રિવરફ્રન્ટના ઉસ્માનપુરા ગાર્ડનમાં પ્રવેશવા હવે રૂ.૧૦ ખર્ચવા પડશે
(એજન્સી) અમદાવાદ :શહેરીજનો પાસેથી પ્રોપર્ટી ટેક્ષ સહિત વિવિધ પ્રકારના વેરા વસુલ કરી રહેલા મ્યુનિસિપલ સતાધીશોએ હવે રીવરફ્રન્ટના ઉસ્માનપુરા ગાર્ડનમાં પણ રૂ.૧૦ અને રૂ.પાંચ પ્રવેશ ફી વસુલ કરવાનો નિર્ણય કર્યો છે. શાહિબાગ તરફ બનાવાયેલા ગાર્ડનમાં પ્રવેશ ફી લાગુ કરી દેવાયાના ખાસા સમય બાદ મ્યુનિસિપલ સતાધીશોએ ઉસ્માનપુરા તરફના ગાર્ડનમાં પણ પ્રવેશ ફી લાગુ કરી દીધી છે. જા કે રિવરફ્રન્ટ પાર્કમાં સવારે છ થી આઠ સુધી કસરત અને જાગીંગ માટે કોઈ પ્રવેશ ફી નહીં લેવાય. પરંતુ આઠ વાગ્યા પછી ગાર્ડન ખાલી કરાવવામાં આવશે. અને નવ વાગ્યા પછી કોઈને પણ ગાર્ડનમાં પ્રવેશવા ફરવા-બેસવા માટે જવું હશે તો ફી ચુકવવી પડશે.
રિવરફ્રન્ટના ઉસ્માનપુરા ગાર્ડનમાં વયસ્કો પાસેથી રૂ.૧૦, પાંચ વર્ષથી ૧ર વર્ષ સુધીના બાળકો માટે રૂ.પાંચ, સીનીયર સિટિજન્સ માટે રૂ.પાંચ ફી લેવામાં આવશે. જ્યારે શૈક્ષણિક પ્રવાસ માટે આવનારા વિદ્યાર્થીઓ માટે એક રૂપિયો ફી રાખવામાં આવી છે. દર સોમવારે રીવરફ્રન્ટ પાર્ક સાફસફાઈ માટે બંધ રાખવામાં આવશે.