સરનામું પૂછવાને બહાને વિદ્યાર્થીને છરો બતાવી ૧.૮૦ લાખની લૂંટ
મોડી રાતે એકલદોકલ જતી વ્યક્તિઓને ‘ટાર્ગેટ’ કરી લૂંટતી ખતરનાક ગેંગ સક્રિય
(એજન્સી) અમદાવાદ, શહેરમાં મોડી રાતે એકલદોકલ જતી વ્યક્તિઓને રોકીને સરનામું પુછવાને બહાને તેમને વિશ્વાસમાં લઈ તેમની કિંમતી વસ્તુઓ અથવા તો રૂપિયા પડાવતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાે કોઈ વ્યક્તિ રૂપિયા કે વસ્તુ ન આપે તો છરો બતાવીને તેને મારી નાખવાની ધમકી આપી તેમને લૂંટી લેવાય છે. આવો જ એક કિસ્સો આનંદનગર ખાતે બન્યો છે.
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રાતે એક વાગે પસાર થઈ રહેલા વિદ્યાર્થીને બાઈક પર આવેલા ત્રણ શખ્સે સરનામું પુછવાને બહાને રોકયા બાદ છરો બતાવીને આઈફ્રોન સહિત સોનાની ચેઈન મળી કુલ રૂ.૧.૮૦ લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. યુવક મોડી રાતે માય બાઈક સાઈકલ મુકીને ચાલતો ચાલતો ઘરે જતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો.
સેટેલાઈટમાં રહેતા અને સરખેજ ખાતે એલ જે કોલેજમાં બીબીએનો અભ્યાસ કરતા સુજલ શાહે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે રાતના સમયે સુજલ ધનંજય ટાવર સામે માય બાઈક મુકીને ચાલતો ચાલતો ઘરે જતો હતો તે જયારે શાર્દુલ એપાર્ટમેન્ટના ગેટ આગળથી પસાર થઈ રહ્યો હતો તે વખતે એક બાઈકચાલક સુજલ પાસે આવ્યો હતો અને તેણે સુજલને પુછયું હતું કે નારોલ કંઈ બાજુ આવે છે જેથી સુજલે બાઈક ચાલકને સરનામું બનાવ્યું હતું.
બાઈકચાલકે જીવરાજબ્રિજના છેડે બાઈક ઉભુ રાખ્યું હતું સુજલ ચાલતો ચાલતો ત્યાંથી પસાર થતો હતો ત્યારે બાઈકચાલકે સુજલને છરો બતાવ્યો હતો. આ સમયે અન્ય શખ્સો પણ આવી ગયા હતા. સુજલને છરો બતાવીને તેમણે ધમકી આપી હતી. આ શખસોએ સુજલને કહ્યું હતું કે તારી પાસે જ હોય તે બધું આપી દે, આથી સુજલ ગભરાઈ ગયો હતો અને તેણે આ તમામ શખ્સને એપલ કંપનીનો આઈપોડ, એપલ કંપનીની વોચ, તેમજ આઈફોન ૧ર તેમજ સોનાની અઢી તોલાની ચેઈન મળી કુલ ૧.૮૦ લાખની મત્તા આપી દેતાં તે તમામ ફરાર થઈ ગયા હતા.
તે શખ્સો સુજલ પાસેથી લૂંટ કર્યા બાદ બાઈક પર જીવરાજબ્રિજ ઉપરથી નાસી ગયા હતા. સુજલે બુમાબુમ કરી પરંતુ મોડી રાતે આસપાસ કોઈ ન હોવાથી લુંટારા ભાગવામાં સફળ રહ્યા હતા. સુજલે ઘરે જઈ પરિવારને લૂંટ અંગે જાણ કરી હતી. ત્યારબાદ સુજલે પરિવાર સાથે આનંદનગર પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.