ચાલતાં-ચાલતાં રસ્તો જ ભૂલી જ્વાય
ક્યારેક એવું ના થાય ? અજાણતા જ મુલાકાત થાય.
ને લાંબી લાંબી વાતો થાય.. ચાલતા ચાલતા રસ્તો જ ભૂલી જ્વાય..
થોડાક ટુકડા સમયના જાેડતા જાેડતા સંભારણા બંધાય..
વહે ઠંડો વાયરો, ને રોમ રોમ તારો સ્પર્શ મહેસુસ થાય…
અંત કહી વાતો કાગળે લખતા લખતા,
દબાયેલી લાગણીઓને જાણે વાચા મળી જાય.
ક્યારેક એવું ના થાય ?
– સોનલ ગોસલીયા
સોનલ ગોસલીયાની આ રચના છે. સાહિત્ય પ્રત્યે તેમને રસ હોવાથી નાનપણથી જ લખવાનું શરુ કરી દીધું હતું. રેડિયો માટે નાનું નાટક તેમણે લખ્યું હતું. ત્યારબાદ તેમની કલમ વિસ્તરતી રહી. તેમનું વતન અમદાવાદ છે. “ગુંજન” નામનો તેમનો કાવ્યસંગ્રહ અને “અનુભૂતિ” નામનો નવલિકાસંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યો છે.
‘સખી’ ‘માર્ગી’ તેમજ ‘ફીલિંગ્સ’ જેવા મેગેઝીનમાં તેઓ સતત લખતાં રહ્યાં છે. કાજલ ઓઝા વૈદ્ય, હરેશ ભટ્ટ, શરદ ઠાકર, નટવર ગોહેલ, વર્ષા અડાલજા તેમના પ્રિય લેખકો છે. તેમનું ઘણા એવોર્ડ તેમજ સન્માનપત્રોથી સન્માન પણ થયેલું છે.
માતૃ ભારતીમાં રીડર્સ એવોર્ડ, હેલો ગુજરાત વિમેન્સ એવોર્ડ, ઉદગમ્ એચીવર એવોર્ડ જેવા ઘણા એવોર્ડથી તેઓ સન્માનિત થયેલા છે. તેમની કલમ થકી સંવેદનાઓ, પીડાં અને લાગણી કાગળ પર ઉતરી આવે છે. તેમની વાર્તાઓ પણ લોકપ્રિય થયેલી છે. તેમની આ રચનામાં લાગણીની સાથે સાથે પ્રકૃતિ પણ વણાઈ ગઈ છે.
મનમાં છુપાયેલી કેટલીક ઈચ્છાઓ કાગળ પર ઉતરી આવે છ. જીવનની કડવી વાસ્તવિકતામાં આપણું મન જે ઈચ્છે છે એ તો ક્યાંક ખોવાઈ જ ગયું હોય છે. સૌને ખુશ કરવામાં આપણી પોતાની ઈચ્છાઓ મરી જતી હોય છે. આપણે મનથી તો એ ઈચ્છીએ છીએ જે મનમાં છુપાયેલું છે. જેના પર સમય નામની ધુળ જામી ગઈ છે. પણ મનની ઈચ્છાઓ મનાં શ્વસી રહી છે.
ક્યારેક એવું ના થાય કે જેને આપણે સપનામાં ચાહી હોય આમ અચાનક રસ્તામાં આવી મળે.. ક્યારેક એવું ના થાય કે આપણી સપનાની પ્રિયા સપનામાંથી બહાર આવી સાચે જ ક્યાંક મળે. એની સાથે રસ્તામાં ચાલતા ચાલતા રસ્તો ભુલી જઈએ. વાતો કરતા કરતા અજાણ્યા રસ્તાને પોતીકો બનાવી લેવાય. કંઈક લાગણીઓની આપ લે કરીએ. જીવનની કડવી વાસ્તવિકતાથી દૂર લાગણીભીનો સ્પર્શ મનમાં અનુભવીએ.
મનની ખુશી માટે થોડો સમય જીવી લઈએ. જીવનને માણીએ, મનમાં ધરબાઈ રાખેલી લાગણી ખીલવા લાગે ત્યારે મન જે ખુશી અનુભવે છે, અદભુત છે. જેની કિંમત આંકી જ ન શકાય. જીવનની આંટીઘુટીમાં જે ખુશી ખોવાઈ ગઈ હોય એ જ ખુશી પામીને મન આનંદ અનુભવે છે.
આવુ કંઈક ન બને તો પણ ક્યારેક મન કે કુદરત પાસે જઈએ. પ્રકૃતિના ખોળે જઈને બેસીએ. જીવનની એકવિધતાથી દૂર જઈને કુદરતના ખોળે થોડો સમય પસાર કરીએ, તો મનને જે શાંતિનો અનુભવ થાય એ દિવ્ય હોય છે કુદરતના ખોળે મન સાચી ખુશી અનુભવે છે. એમ જ નદી કિનારે કે દરિયા કિનારે બેસીએ તો એમ થાય કે બસ બેસી જ રહીએ. સમય ક્યાં પસાર થઈ જાય એ ખબર જ નથી પડતી. દરિયા કિનારે એમ જ ખુલ્લા પગે ચાલવાની જે મજા છે એ અદભુત છે. જીવનની સાચી ખુશી એમાં જ છે. ક્યાંક કોઈક ઝાડ નીચે બેસીએ તો અલૌકિક આનંદની અનુભૂતિ થાય છે.
વરસતા વરસાદમાં ક્યારેક ચાલતા નીકળી પડીએ. તો એ વરસાદના ટીપામાં પલળવાની મજા કંઈક અનોખી છે. ક્યારેક એવું ન થાય કે આપણે બધુ ભુલીને કુદરતના આ અનોખા વિશ્વમાં ખોવાઈ જઈએ. ઈશ્વરની આ અનુપમ દુનિયામાં ડોકિયું કરીને મનમાં ખુશી અનુભવીએ.
અંતની અટકળ
કંઈક એવું ન બને કે જીવનમાં ઈશ્વરની ધન્યતા અનુભવીને કુદરતને ઓળખીએ. કુદરતના રંગોને જાેઈએ, જાણીએ, અનુભવીએ અને ખોવાઈ જઈએ. કુદરતના દરેક રંગો અદભુત છે. કુદરત જાેવાથી અને અનુભવવાથી જ પામી શકાય.