Western Times News

Gujarati News

પાકે. ભારત સામે રમવાનું બંધ કરી દેવું જોઇએ

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ બોર્ડે આગામી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન ટીમ મોકલવાનો ઇનકાર કરી દીધા બાદ પાકિસ્તાન ક્રિકેટમાં અસંતોષનું વાતાવરણ છે ત્યારે ભૂતપૂર્વ ક્રિકેટર રશીદ લતીફે બળાપો કાઢીને જણાવ્યું હતું કે મારી પાસે સત્તા હોત તો હું કોઈ પણ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમને ભારત સામે રમવા દેત નહીં.

પાકિસ્તાને ભારત સામે રમવાનું જ બંધ કરી દેવું જોઇએ. તેણે એથી પણ વિશેષ જણાવ્યું હતું કે જ્યાં સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો ઉકેલ આવે નહીં ત્યાં સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)એ આ બંને દેશને કોઈ પણ વૈશ્વિક ટુર્નામેન્ટની યજમાની પણ ફાળવવી જોઇએ નહીં.

ફેબ્રુઆરી ૨૦૨૫માં પાકિસ્તાનમાં આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થનારું છે ત્યારે તાજેતરમાં જ ભારતે તેની ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કરી દીધો હતો. આ કારણસર એવી પણ અટકળ થઈ રહી છે કે આઇસીસી કદાચ આ ઇવેન્ટને અન્ય કોઈ દેશમાં ખસેડી દેશે.

આ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ પણ ભારતના ઇનકાર અંગે બીસીસીઆઈ પાસેથી લેખિત ખુલાસો માગવા આઇસીસીને કહ્યું છે. રશીદ લતીફે જણાવ્યું હતું કે એવી પૂરેપૂરી શક્યતા છે કે પાકિસ્તાન ભવિષ્યમાં ભારત સાથે રમવાનું બંધ કરી દે.

જો મારી પાસે સત્તા હોત તો મેં ચોક્કસપણે આ નિર્ણય લીધો હોત. જો તમે અમારે ત્યાં આવીને (પાકિસ્તાનમાં) રમવા માગતા ન હોવ તો અમારી સામે ક્યાંય રમો નહીં તેમ પોતાના સ્પષ્ટ વક્તવ્ય માટે જાણીતા લતીફે ઉમેર્યું હતું.તેણે વધુમાં જણાવ્યું હતું કે હું એ હોદ્દા પર હોત તો મેં આ જ નિર્ણય લીધો હોત અને બીસીસીઆઈ સામે લડતઆપી હોત.

આઇસીસીએ પણ જ્યાં સુધી મામલો ઉકલે નહીં ત્યાં સુધી ભારત અને પાકિસ્તાન બંનેને કોઈ પણ વૈશ્વિક ઇવેન્ટની યજમાની સોંપવી જોઇએ નહીં. મારા મતે આઇસીસીએ બંને દેશ પાસેના આ પ્રકારના યજમાનીના અધિકારો પરત ખેંચી લેવા જોઇએ. જ્યાં સુધી બંને દેશના સંબંધો અંગે ઉકેલ આવે નહીં ત્યાં સુધી તેમને કોઈ ઇવેન્ટ ફાળવવી જ જોઇએ નહીં તેમ પાકિસ્તાન માટે ૩૭ ટેસ્ટ અને ૧૬૬ વન-ડે રમી ચૂકેલા લતીફે ઉમેર્યું હતું.

ક્રિકેટમાં રાજકારણના મુદ્દા અંગે રશીદ લતીફે શ્રીલંકા (૨૦૨૩) અને ઝિમ્બાબ્વે (૨૦૧૯)ના મુદ્દાને ટાંકીને જણાવ્યું હતું કે શા માટે આઇસીસી આ જ પ્રકારના રાજકીય મામલે ભારત અને પાકિસ્તાન માટે કૂણું વલણ અપનાવે છે. તેમની સામે પણ આવા જ પગલાં લેવા જોઇએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.