Western Times News

Gujarati News

વાહન વ્યવહારના ભારના કારણે રસ્તા ખરાબ થતા ગામ લોકોએ રસ્તો બંધ કરી દીધો

File

તે રસ્તા ઉપરથી ઉડતી ધૂળ ગ્રામજનોના તથા નાના બાળકોનાં શ્વાસમાં જવાથી અનેક ગંભીર બિમારીઓ થાય છે.

ઝઘડિયાના દુમાલા બોરીદ્રા ગામના લોકોએ મુલદ ગામને જોડતો રોડ બહારના લોકો માટે બંધ કર્યો -વાહન વ્યવહારના ભારના કારણે રસ્તા ખરાબ થતા હતા અને વિદ્યાર્થીઓને અને સ્થાનિકોને અકસ્માતનો ભય હોવાના કારણે રસ્તો બંધ કર્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના નાના સાંજા ફાટકથી મુલત ચાર રસ્તાને જોડતો સીસી રોડનું કામ ચોમાસા પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું.ઈજારાદાર દ્વારા મુલતથી નાના સાંજા ફાટક તરફ આવતો આખો રસ્તો ખોદી નાંખ્યો હતો.

જેના કારણે ચાર માર્ગીય રસ્તો બે માર્ગમાં ડાયવર્ટ થઈ ગયો હતો. જેના કારણે માલ વાહક વાહનોના ભારણ અને સ્થાનિક નાના મોટા વાહન ચાલકોના કારણે ચોમાસા દરમ્યાન અને ત્યાર બાદ રસ્તો અત્યંત ખરાબ અને અવારનવાર ટ્રાફિકજામ થઈ જતો હોય નાના વાહન ચાલકો દુમાલા બોરીદ્રા થઈ મુલદ ગામ સુધી નીકળતા હતા.

ઝઘડિયા જીઆઈડીસીના તમામ પેસેન્જર તેમજ ખાનગી વાહનો મુલદ થઈ જતા હોવાના કારણે રસ્તાની અત્યંત ગંભીર હાલત થઈ ગઈ હતી.જેના કારણે બોડીદ્રા ગામમાં આવેલ શાળા તથા ગામની વચ્ચે રહીને ખૂબ મોટા પાયે વાહનોની અવરજવર હોય અકસ્માતોની ઘટના પણ બનવા પામી હતી.રસ્તા પર શાળા આવેલી હોય નાના બાળકોને પણ ભય સતાવતો હોય ગ્રામજનોએ જીલ્લા કલેકટર, સાંસદ, ધારાસભ્ય,ડીએસપી, મામલતદાર સહિતના જવાબદાર અધિકારીઓને અગાઉ લેખિતમાં જાણ કરી હતી

અને જણાવ્યું હતું કે દુમાલા બોરીદરા ગામ માંથી ઝઘડિયા જીઆઈડીસીના મોટા વાહનો તથા ટ્રાવેલ્સ તેમજ ભારે વાહનોની અવર જવરના લીધે ગામનો સિંગલ પટ્ટી રોડ હોવાથી ટ્રાફિકની સમસ્યાથી ગ્રામજનોને અનેક જાતની તકલીફ પડે છે.વધારે પડતા વાહનોના અવર જવરના લીધે ગામમાં અકસ્મતોની સંખ્યા વધી રહી છે.જેમાં ગામનાં કરશનભાઈ દાનજીભાઈ મુત્યુ પામ્યા છે,

જેમનાં ઘરમાં અન્ય કોઈ કમાનાર વ્યક્તિ ન હોવાથી તેમનો પરિવાર અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.?ગામનાં અનેક યુવાનોના અકસ્માત થાય છે જેની જવાબદારી કોની? મુલદથી નાનાસાંજા ફાટક તરફ જતા રસ્તાનું કામ ચાલું હોવાથી જેનું ડાયવર્ઝન વિકાસ હોટલ (મુલદ ચોકડી) થી ખરચીને જોડતો રોડ રાજપીપળા – અંક્લેશ્વર તરફ આપેલો છે તેમ છતાં વાહનો દુમાલા બોરીદરા ગામમાંથી પસાર થાય છે.

ગામનો રસ્તો ૨૦૦૧ માં બનાવેલ હતો તે આશરે ૨ વર્ષથી અતિશય ખરાબ હાલતમાં છે, તે રસ્તા ઉપરથી ઉડતી ધૂળ ગ્રામજનોના તથા નાના બાળકોનાં શ્વાસમાં જવાથી અનેક ગંભીર બિમારીઓ થાય છે.જેની જવાબદારી કોની, ગ્રામજનો મોટા સાધનો તથા જીઆઈડીસીના સાધનો અટકાવે તો સરકારી અધિકારીઓ વિરોધ કરે છે.ગામમાં પ્રાથમીક શાળા રસ્તાની બિલકુલ બાજુમાં આવેલી છે ત્યાં અનેક બાળકો અભ્યાસ કરે છે અને બાળકોની અવર જવર રહે છે?

તેમાં અકસ્માત થાય તો જવાબદારી કયા સરકારી અધિકારીની નક્કી થશે? ગ્રામજનોની એટલી નમ્ર અરજ છે કે દુમાલા બોરીદરા ગામનો રસ્તો ફક્ત ગ્રામજનો અને આજુબાજુનાં ગ્રામજનો માટે ખુલ્લો રાખવામાં આવે તેમજ જીઆઈડીસીના વાહનો તેમજ ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે જેથી ગ્રામજનો શાંતિપુર્ણ પોતાનું જીવન જીવી શકે તેમ જણાવ્યું હતું

પરંતુ ગ્રામજનોની રજૂઆત બાદ પણ જવાબદાર વહીવટી તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવતા ગ્રામજનો દ્વારા આજરોજ વહેલી સવારથી જ રસ્તો બંધ કરવામાં આવ્યો છે ફક્ત સ્થાનિક તેમજ આજુબાજુના ગ્રામજનો માટે જ આ રસ્તો ખુલ્લો રહેશે તેમ જણાવવામાં આવ્યું છે ગ્રામજનો દ્વારા કેટલાક વાહનચાલકોને હવે પછી અહીંથી નહીં આવવા પણ વિનંતીપૂર્વક જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.