Western Times News

Gujarati News

સતત લાંબો સમય સુધી ઉભાં રહેતાં લોકોને સ્ટ્રોકનું જોખમ

નવી દિલ્હી, દુનિયાભરમાં પ્રતિ વર્ષે ૨૯ ઓક્ટોબરે ‘વર્લ્ડ સ્ટ્રોક ડે’ મનાવવામાં આવે છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે શ્રમિકો-કારીગરો, હેયરડ્રેસર કે ફેક્ટરીના કર્મચારીઓ જેવા લોકોને પોતાના વ્યવસાયોમાં લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે, આ પ્રકારના વ્યવસાયમાં કાર્યરત લોકોમાં સ્ટ્રોક(પક્ષઘાત)ની શક્યતા વધારે રહે છે.

વર્લ્ડ સ્ટ્રોક દિવસ પ્રતિ વર્ષે ૨૯ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે, જેથી આ સ્થિતિમાં સ્ટ્રોક અંગે જાગૃતિ લાવવામાં આવી શકે અને તેને ઝડપથી રોકી શકાય.દુનિયાભરમાં સ્ટ્રોકથી પીડિત લોકોની સંખ્યા ૨૦૨૧માં વધીને ૧૧.૯ મિલિયન થઈ ગઈ છે.

આ સંખ્યા ૧૯૯૦ની સરખામણીમાં ૭૦ ટકા વધારે છે. સ્ટ્રોકથી સંબંધિત મોતનો આંકડો પ્રતિ વર્ષે ૭.૩ મિલિયન થઈ ગયો છે, જેમાં ૧૯૯૦ની તુલનામાં ૪૪ ટકા વૃદ્ધિ થઈ છે.નિષ્ણાતોના કહેવા પ્રમાણે હવે વિશ્વભરમાં ઇસ્કેમિક હૃદયરોગ અને કોવિડ-૧૯ પછી સ્ટ્રોક મોતના કારણોમાં તૃતીય પ્રમુખ કારણ છે.

મુંબઈની જસલોક હોસ્પિટલના જાણીતા ન્યુરોસર્જન ડો.રાઘવેન્દ્ર રામદાસીએ જણાવ્યું કે, લાંબા સમય સુધી ઊભા રહેવાથી પગમાં લોહી જમા થઈ જવાનો ખતરો વધી જાય છે, જેના કારણે લોહીના પ્રવાહની પ્રક્રિયા ધીમી થઈ જાય છે, જેના કારણે લોહી ગંઠાઈ જાય છે, જેથી સ્ટ્રોક આવવાનો ખતરો વધી જાય છે.

ખાસ કરીને મગજમાં થાક હોય, તેવા સંજોગમાં સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ડો.રામદાસીએ વધુમાં કહ્યું કે, સમયની સાથે લોહીના ભ્રમણની ગતિ ધીમી પડે તો હાઇ બ્લડપ્રેશરની સમસ્યા સર્જા શકે છે, જે સ્ટ્રોકનું મુખ્ય કારણ બની શકે છે.

ઓસ્ટ્રેલિયામાં ૮૩૦૦૦ લોકોને સામેલ કરીને કરાયેલા સ્ટડી રિપોર્ટમાં જાણવા મળ્યું કે, લાંબા સમયથી બેસી રહેવાથી કે ઊભા રહેવાથી ચક્કર આવવા કે માથામાં દુખાવો ઉપડવા જેવી સમસ્યાનું જોખમ વધારે રહે છે. આ સ્ટડીના રિપોર્ટના નિષ્કર્ષ સ્વરુપે નિયમિત ચાલવા અને ફરવાની સલાહ આપવામાં આવી છે. આ સ્ટડી રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, લાંબા સમય સુધી ઊભા રહેવાથી પગમાં લોહી જમા થઈ શકે છે, જેના કારણે લોહીભ્રમણ ધીમી થઈ જાય છે, અને લોહી ગંઠાવવાની શકયતા વધી જાય છે.

નારાયણ જૂથના એચઓડી અને ડાયરેક્ટર તથા ઈન્ટરવેન્શનલ ન્યુરોલોજીના ક્લિનિકલ હેડ ડો. વિક્રમ હુડ્ડેએ જણાવ્યું કે, જો હૃદયમાં છેદ હોય, તો જામેલા લોહીના કણો મસ્તિષ્કમાં જવાથી ઇસ્કેમિક સ્ટ્રોક આવી શકે છે, જ્યાં એ લોહીના પ્રવાહને રોકી નાખે છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે જે લોકોને પહેલાથી હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર કે સ્ટ્રોક આવવાની વારસાગત બીમારી છે, તેમણે સાવચેત રહેવું જોઈએ અને વચ્ચે-વચ્ચે ફરતા રહેવું જોઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.