Western Times News

Gujarati News

“યુવા મોડેલ એસેમ્બલી”માં અમદાવાદનો રોહન રાવલ CM બન્યો

 બન્યો-અમદાવાદના 63, રાજકોટના 39 ,ગાંધીનગરના 21, સુરતના 16, વડોદરાના 14, કચ્છના 10, અમરેલીના 7, ગોંડલના 5, જામનગરના 4, મહેસાણાનો 1, આણંદો 1, નડિયાદનો 1 વિદ્યાર્થી પસંદ કરવામાં આવ્યા-182 વિદ્યાર્થીઓ ભાગ લીધો

વિધાનસભા અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું  ‘યુવા મોડેલ એસેમ્બલી’ને પ્રેરક ઉદ્બોધન 

યુવા મોડેલ એસેમ્બલીના અનોખા પ્લેટફોર્મ થકી યુવા વિદ્યાર્થીઓને સંસદીય કાર્યપદ્ધતિ અને પ્રણાલીઓ સાથે સંપર્કમાં આવવાની સુવર્ણ તક પૂરી પાડશે:  ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય

ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા ધી સ્કૂલ પોસ્ટના સંયુકત ઉપક્રમે યુવા મોડલ એસેમ્બલીનું આયોજન

‘ન્યુ-એઇજ વોટર’ તરીકે જોવાતી યુવાશક્તિને ‘ન્યુ એઇજ પાવર’ તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અસરો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપ્યા – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી ડૉ. નિમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, દેશ અત્યારે વિશ્વગુરુ બનવા જઇ રહ્યો છે ત્યારે, સમાજના વિભિન્ન સમુદાયના પ્રાણપ્રશ્નોનું ઝડપી નિરાકરણ થાય, પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ પૂરી કરી શકાય તે હેતુથી લોકતંત્રને વધુ મજબૂત કરવા માટે સંસદીય કાર્યપ્રણાલીને સમજવી જરૂરી છે.

યુવાનોની દેશના વિકાસની પ્રક્રિયામાં ભાગીદારી વધે અને ભવિષ્યમાં સુશાસન પુરૂ પાડે તેવું યુવાધન આ દેશને મળે તે માટે ઘડતરરૂપ ‘‘યુવા મોડેલ એસેમ્બલી’’ જેવા કાર્યક્રમોનું આયોજન કરી તેમને રાજકીય ક્ષેત્રથી પ્રશિક્ષિત કરવા જરૂરી છે.

આ યુવા મોડેલ એસેમ્બલી વિદ્યાર્થીઓને ભવિષ્યના સારા નેતા બનવાની પ્રેરણા પૂરી પાડવા માટે એક અનોખું માધ્યમ સાબિત થશે.

‘‘અખિલ ભારતીય પ્રમુખ અધિકારીશ્રીઓની પરિષદના ૧૦૦ વર્ષ અને ભારતની સ્વતંત્રતાના હિરક જયંતી વર્ષની ઉજવણી’’ના ભાગરૂપે ગુજરાત વિધાનસભા ખાતે “યુવા મોડેલ એસેમ્બલી”નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની શ્રી ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો તથા ધ સ્કૂલ પોસ્ટના સંયુક્ત ઉપક્રમે આ આયોજન કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષશ્રીએ યુવાનોમાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ મોડેલ એસેમ્બલીના માધ્યમથી રાજ્યનો યુવાવર્ગ સક્ષમ, અનુભવી અને રાષ્ટ્રપ્રેમી બનશે, યુવાનોમાં નેતૃત્વશક્તિ ખીલવે અને લોકશાહીની પ્રત્યક્ષ તાલીમ આપે તેવી આ ‘યુવા મોડેલ એસેમ્બલી’નું આયોજન કરનારી ગુજરાત  વિધાનસભા સમગ્ર દેશમાં પ્રથમ છે.

તેમણે કહ્યું હતું કે, ભારત સૌથી વધુ યુવાનો ધરાવતો દેશ છે. વિશ્વના ૩૬૦ કરોડ યુવાનો પૈકી ૬૦ કરોડ યુવાનો ભારતમાં છે. વડાપ્રધાને યુવાનો દેશમાં મજબૂત આધાર બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરીને નવી શિક્ષણ નીતિ સહિતના યુવાલક્ષી વિવિધ ક્રાંતિકારી નિર્ણયો લીધા છે.

