આણંદની સ્કુલમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓની રઝળપાટઃ કલેક્ટરને આપ્યું આવેદન
(તસ્વીરઃ દેવાંગી ઠાકર) આણંદ જીલ્લાની જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે આવેલ છે. આ શાળામાં ધો.૬ થઈ પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ આપતા પૂર્વે તે માટે પરિક્ષા લેવામાં આવતી હોય છે. જેનું મેરીટ ગત જૂન મહિનામાં પ્રસિદ્ધ
થયું હતું.
પરંતુ મેરીટ મુજબ પ્રવેશ મેળવવા પાત્ર વિદ્યાર્થીઓ વંચિત રહ્યા હતા. જેથી વાલીઓએ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ સુધી અનેક વખત રજૂઆતો કરી હતી. આ છ જેટલા પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની બે મહિનાથી ન્યાય માટે રઝળપાટ થઈ રહી છે. છતાં પ્રવેશ નહીં મળતા આજરોજ મુખ્યમંત્રી તથા જીલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું છે. જાે વહેલીતકે પ્રવેશ નહીં મળે તો ધરણાં યોજવાની ચિમકી વાલીઓએ ઉચ્ચારી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જીલ્લાની જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે કાર્યરત છે. જ્યાં ધો.૬ થી આપવામાં આવતા પ્રવેશ માટે ગત એપ્રિલમાં પરિક્ષા યોજાઈ હતી. જેનું મેરીટ જૂન મહિનામાં પ્રસિદ્ધ થયું હતું. વિદ્યાલય દ્વારા પ્રસિદ્ધ થયેલ ૮૦ વિદ્યાર્થીઓના મેરીટ પૈકી ૧૨ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહ્યા હતા.
જે માટે વાલીઓએ જીલ્લા કલેક્ટર, સંસદ સભ્ય, ધારાસભ્યો સહિત અનેકને રજૂઆત કરી હતી. અંતે ૧૨ પૈકી ૬ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ છ વિદ્યાર્થીઓ બે મહિના પછી આજે પણ પ્રવેશ અને અભ્યાસથી વંચિત છે?. આ સમગ્ર મામલે છ વિદ્યાર્થીઓના વાલીઓએ નેતાઓ અને અધિકારીઓના દરવાજા ખટખટાવ્યા હોવા છતાં પરિણામ શૂન્ય છે.
છેવટે આજરોજ આ છ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા આણંદ જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં વાલીઓને થયેલ કનડગત સંદર્ભે જણાવ્યું છે કે અગાઉના વર્ષોમાં કરમસદ, વિદ્યાનગર, બોરીયાવીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હોવા છતાં ચાલુ વર્ષે શાળા સંચાલકોએ શહેરી વિસ્તારનું કારણ ધરી એડમિશન અટકાવી દીધા છે.
આવેદનમાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીના જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડ, આવકનો દાખલો, નોન ક્રિમીનલ સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ, રહેણાંકના દાખલા વગેરે ગ્રામ્ય મામલતદાર સહી સિક્કા કરી આપે છે. પરંતુ શાળાના પ્રવેશ ફાર્મ ઉપર આ જ ગ્રામ્ય મામલતદાર ગ્રામ્યના બદલે શહેરીના સહી સિક્કા કરી આપે છે.
આ વિસંગતતાઓ શા માટે ? ઉપરાંત અગાઉ જે મામલતદારે શહેરી વિસ્તારના સહી સિક્કા કરી આપ્યા હતા, તેઓની જગ્યાએ આવેલ હાલના મામલતદાર હવે કોઈ જ સહી સિક્કા કરવા તૈયાર નથી?. જેને કારણે શાળા એડમિશન નથી આપતા. છેલ્લા બે મહિનાથી આ છ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હોવાના કારણે અભ્યાસથી પણ દૂર રહ્યા છે.
આ માટે નેતાઓ અને અધિકારીઓની ઓફીસોમાં રઝળપાટ કરવા છતાં કોઈ જ પરિણામ નહીં આવતા આજે છ વાલીઓ સહિત વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે. તેઓએ માંગણી કરી છે કે મેરીટ હોવા છતાં જે કોઈએ એડમિશન નથી આપ્યા તેઓ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
ઉપરાંત તેઓની સામે વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે. જાે ટૂંક સમયમાં આ છ વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે તો પ્રતિક ઉપવાસ શરૂ કરવાની ચિમકી વાલીઓએ ઉચ્ચારી હતી.
વિડીયો થયો વાયરલ
પ્રવેશ વંચિત વિદ્યાર્થી યુવરાજના પિતા મહેશભાઈ રાવળે મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેરિટમાં નામ હોવા છતાં અમને શાળા સંચાલકોએ એડમિશન નથી આપ્યા. અમે સંસદ સભ્ય, ધારાસભ્યો, મામલતદાર, કલેક્ટર વગેરેને અનેક વખત રજૂઆતો કરી હતી. છેવટે પ્રવેશ આપવા આચાર્યએ સાંસદને બાંહેધરી આપી હતી.
જેથી સંસદ સભ્યના કહેવાથી પ્રવેશ મળ્યો હોવાનો વિડીયો વાયરલ કરાવ્યો હતો. પરંતુ પ્રવેશ ૧૨ પૈકી માત્ર ૬ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ અમે અનેક વખત સંસદ સભ્ય સહિત ઘણાં નેતાઓને રજૂઆત કરી, પરંતુ હજીપણ પ્રવેશથી વંચિત છે.
ઓબીસી હોવાથી સાંભળતા નથી
પ્રવેશ વંચિત વિદ્યાર્થી ર્કિતનના પિતા મહેન્દ્રભાઈ રોહિતે જણાવ્યું હતું કે જે ૮૦ વિદ્યાર્થીઓનું મેરીટ જાહેર થયુ હતું તે પૈકી ૧૨ને એડમિશન ન્હોતું મળ્યું. સાંસદને રજૂઆત કર્યા બાદ ૬ વિદ્યાર્થીઓને ગણતરીના કલાકોમાં પ્રવેશ આપી દેવાયો, તો અમારા બાળકોને અન્યાય કેમ ?
હવે છેલ્લા બે મહિનાથી અમે અનેક નેતાઓ અને અધિકારીઓને રજૂઆત કરવાની રઝળપાટ કરી રહ્યા છે. પરંતુ અમને કોઈ સાંભળતું નથી. આ વાલીએ બળાપો કાઢતાં કહ્યું હતું કે શું અમે ઓબીસી અને એસસી છે એટલે અમને કોઈ સાંભળતા નથી !