Western Times News

Gujarati News

રોહિત અને વિરાટને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની ફરજ પાડવાનો કોઈ અર્થ નથી: જય શાહ

ઈન્જર્ડ ખેલાડી ટીમમાં વાપસી કરવા માગે તો તેણે ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કરવો પડશેઃ જય શાહ

(એજન્સી)નવી દિલ્હી, ભારતીય ટીમના કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત હોય તો તેઓ ગેમમાં ક્યારે કમબેક કરી શકે તેવો સવાલ ઘણા વખતથી થાય છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આ વિશે સ્પષ્ટ વાત કરી છે. તેમણે કહ્યું કે ઈન્જર્ડ ખેલાડી ટીમમાં વાપસી કરવા માગે તો તેણે ઘરેલુ ક્રિકેટ રમીને તેમાં સારો દેખાવ કરવો પડશે. એટલે કે ઈજાગ્રસ્ત ખેલાડી સાજા થયા પછી સીધે સીધા ટીમમાં નહીં રમી શકે.

તાજેતરમાં એક મુલાકાતમાં જય શાહે દુલીપ ટ્રોફીમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે રોહિત અને વિરાટને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાની ફરજ પાડવાનો કોઈ અર્થ નથી કારણ કે તેમાં ઘણો બધો વર્કલોડ રહેલો છે.

જોકે, તેમણે કહ્યું કે કોઈ પણ ખેલાડી ઈજાગ્રસ્ત થયા પછી કમબેક કરવા માગે તો તેણે પહેલાં ઘરેલુ ક્રિકેટ રમીને તેમાં પોતાની કુશળતા સાબિત કરવી પડશે. ત્યાર પછી તે ઉપર આવી શકશે. તેમણે જણાવ્યું કે ૨૦૨૨માં ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ઈજા થઈ હતી. ત્યાર પછી તેમણે સૌરાષ્ટ્ર વતી ડોમેસ્ટિક ક્રિકેટ રમવું પડ્યું અને પછી જ ટીમમાં વાપસી થઈ હતી.

તેમણે કહ્યું કે અમે થોડા સખત છીએ. જ્યારે રવિન્દ્ર જાડેજાને ઈજા થઈ ત્યારે મેં તેમને બોલાવીને જણાવ્યું કે તેમણે ડોમેસ્ટિક રમત રમવી પડશે. એક વાત નક્કી છે કે ઈજાના કારણે કોઈ બહાર જાય અને પછી પરત આવવું હોય તો ડોમેસ્ટિક ક્રિકેટ રમીને પોતાની ફિટનેસ પૂરવાર કરવી પડશે. પરંતુ વિરાટ અને રોહિતને ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું કહેવા પાછળ કોઈ કારણ નથી કારણ કે તેમાં ઈજા થવાની શક્યતા રહે છે. આપણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા કઈ રીતે રમે છે તે જોવું જોઈએ. ત્યાં કોઈ ટોપના ખેલાડી ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમતા. આપણા ખેલાડીની સાથે પણ સન્માનજનક રીતે કામ કરવું જોઈએ.

આ દરમિયાન એવો પણ સવાલ થાય છે કે ભારતીય બોલર મોહમ્મદ શામી ક્યારે કમબેક કરી શકશે. આ મહિનાની શરૂઆતમાં શામીએ પોતે પોતાની રિટર્ન થવાની તારીખ વિશે અનિશ્ચિતતા દર્શાવી હતી. ૨૦૨૩ના વર્લ્ડ કપ વખતે શામીને ઘૂંટીમાં ઈજા થઈ છે. હવે તેઓ ઓક્ટોબર મહિનામાં ભારતીય ટીમમાં વાપસી કરશે.

ભારત ન્યૂઝિલેન્ડ સામે ટેસ્ટ સિરિજ રમે તે અગાઉ શામી ટીમમાં આવી જશે. તેના માટે તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે. તેથી મોહમ્મદ શામી બંગાળ વતી કોઈ મેચ રમે તેવી શક્યતા છે. ૧૧ ઓક્ટોબરે ઉત્તર પ્રદેશ સામે મેચ શરૂ થાય છે અને ત્યાર પછી ૧૮ ઓક્ટોબરે કોલકાતામાં બિહાર સામે મેચ થવાની છે.

મોહમ્મદ શામી વિશે જય શાહે પણ અપડેટ આપ્યા છે અને કહ્યું છે કે તે અનુભવી અને ઉપયોગી ખેલાડી છે અને ઓસ્ટ્રેલિયામાં તેમની જરૂર છે. અજિત અગરકરની આગેવાની હેઠળ સિલેક્ટરોએ શરૂઆતમાં એવી આશા વ્યક્ત કરી હતી કે શામી સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ સામેની સિરિઝ રમી શકશે પરંતુ તેમની રિકવરી પ્રોસેસ લાંબી ચાલી હોવાના કારણે તેઓ રમી શક્યા ન હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.