પાકિસ્તાનમાં પોલીસ ટીમ ઉપર રોકેટ હુમલોઃ ૧૧ પોલીસકર્મીઓના મોત
ઈસ્લામાબાદ, ગુરુવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બદમાશોએ પોલીસ ટીમ પર રોકેટ વડે હુમલો કર્યાે હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૧ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. અનેક પોલીસકર્મીઓને બંધક બનાવવામાં આવ્યા હતા.
પોલીસ પર હુમલો ત્યારે થયો જ્યારે બે મોબાઈલ પોલીસ વાન માચા પોઈન્ટ પર કાદવવાળા રસ્તા પર ફસાઈ ગઈ.પંજાબ પોલીસના પ્રવક્તાએ કહ્યું, “આ દરમિયાન ડાકુઓ ત્યાં પહોંચ્યા અને તેમના પર રોકેટથી હુમલો કર્યાે.
હુમલામાં ઓછામાં ઓછા ૧૧ પોલીસકર્મીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કેટલાકને બંધક બનાવી લેવામાં આવ્યા હતા અને બાકીના ઘાયલ થયા હતા.”તેમણે કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર છે. હુમલા બાદ ગુનેગારો નાસી જવામાં સફળ રહ્યા હતા.
ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ દળો ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘાયલોને રહીમ યાર ખાનની શેખ જાયદ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા.આ ઘટનાની કડક નોંધ લેતા, પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે આઈજી પોલીસ ડૉ. ઉસ્માન અનવરને ઘટનાસ્થળે પહોંચવા અને ગુનેગારો દ્વારા બંધક બનાવાયેલા પોલીસકર્મીઓને બચાવવા માટે ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
તેમણે કહ્યું કે આવા જિલ્લાઓના ઉબડખાબડ વિસ્તારો (પરા)માં ગુનેગારોનું શાસન સહન કરવામાં આવશે નહીં.આ પહેલા પાકિસ્તાનના એટોકમાં સ્કૂલ વાન પર ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. કોઈ અજાણ્યા શખ્સે આ હુમલો કર્યાે હતો. જેમાં બે બાળકોના મોત થયા છે જ્યારે પાંચ બાળકો ઘાયલ થયા છે. આ ઘટના એટકના ઢેરી કોટમાં બની હતી. આ હુમલામાં સ્કૂલ વાનના ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એટોક પોલીસનું કહેવું છે કે હુમલાખોર ગોળીબાર કરીને સ્થળ પરથી ભાગી ગયો હતો. તમામ બાળકોની ઉંમર ૧૦ થી ૧૨ વર્ષની વચ્ચે છે.પ્રાદેશિક પોલીસ અધિકારી બાબર સરફરાઝ અલ્પાનું કહેવું છે કે અંગત અદાવતના કારણે આ ઘટના બની છે. હુમલાખોરનું ટાર્ગેટ ડ્રાઈવર હતો પરંતુ સ્કૂલના બાળકો પણ તેનો શિકાર બન્યા હતા. આ મામલે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ શરૂ કરી છે.SS1MS