Western Times News

Gujarati News

અમદાવાદના ર લાખ રખડતા- પાલતુ કૂતરાઓને RFID ચીપ- ટેગ લગાવવામાં આવશે

પ્રતિકાત્મક

છેલ્લા ત્રણ વર્ષમાં ૧ લાખ ૧૦ હજાર કૂતરાઓના ખસીકરણ કરવામાં આવ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં નોંધણી થયેલા પશુઓ તેમજ પાલતુ અને રખડતા કુતરાઓને ખસીકરણ કર્યા બાદ RFID ચીફ અને ટેગ લગાવવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ પશુ નિયંત્રણ પોલીસી અને એબીસી નિયમ- ર૦ર૩ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવશે જેના માટે અંદાજે રૂ.૧.૮૦ કરોડનો ખર્ચ થશે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ અટકાવવા માટે તેને પકડી ઢોરના ડબ્બામાં પુરવામાં આવે છે. પશુના માલિકો દ્વારા તેને ૧૦ દિવસમાં છોડાવવામાં ન આવે તો શહેરની બહાર પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. આ અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શહેરમાં પશુઓ તથા પશુઓના માલિકની નોંધણી અને તેમના નામ-સરનામાની વિગતોનો રિપોર્ટ તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો હતો.

જે અંતર્ગત મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦૧૯થી ગાયોના રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા હતાં જેમાં કુલ ૮પ હજાર ગાયોની નોંધણી તેમના માલિકના નામ સરનામા સાથે કરવામાં આવી હતી.

તે પૈકી લગભગ ૮૦ હજાર ગાય કે રખડતા ઢોરમાં RFID ચીપ લગાવવામાં આવ્યા છે મ્યુનિ.કોર્પો.લીમીટમાં ઉમેરાયેલા નવા વિસ્તારો જેવા કે અસલાલી, બોપલ, ઘુમા, ખોડિયાર, કઠવાડા, નાના ચિલોડા, વિસલપુર વિગેરેમાં અંદાજે રપ,૦૦૦થી વધારે પશુ હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા વાર્ષિક ૧૩ હજાર પશુ પકડવામાં આવે છે જેની સામે હાલ ૧ર૦૦ ચીપ અને ટેગનો જથ્થો ઉપલબ્ધ છે.  હવે તેજ પધ્ધતિથી રખડતા કુતરાઓમાં પણ ટેગ અને ચીપ લગાવવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ર૦૦પના વર્ષથી એનીમલ બર્થ કંટ્રોલ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં અવારનવાર સુધારા વધારા કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં રખડતા કુતરાઓના ખસીકરણ માટે ચાર એજન્સી કામ કરી રહી છે. આ એજન્સીઓ દ્વારા ર૦ર૧-રરમાં ૩૦૩૬૦, ર૦રર-ર૩માં ૪૬૪૭૧, ર૦ર૩-ર૪માં ૩૪૧૦૩ મળી કુલ ૧૧૦૯૩૪ કુતરાઓના ખસીકરણ કરવામાં આવ્યા છે.

એક અંદાજ મુજબ હાલ શહેરમાં કુતરાઓની સંખ્યા ર લાખ જેટલી છે આ તમામ કુતરાઓને RFID ચીપ અને ટેગ લગાવવાનું કામ શરૂ કરવામાં આવશે જે લગાવ્યા બાદ પાલતુ કુતરાના માલિકના નામ- સરનામા સાથેની વિગત મેળવવી સહેલી રહેશે.

જેમાં કુતરા માટે રૂ.ર૮પનો ખર્ચ થશે. જયારે રખડતા પશુઓ માટે હાલ રૂ.૧૩૮નો ખર્ચ થઈ રહયો છે. તમામ પશુઓમાં RFID ચીપ ટેગ લગાવવામાં આવે છે. RFID ચીપ ઈન્જેકટીબલ- એપ્લીકેટર ધ્વારા પશુઓમાં ખુંધ/કાન/ ગરદનનો જોડાણ ભાગ પર ઈન્જેકટ કરી કાન પર વિઝયુલ ઈયર ટેગ લગાવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.