રોડનું અડધું કામ કરી અન્ય સ્થળે ખસેડવા માટે રાજકારણ રમાઈ રહ્યું છે

સુલતાનપુરાથી અંધારકાચલા સુધીના રોડનું અડધું કામ અન્ય સ્થળે ખસેડવા માટે રાજકારણ રમાઈ રહ્યું છે
ઝઘડિયામાં મંજૂર થયેલ રોડ અન્ય સ્થળે બનાવવાની તજવીજના વિરુદ્ધમાં રહીશોએ આવેદનપત્ર પાઠવ્યું
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયાના સુલતાનપુરા વિસ્તારની સાત જેટલી સોસાયટી ના રહીશો છેલ્લા ત્રીસ વર્ષથી સોસાયટીને જોડતા સુલતાનપુરાથી અંધારકાચલા ગામના રોડ બાબતે હાડમારી ભોગવી રહયા છે,
અત્યંત ખાડા ખાબોચિયા વાળા રોડના કારણે સોસાયટીના રહીશો તથા તે રોડ પર આવેલ આઈટીઆઈના વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ એ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે,અનેક વખતની રજૂઆત બાદ પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ વહીવટી તંત્ર કે રાજકીય નેતાઓ દ્વારા લાવવામાં આવ્યું નથી,હાલમાં ઝઘડિયા સુલતાનપુરા ના ચાર રસ્તાથી વાયા આઈટીઆઈ થઈ અંધારકાચલા ગામ સુધીના રોડનું કામ મંજુર થયું છે,
આ રોડ અંધારકાચલા થી આઈટીઆઈ સુધી તો બનાવી દેવામાં આવ્યો છે.પરંતુ ઝઘડિયા ચાર રસ્તાથી આઈટીઆઈ સુધીનો રોડ અધૂરો મૂકવામાં આવ્યો છે અને તેનું કામ અટકાવી દેવામાં આવ્યું છે.આ અટકેલા કામ બાબતે ઝઘડિયા ચાર રસ્તાથી આઈટીઆઈ રોડ સુધીમાં આવેલા ઝમઝમ પાર્ક, અજીત નગર, એકતા નગર, ગોકુલ નગર, વિજયનગર ના રહીશોએ પ્રાંત અધિકારીને એક આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનપત્રમાં તેઓએ પોતાની સમસ્યાઓ જણાવી છે અને આ અધૂરા રાખેલા રોડ બાબતે શંકા વ્યક્ત કરી છે કે તેઓને જાણવા મળેલ છે કે સુલતાનપુરા થી અંધારકાચલા સુધીનો મંજૂર થયેલો રોડ આઈટીઆઈ સુધી બનાવવામાં આવ્યો છે અને બાકીનો જે રોડ છે તે અન્ય જગ્યાએ બનાવી દેવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે,
જેથી તમામ સોસાયટીના રહીશોએ આ બાબતે વિરોધ કરી જે રોડ જ્યાં મંજૂર થયો છે ત્યાં જ બનાવવા માટે જવાબદાર અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આખા મંજૂર થયેલા રોડમાં આવો ટુકડો પાડી તેને અન્ય જગ્યાએ બનાવી જાણી જોઈને આ સોસાયટીઓના રહીશોને હેરાન કરવાની કોઈ રાજ રમત રમાઈ રહી હોય તેમ જણાઈ રહ્યું છે.