Western Times News

Gujarati News

અમેરિકાની કેકેઆર રિલાયન્સ રિટેલમાં ૫૫૦૦ કરોડનું રોકાણ કરશે

રિલાયન્સ રિટેલ માર્કેટમાં બીજી ડીલ, રિલાયન્સ રિટેલનું મુલ્યાંકન ૪.૨૧ લાખ કરોડના આધારે કરવામાં આવ્યું
નવી દિલ્હી,  અમેરિકાની બાયઆઉટ ફર્મ કેકેઆર એન્ડ કંપની રિલાયન્સ રિટેલમાં મોટું રોકાણ કરશે. કેકેઆર રિલાયન્સ રિટેલમાં ૫૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરી ૧.૨૮ ટકા હિસ્સેદારી ખરીદશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિટેલ માર્કેટમાં ખૂબ ટૂંકા સમયમાં આ બીજી ડીલ છે. આ ડીલ માટે રિલાયન્સ રિટેલની વેલ્યૂ ૪.૨૧ લાખ કરોડના આધારે કરવામાં આવી છે. રિલાયન્સે ૨૩ સપ્ટેમ્બરે આ માહિતી એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવી છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ ડીલ વિશે જણાવ્યું કે, કેકેઆરને રિલાયન્સ રિટેલ વેન્ચરમાં રોકાણને હું આવકારું છું અને મને તેનો ખૂબ જ આનંદ છે. રિલાયન્સ રિટેલે ભારતીય નાગરિકોને ભારતીય રિટેલ ઇકોસિસ્ટમના તમામ લાભ પૂરા પાડવા માટે અગ્રેસર અને પ્રયાસરત છે જેમાં આ રોકાણે બળ પૂરું પાડ્યું છે.

કેકેઆરના કો-ફાઉન્ડર અને કો-સીઇઓ હેર્ની ક્વારિસએ જણાવ્યું કે, રિલાયન્સ રિટેલ એ ગ્રાહકો અને નાના વેપારી બંનેના માટે પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે. રિલાયન્સ રિટેલ સાથે વધુ ભારતીય ગ્રાહકો જોડાતાં જઈ રહ્યા છે અને ઓનલાઇન શોપિંગ તથા કંપનીના કરિયાણા ટૂલ તેની વેલ્યૂ ચેનને વધુ મજબૂત બનાવશે. રિલાયન્સ રિટેલને દેશના સૌથી અગ્રેસર રિટેલર બનવાના અભિયાનમાં તેમની સાથે જોડાઈને તેમને સપોર્ટ કરવા બાબતે હું ખૂબ ઉત્સાહિત છું. આ અભિયાનના માધ્યમથી ભારતનું રિટેલ માર્કેટ વધુ મજબૂત બનશે અને ગ્રાહકોને ફાયદો થશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ૯ સપ્ટેમ્બરે સિલ્વર લેક પાર્ટનર્સે જણાવ્યું હતું કે, તેઓ રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડનું રોકાણ કરીને ૧.૭૫ ટકા હિસ્સેદારી ખરીદશે. આ ભારતના રિટેલ માર્કેટમાં વિદેશી રોકાણની સૌથી મોટી ડીલ માનવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.