સાથે ન રહેતી પત્નીને પણ ભરણપોષણનો હકઃ સુપ્રીમ
નવી દિલ્હી, એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે પત્નીએ પતિ સાથે સહવાસમાં જીવન જીવવાના કોર્ટના હુકમનામાનું પાલન ન કર્યું હોય તો પણ તેને તેના પતિ પાસેથી ભરણપોષણનો અધિકાર આપી શકાય છે. જોકે આવા કિસ્સામાં પતિ સાથે ન રહેવાના કાયદેસરના અને પૂરતા કારણો હોવા જોઇએ.
ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ સંજય કુમારની ખંડપીઠ સમક્ષ એવો પેચીદો કાનૂની સવાલ હતો કે એક પતિ વૈવાહિક અધિકારોની પુનઃપ્રાપ્તિ માટે હુકમનામું મેળવે છે અને પત્ની આ હુકમનામાનું પાલન કરતી નથી. તો શું આ કિસ્સામાં પતિને ભરણપોષણની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય કે નહીં.
ખંડપીઠે જણાવ્યું હતું કે આ સંબંધમાં કોઈ કડક નિયમ હોઈ શકે નહીં અને તે હંમેશા કેસના સંજોગો પર આધાર રાખે છે.સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓનું વિશ્લેષણ કર્યા પછી ખંડપીઠે જણાવ્યું હતું કે કલમ ૧૨૫ ઝ્રિઁઝ્ર હેઠળ પત્નીના ભરણપોષણના અધિકારને જાળવી રાખવાની તરફેણમાં અગાઉના ચુકાદા જોવા મળ્યા છે.
જોકે તે વ્યક્તિગત કેસના તથ્યો પર નિર્ભર રહેશે અને તેમાં ઉપલબ્ધ સામગ્રી અને પુરાવાઓને આધારે નિર્ણય કરવો જોઇએ. હુકમનામું હોવા છતાં પત્ની પાસે તેના પતિ સાથે રહેવાનો ઇનકાર કરવા માટે કોઇ માન્ય અને પર્યાપ્ત કારણ છે કે નહીં તે મહત્ત્વનું છે.
ખંડપીઠે ઝારખંડના અલગ રહેતા દંપતીના કિસ્સામાં આ ચુકાદો આપ્યો હતો. આ દંપતીએ ૧ મે, ૨૦૧૪ ના રોજ લગ્ન કર્યા હતાં, પરંતુ ઓગસ્ટ, ૨૦૧૫માં અલગ થઈ ગયાં હતાં.પતિએ વૈવાહિક અધિકારોની પુનઃપ્રાપ્તિ માટે રાંચીની ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.
તેની પત્નીએ ફેમિલી કોર્ટમાં લેખિત રજૂઆતમાં કરી હતી કે પતિ તેને ત્રાસ આપે છે અને ફોર વ્હીલર ખરીદવા માટે રૂ. ૫ લાખ દહેજની માંગણી કરી હતી. પતિને લગ્નેતર સંબંધો પણ છે.SS1MS