ઠગ નર્સોએ આરોગ્ય વિભાગના કર્મચારી હોવાનું જણાવી નોકરી વાંચ્છુઓને ફસાવ્યા
કોરોના સમયમાં ઠગાઈ શરૂ કરી હતી, ત્રીજી નર્સનું નામ ખુલવાની શક્યતા
ગાંધીનગર, નર્સ તરીકે નોકરી અપાવવાના બહાને નોકરીવાંચ્છુઓ પાસેથી નાણા પડાવવાના કેસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગાંધીનગર સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલાના એક નિકટના સંબંધી આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે, ેતેમનું નામ વટાવીને આ નર્સે અનેક નોકરી વાંચ્છુઓને ફસાવ્યા હોવાનું બહાર આવ્યું છે.
સિવિલના સર્જીકલ વિભાગમાં ઈન્ચાર્ નર્સ નયનાબેન ડોડિયાર અને સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા જેમિનીબેન સામે એસીબી સમક્ષ અરજી થઈ છે. અરજદાર અને તેમના બહેને જીએનએમ સ્ટાફ નર્સનો કોર્સ કર્યો હોવાથી નોકરી મેળવવા માટે બંને સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતી જેમીનીબેન પટેલ તથા નયનાબેન કોડિયાતરનો સંપર્ક કર્યો હતો
તે દરમિયાન બંને નર્સોએ નોકરી અપાવવા પેટે વ્યક્તિ દિઠ બે લાખ લેખે રૂપિયા ૪ લાખની માંગણી કરી હતી. પગલે એસીબીની તપાસના અંતે બંને નર્સોએ લાંચ માંગી હોવાનું સામે આવ્યું હતું જેથી બંને આરોપી વિરુદ્ધ ગાંધીનગર એસીબી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
સિવિલના સ્ટાફની પુછપરછમાં જાણવા મળ્યું હતું કે કોરોના સમયમાં નયનાબેને નોકરી અપાવવાના બહાને નાણાં પડાવવાનું શરૂ કર્યું હતું. પોતાના નિકટના સંબંધી આરોગ્ય વિભાગમાં મહત્વના હોદ્દા પર હોવાનું કહીને નોકરી અપાવવાની ખાતરી આપી હતી. સિવિલમાં ફરજ બજાવતા સ્ટાફમાંથી ૮ જેટલા વ્યક્તિ આ લોકોની જાળમાં ફસાયા હતા.
નાણાં આપ્યા પછી નોકરી નહીં મળતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, પરંતુ નયનાબેન વળતી ફરિયાદો કરવાની ચીમકી આપી પીડિતોને ચૂપ કરી દેતા હતા. અત્યાર સુધીમાં નયનાબેન અને તેમની ટોળકીએ નોકરીવાંચ્છુઓ પાસેથી ર૦ લાખથી વધુ પડાવ્યા હોવાની વિગતો બહાર આવી છે.
એસીબીનું માનવું છે કે, નર્સની ભરતીમાં નોકરી માટે નાણાં આપનારાની વાસ્તવિક સંખ્યા હજુ વધી શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ નોકરીના નામે ઠગાઈના કેસમાં અન્ય એક નર્સની સંડોવણી બહાર આવી શકે છે.