રિક્ષાના ચાલકનું મહિલા તબીબ સાથે અભદ્ર વર્તન
વડોદરા, ઓનલાઈન બુક થતી કેબ અને રિક્ષામાં મુસાફરી કરવાનું પસંદ કરતી વ્યક્તિઓ માટે ચેતવણી સમાન કિસ્સો વડોદરામાં બન્યો હતો. આ સવારી પણ સલામત નથી એવી એક ઘટના વડોદરામાં બની હતી.
વડોદરાના ભાયલી ખાતે સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનાની શાહી સૂકાઈ નથી ત્યાં તો બીજી તરફ નવરાત્રી દરમિયાન વધુ એક મહિલા સાથે ઓટોરિક્ષા ચાલક દ્વારા અમાનવીય કૃત્ય આચરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના ઉંડેરા મુકામે રહેતી એક તબીબ યુવતી ડૉ.ત્રિસીતા સેન જેઓ મૂળ ગુજરાતના નથી પરંતુ ઉંડેરા ખાતે રહે છે અને ઈસ્કોન રોડ દિવાળીપુરા ખાતે ક્લિનિક ચલાવે છે. તેઓ છેલ્લા છ-આઠ મહિનાથી ઉંડેરાથી ક્લિનક સુધી આવવા જવા માટે ઓલા અથવા તો ઉબેર કે રેપિડો થકી વાહનનો ટ્રાસ્પોર્ટેશન માટે ઉપયોગ કરે છે.
તેઓએ આજે ઉંડેરાથી ક્લિનિક જવા રેપિડોથી ઓટોરિક્ષા કરી હતી. જેમાં ઓટોરિક્ષા ચાલકે રૂટ બદલતા ડૉ.ત્રિસીતાને કંઈક અજૂગતું લાગ્યું અને તેઓને ક્લિનિક આવવા જવાના તમામ રસ્તાઓની માહિતી હોય તેમણે ઓટોરિક્ષા ચાલકને અવળા રસ્તે કેમ લઈ જાઓ છો તેમ પૂછતા રિક્ષાચાલકે રોડના ખોદકામને કારણે બીજા રસ્તેથી લઈ જાઉં છું.
તબીબ યુવતીએ ચાલુ રિક્ષાએ મદદની બૂમો પાડતા ઓટોરિક્ષા ચાલકે ગોત્રી જીએમઈઆરએસ પહેલાં જીઈબી નજીક પોલીસ ચોકી પાસેના ટ‹નગ પર રિક્ષા ધીમી પાડતા યુવતી ઉતરવા ગઈ ત્યારે ‘રૂક તેરે કો તો મે બતાતા હૂં’ તેમ બોલી તબીબ યુવતીને ધક્કો મારી ભાગી ગયો હતો.
યુવતીની મદદ માટેની ગુહાર પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. એમાંથી એકે ઓટોરિક્ષા ચાલકનો પીછો કરી રિક્ષાનો નંબર મેળવી લીધો હતો અને સમગ્ર મામલે ગોત્રી પોલીસને જાણ કરી હતી તથા ઈજાગ્રસ્ત તબીબને સારવાર કરાવી હતી. તબીબ યુવતીના આક્ષેપો મુજબ તેમનો કિંમતી મેડિકલ સામાન લઈને તે ફરાર થઈ ગયો હતો.