Western Times News

Gujarati News

રસ્તાઓની વિગતો ઓનલાઇન કરવામાં આવશે જેથી નાગરીકોને કામગીરીનો ખ્યાલ આવી શકે

પ્રતિકાત્મક

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓના વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસાને કારણે માર્ગો-રસ્તાઓને જે અસર પહોંચી છે તે રિસર્ફેસિંગ, રિપેરિંગ અને માર્ગોના નવા કામો દ્વારા સત્વરે દૂર કરી સ્થિતિ પૂર્વવત કરવા સ્પષ્ટ તાકીદ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ આજે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરિય બેઠક યોજીને રાજ્યમાં હાલના ચોમાસાની સ્થિતિને કારણે માર્ગોની મરામત માટેની જે જરૂરીયાત ઉભી થઇ છે, તેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

માર્ગ અને મકાન રાજ્યમંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી વિનોદભાઇ મોરડીયા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી તેમજ શહેરી વિકાસ અને માર્ગ મકાન વિભાગના સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ આ બેઠકમાં જોડાયા હતા.

રાજ્યની આઠ મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ તેમ જ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓએ પોતાના કાર્યક્ષેત્રમાં આવેલા  વિસ્તારોમાં રસ્તાઓને થયેલા નુકશાન અને મરામત માટે કરવામાં આવેલી કામગીરી તથા આયોજનનો વિસ્તૃત ચિતાર વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થઇ આપ્યો હતો.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુણવત્તાયુક્ત માર્ગો બને તથા ત્રણ વર્ષની ડિફેક્ટ લાયેબલિટીની મર્યાદામાં આવતા માર્ગોનું રિસર્ફેસિંગ, રિપેરિંગ સંબંધિત ઇજારદાર (કોન્ટ્રાક્ટર) દ્વારા સત્વરે હાથ ધરાય તે માટે અધિકારીઓ કામગીરી પર સતત જાત નિરિક્ષણ કરે અને ગુણવત્તાયુક્ત કામ થાય તે સુનિશ્ચિત કરે.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, નાણાના અભાવે જનતા જનાર્દનના આવા પાયાની સુવિધાના કામો અટકે નહીં તે માટે રાજ્ય સરકાર સ્થાનિક સત્તા તંત્રોની પડખે છે.

તેમણે સ્ટેટ હાઇ વે, નેશનલ હાઇ-વે, મુખ્ય જિલ્લા માર્ગો તથા પ્લાન વિલેજ માર્ગોની સ્થિતિની પણ માર્ગ મકાન વિભાગના સચિવશ્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે સમિક્ષા કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ એવું પણ સુચન કર્યું કે, માર્ગોની સંપૂર્ણ વિગતો ઓનલાઇન કરવામાં આવે જેથી નાગરીકોને પારદર્શી રીતે સમગ્ર કામગીરીનો ખ્યાલ આવી શકે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વરસાદ રહી જાય કે ઓછો થાય કે તુરત જ સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડીયામાં જ માર્ગ મરામતના કામો હાથ ધરાય અને નવરાત્રી સુધીમાં નગરો-મહાનગરોમાં માર્ગોની સ્થિતિ પૂર્વવત થઇ જાય તેવી સ્પષ્ટ સુચના આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.