ટીમ ઈન્ડિયામાં રિંકુ સિંહની ઉપેક્ષાથી ચાહકોમાં નારાજગી
નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક સાથે અજીત અગરકરે ૨૪ કલાકની અંદર પોતાની જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર યોજાનારી ૫ મેચની ટી૨૦ સિરીઝ માટે ગઈકાલે રાત્રે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી.
પ્રશંસકોને આશા હતી કે રિંકુ સિંહને પણ આમાં સ્થાન મળશે, પરંતુ તેને ટીમમાં સ્થાન ન મળતાં બધાને આશ્ચર્ય થયું હતું. ટેસ્ટ અને વનડે ટીમની જાહેરાત બાદ સતત ચર્ચા ચાલી રહી હતી કે ટી૨૦ ટીમમાં કેટલાંક નવા ખેલાડીઓને તક આપવામાં આવશે.
આમાં રિંકુ સિંહનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. આઈપીએલની ૧૬મી સિઝનમાં રિંકુનું પ્રદર્શન જાેયા બાદ ઘણા પૂર્વ ખેલાડીઓએ પણ તેને ટીમ ઈન્ડિયા સાથે રમવાનો હકદાર ગણાવ્યો હતો. આ સ્થિતિમાં પસંદગીકારો દ્વારા તેમની અવગણના કરવાના ર્નિણયને કારણે સોશ્યલ મીડિયા પર ફેન્સનો ગુસ્સો સ્પષ્ટ જાેવા મળી રહ્યો છે.
આઈપીએલની ૧૬મી સિઝન દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમના ખેલાડી રિંકુ સિંહે ૧૪ મેચમાં ૫૯.૨૫ની એવરેજથી ૪૭૪ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ ૧૪૯.૫૨ હતી. આખી સિઝન દરમિયાન તે ટીમ માટે મિડલ ઓર્ડરમાં ફિનિશર બેટ્સમેનની ભૂમિકા ભજવતો જાેવા મળ્યો હતો.
પસંદગીકારોએ તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલને તક આપી હતી પરંતુ હજુ સુધી રિંકુ સિંહને તક આપી નથી.રિંકુ સિંહ માત્ર આઈપીએલમાં જ નહીં પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ છેલ્લી કેટલીક સિઝનથી શાનદાર પ્રદર્શન કરતો જાેવા મળી રહ્યો છે.
અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે ૪૧ મેચમાં ૫૮.૩૮ની એવરેજથી ૨૯૧૯ રન બનાવ્યા છે. જેમાં ૭ સદી અને ૧૯ ફિફ્ટીનો પણ સમાવેશ છે.