તેમણે ઉમેર્યું કે, યુવા મોડેલ એસેમ્બલી એ એક એવું અનોખું પ્લેટફોર્મ છે, જે યુવા વિદ્યાર્થીઓને સંસદીય કાર્યપદ્ધતિ અને પ્રણાલીઓ સાથે સંપર્કમાં આવવાની સુવર્ણ તક પૂરી પાડશે.

વિદ્યાર્થીઓમાં નેતૃત્વના ગુણ વિકસે, વિદ્યાર્થીઓ સામાન્ય માણસના દૃષ્ટિકોણને સમજે, અભિવ્યક્ત કરે અને જન સુખાકારી માટેની યોજનાઓથી વાકેફ થાય, સંસદીય પ્રણાલી, અંદાજપત્ર, કાયદા બનાવવાની પ્રક્રિયા સહિતની વિવિધ વિકાસ કામો કરવાની પ્રક્રિયાથી વાકેફ થાય તે માટે યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન મહત્વપૂર્ણ સાબિત થશે.

‘યુવા મોડેલ એસેમ્બલી’ને સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશમાં વર્ષો સુધી ‘ન્યુ-એઇજ વોટર’ તરીકે જોવાતી યુવાશક્તિને ‘ન્યુ એઇજ પાવર’ તરીકે પ્રસ્થાપિત થવાના અનેક અવસરો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને આપ્યા છે. વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈએ યુવા શક્તિના ભરોસે નયા ભારતના નિર્માણનો આરંભ કર્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, વિવિધ જિલ્લાઓમાંથી પસંદગી પામેલા યુવાનો આજે અહીં મોક એસેમ્બલી રચીને જનપ્રતિનિધિનું દાયિત્વ અદા કરવાનો અનુભવ લઈ રહ્યા છે. લોકશાહીમાં મતદાર પાયાનો એકમ છે, તો જનપ્રતિનિધિ સૌથી મહત્વનો એકમ છે. મતવિસ્તારના વિકાસ અને પ્રજાના પ્રશ્નોના નિવારણમાં સદાય સક્રિય રહેવું તે મતદારે ચૂંટીને મોકલેલા જનપ્રતિનિધિનું દાયિત્વ છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સામાજિક લોકશાહીના મજબૂત આધાર વગર રાજકીય લોકશાહી ટકી શકે નહીં. સામાજિક લોકશાહી સમાનતા, સ્વતંત્રતા અને બંધુતાના મૂલ્યોને આધારે સ્થાપી શકાય. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોલિટિકલ ડેમોક્રેસીની સાથે સોશિયલ ડેમોક્રેસી સાધવાનો માર્ગ સૌને ચીંધ્યો છે. ‘યુવા મોડેલ એસેમ્બલી’ પોલિટિકલ ડેમોક્રેસીથી સોશિયલ ડેમોક્રેસીનો સંદેશ આપશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ બન્યું છે. પાછલા બે-અઢી દાયકાની ગુજરાતની વિકાસ યાત્રાના ચાલક બળ તરીકે વિધાનસભા ગૃહની આદર્શ કામગીરી પણ મહત્વની બની રહી છે. આવા પવિત્ર ગૃહમાં ગુજરાતના ઉજ્જવળ ભાવિના નિર્માતા એવા યુવાનોને મોડલ એસેમ્બલીમાં સહભાગી થતા જોઈ ખૂબ ગૌરવ થાય છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. આ અમૃત મહોત્સવ વર્ષે ગુજરાત વિધાનસભા ગૃહમાં યુવા મોડેલ એસેમ્બલીનું આયોજન એક સુભગ સુયોગ છે.

ગુજરાતની લોકતાંત્રિક પરંપરાઓને સૌ યુવાનો સાથે મળીને આગળ લઈ જશે તેવી વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

ગુજરાત વિધાનસભા ખાતે યોજાયેલા યુવા મોડેલ એસેમ્બલીના શુભારંભ પ્રસંગે સંસદીય મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગના મંત્રી શ્રી હર્ષ સંઘવી, ગુજરાત વિધાનસભા શાસક પક્ષના દંડક શ્રી પંકજભાઈ દેસાઈ, ગુજરાત વિધાનસભા વિપક્ષના ઉપનેતા શ્રી શૈલેષભાઈ પરમાર સહિત મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.