ઉનાળાની વિપરીત અસરોને ધ્યાને રાખીને રોડ સેફટી ઓથોરીટી દ્વારા ચાલકની સુરક્ષા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં વાહન અને વાહન ચાલક ખૂબ પ્રભાવિત થાય છે. વાહન ચાલકોએ ઉનાળાની ઋતુમાં પુરતો આરામ અને હાઈડ્રેટેડ રહેવું જરૂરી છે સાથોસાથ પોતાના વાહનોમાં ટાયરની લાઈફસાઈકલ, એર ફિલ્ટર, એન્જિન જાળવણી, રેડિયેટર સફાઈ વગેરે બાબતોની કાળજી રાખવા ગુજરાત રોડ સેફટી ઓથોરીટી ઓથોરીટી ગાંધીનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
માર્ગદર્શિકામાં જણાવ્યાનુસાર રાજ્યના નાગરીકોએ વાહન માટે નિયત કરેલ હવાનું દબાણ બધા ટાયરમાં તપાસવું જોઈએ.
• નાગરીકોએ ગરમીની ઋતુમાં વાહનના ટાયર ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ. વાહનો નિયત કિલોમીટર અથવા વાહનોના ટાયરને વધુ વર્ષ પૂરા થઇ ગયા હોય તો વાહનોના ટાયર બદલવા જોઈએ.
• વાહનોમાં નિયમિત પણે એન્જિન અને એ.સી. એર ફિલ્ટર્સ સાફ કરાવવા જોઈએ.
• વાહનોમાં એન્જિન ઓઇલ અને કુલન્ટ નિયત કિલોમીટર થઇ ગયા પછી બદલવા જોઈએ.
• રેડિયેટર તથા કુલિંગ અને એ.સી. સિસ્ટમ સાથે જોડાયેલા બધા પાઇપોની તપાસ વાહનના ટેક્નિશિયન પાસે કરાવવી જોઈએ.
• નાગરીકોએ વાહન ચલાવતી વખતે વાહનમાં પીવાલાયક પાણી સાથે રાખવું જોઈએ તેમજ ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જાળવી રાખવું જોઇએ.
• વાહન ચાલકોએ એક થી સવા કલાક અથવા તેનાથી વધુ સમય સુધી વાહન ચલાવવાનું થાય તેવા સમયે મુસાફરી બંધ રાખી ૧૦ મિનિટનો વિરામ કરવો જોઈએ.
• નાગરીકોએ ગરમીમાં બાળકોને એકલા કારમાં ન છોડવા જોઈએ. કારમાં વધુ ગરમીના કારણે બાળકોને હિટ સ્ટ્રોક આવે તો તે પ્રાણઘાતક સાબિત થઇ શકે છે.
• નાગરીકોએ ભારે ગરમીમાં વાહન જાહેર માર્ગ ઉપર પાર્કિંગ ન કરતાં સલામત જગ્યાએ છાયડામાં પાર્ક કરવું જોઈએ.
• નાગરીકોએ સી.એન.જી ગેસના વાહનોમાં ISI પ્રમાણિત અગ્નિ શામક ઉપકરણોનો રાખવા જોઈએ અને સમયાંતરે તેની તપાસ કરાવવી જોઈએ.