માતરમાં રાઈસ મીલના એકાઉન્ટન્ટે 80 લાખની ઉચાપત કરી
(પ્રતિનિધિ) નડિયાદ, માતરના માલાવાડા ચોકડી નજીક આવેલ એક રાઈસ મીલમાં છેલ્લા ૧૪ વર્ષથી મહેતાજીની નોકરી કરતા ઈસમે નાણાકીય વ્યવહારોમાં ગોલમાલ કરી મીલના માલિકને આર્થિક નુકશાન પહોંચાડ્યું છે.
મહેતાજીએ પોતાના પિતરાઈ ભાઈ સાથે મળી ૮૦.૦૧ લાખની આ રાઈસ મીલમાંથી ઉચાપત કરી છે. ૨૬૦૦ ક્વિન્ટલ ડાંગર અને હિસાબી ચોપડાઓમા ગોલમાલ કરી નાણાંની ઉચાપત કરતા સમગ્ર મામલે લીંબાસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માતર તાલુકાના લીંબાસી ગામે ૩૫ વર્ષિય જીગ્નેશકુમાર રાજેન્દ્રકુમાર ઠક્કર રહે છે. તેઓ માલાવાડા ચોકડી ખાતે યોગીકૃપા રાઈસ મીલ તથા લીંબાસી-વસ્તાણા રોડ ઉપર દિવ્ય રાઇસ મીલ ચલાવી વેપાર કરે છે. આ બંન્ને રાઇસ મીલમા ખેડુતો પાસેથી સીજન પ્રમાણે ડાંગર/ઘંઉ વાઉચરમા વેચાણ લઇ મીલીગની પ્રોસેસ કરી જથ્થા બંધ તથા છૂટક વેપારીઓને વેચાણ આપવામાં આવે છે.
આ મીલમાથી ડાંગર/ઘંઉ વેચાણ તથા ખરીદીના હીસાબો કોમ્પ્યુટર તથા ચોપડાઓમા હિસાબી વ્યવહારો તથા વેપારીઓ સાથે તમામ પ્રકારની નાણાકીય લેવડ દેવડ ૧૪ વર્ષથી નોકરી કરતા અને મહેતાજીનુ કામ કરત આશીષભાઈ અશોકભાઈ પટેલ (રહે.લીંબાસી)નાઓ કરે છે.
આ મીલમા ચાનોરના ઈનાયતમીયાં નસીબમીયાં કુરેશી નાઓ છેલ્લા ૧૭ વર્ષથી જે ખેડુતો મીલમા ડાંગર વેચવા માટે આવે ત્યારે તેમના ડાંગરની પરખ કરે છે અને આશિષભાઈ ભાવ નક્કી કરી આપે છે તેમજ છેલ્લા નવ વર્ષથી સંજયસિંહ યશવંતસિંહ સિસોદીયાનાઓ આ રાઇસ મીલોમા તમામ પ્રકારની મશીનરી તથા મજુરોની દેખરેખ રાખે છે
તેમજ રાજુભાઈ અશોકભાઈ શાહ (રહે. લીંબાસી)નાઓ ઘણા વર્ષોથી ઉપરોક્ત મીલોના તમામ હીસાબોના ઓડીટ કરે છે. ગત ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ રાત્રીના આશરે આઠેક વાગ્યાના સુમારે આ રાજુભાઈ તેમજ ઇનાયતભાઈએ જીગ્નેશકુમારને જણાવેલ કે, ૧? માર્ચ ૨૦૨૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીનુ ઓડીટ કરતા ૨૬૦૦ કિવન્ટલ (૧૩,૦૦૦ મણ) ડાંગરની ઘટ પડે છે.
અને ૫ મે ૨૦૨૩થી ૨૩ મે ૨૦૨૩ સુધી સ્ટોક પત્રક તથા બીલ ચેક કરતા બીલ બુકમા યોગી કૃપા નામની બીલ બુક તથા નાવ્યા ટ્રેડર્સબુક જે આશિષભાઈ તેમની પાસે રાખતા હતા. જેમા તેમણે બીલ નં ૧થી ૨૨ના બીલ મીલમા આવકમાં લીધા છે.જેમાં બીલની રકમ રૂપિયા ૫૬ લાખ ૮૬ હજાર થાય છે તે આશીષભાઈએ નાવ્યા ટ્રેડર્સમાં ઓનલાઇન તથા ચેક દ્વારા પેમેન્ટ ખોટી રીતે ચુકવેલ છે તેમ જણાવ્યું હતું.
જેથી રાઈસમીલના મલિકે બીલ પત્રક ચેક કરતા નાવ્યા ટ્રેડર્સના ૨૫ બિલો કાંટા પાવતી વગરના મળી આવેલ જેથી આ બાબતે આ રાઈસમીલના માલિકે નાવ્યા ટ્રેડર્સના માલીક હાર્દિકભાઈ કીરીટભાઇ પટેલને જણાવતાં તેમણે કહેલ કે આ વર્ષ ૨૦૨૩મા મે તથા જુન માસમા અમારા ત્યાથી તમારી યોગી કૃપા રાઇસ મીલમા કોઇ જાતનો વેપાર કરેલ નથી.
પરંતુ આ આશિષભાઇએ અમને જણાવેલ કે તમારા ખાતામા ઉપલગ બીલ બનાવ્યા છે જેની રકમ કુલ રકમ ૫૬ લાખ ૮૬ હજાર થાય છે. જે તમારા ખાતામાં આવે તો ઉપાડીને અમોને આપા જો તેમ જણાવેલ અને અમારા ખાતામા ઉપરોક્ત રકમ જમા થતા અમે આ રકમ આશિષભાઇને ચેક તથા રોકડ મારફતે આપેલી હોવાનું જણાવ્યું હતું.
આ ઉપરાંત વર્ષ ૨૦૨૩નો હિસાબી ચોપડો ચેક કરતા ૨૩ લાખ ૧૫ હજાર જેટલી રકમ ઓછી જણાઇ આવી હતી. આમ આ રાઈસમીલના મહેતાજી આશીષે કુલ રૂપિયા ૮૦ લાખ ૧ હજારની નાણાકીય ઉચાપત આચરી હોવાનું બહાર આવ્યું હતું. આ સાથે સાથે આ આશિષે તેના પિતરાઈ ભાઈ હિરેનભાઇ મહેન્દ્રભાઇ પટેલ (રહે.લીંબાસી માલાવાડા ચોકડી) જે ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હોવાથી તેની સાથે મળીને નાવ્યા ટ્રેડર્સ
સાથે ટ્રાન્સપોર્ટનું કામકાજ બતાવી અમુક બિલમા તેમની ટ્રાન્સપોર્ટની ગાડી બતાવી ખોટી રીતે બિલોમા મીલના વજન કાંટા પાવતીઓ જોઇન્ટ કરી તેનો સાચા તરીકે હિસાબી ચોપડામા ઉપયોગ કરેલ હોવાની વિગતો ધ્યાને આવી હતી. આથી આ બનાવ સંદર્ભે રાઈસ મીલના માલિક જીગ્નેશકુમાર રાજેન્દ્રકુમાર ઠક્કરે ઉપરોક્ત નાણા ઉચાપત આચરનાર આશીષ અશોકભાઈ પટેલ (રહે.લીંબાસી) અને હિરેન મહેન્દ્રભાઈ પટેલ બંને સામે લીંબાસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઉચાપતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.