

પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીથી ઉગાયેલું 4.5 કિલો વજનનું વિશાળ શલગમ (ગાજર પ્રકારનું એક કંદ)  બતાવ્યું, જેને જોઈને તમામ મહેમાનો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાજ્યપાલશ્રીએ ફાર્મ પર પ્રાકૃતિક ઉપચારના પ્રભાવશાળી પરિણામો અંગે જણાવ્યું કે, થોડા દિવસો પહેલાં ડ્રેગન ફ્રૂટમાં ફંગસની સમસ્યા આવી હતી, જેને ગૌમૂત્ર છાંટવાથી તાત્કાલિક નિયંત્રણમાં લઈ શકાયું. તેમણે આ ઉદાહરણ દ્વારા કૃષિમાં ગૌમૂત્રની મહત્ત્વતા દર્શાવી હતી.

વિલુપ્ત થતી ઘઉંની અનેક જાતિઓ ગુરુકુલ પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ઉગાડવામાં આવી રહી છે, જેમાં ઘઉં સાથે ચણાને મિશ્રિત રીતે ઉગાડવામાં આવ્યા છે. એ ઉપરાંત, શેરડી સાથે સરસવ અને દાળની મિશ્રિત ખેતીનું મૉડલ પણ વિકસાવવામાં આવ્યું છે. કૃષિ વૈજ્ઞાનિક ડૉ. હરિઑમ એ ચણાના છોડને ઉખેડી નાઇટ્રોજન અને અન્ય પોષક તત્વોના અસરકારક અભ્યાસ વિશે વિસ્તૃત સમજ આપી હતી.

વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ  પ્રાકૃતિક બોરનો સ્વાદ માણ્યો અને ક્રશર પર ગોળ, સાકર અને ખાંડ બનાવવા માટેની પ્રક્રિયાને નિહાળી હતી. તેમણે તાજા અને ગરમ પ્રાકૃતિક ગોળનો પણ સ્વાદ માણ્યો હતો.

શનિવાર સાંજે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુરુકુલ કેમ્પસમાં ગૌશાળા, અશ્વશાળા, નિશાનેબાજી તાલીમ કેન્દ્ર, આર્ષ મહાવિદ્યાલય, એનડીએ બ્લોક, દેવયાન વિદ્યાલય ભવન, પ્રાકૃતિક ચિકિત્સાલય વગેરે સ્થળોનું અવલોકન કર્યું હતું. તેમણે ગુરુકુલ ગૌશાળાને ભારતની સર્વશ્રેષ્ઠ ગૌશાળાઓમાંની એક ગણાવી અને દેશી ગાયો તથા નંદી પર વિશેષ ચર્ચા કરી હતી.

આ અવસરે ઓએસડી ટુ ગવર્નર ડૉ. રાજેન્દ્ર વિદ્યાલંકાર, ગુરુકુલ પ્રમુખ રાજકુમાર ગર્ગ, પદ્મશ્રી ડૉ. હરિઑમ, ડૉ. બલજીત સહારન, રામનિવાસ આર્ય સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.