રોહિત શેટ્ટી સર્જરી કરાવીને ૧૨ કલાકમાં સેટ પર પાછો ફર્યો
મુંબઈ, રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ સર્કલ ભલે બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ પરંતુ એક્શન ડિરેક્ટર પોતાના અન્ય પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત થઈ ગયો છે.
પોતાની વેબ સીરિઝ ઈન્ડિયન પોલીસ ફોર્સના શૂટિંગમાં તે અત્યારે વ્યસ્ત છે પરંતુ તાજેતરમાં જ આ સીરિઝના શૂટિંગ વખતે તે ઈજાગ્રસ્ત થયો હતો. રોહિત શેટ્ટીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી પછી પણ રોહિત શેટ્ટી આરામ કરાવના સ્થાને સેટ પર પાછો ફર્યો હતો અને કામ શરુ કરી દીધુ હતું.
ઈન્ડિયન પોલીસ ફોર્સના લીડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રાએ વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી. સિદ્ધાર્થ મલ્હોત્રાએ વીડિયો શેર કરીને જણાવ્યું કે, એક્શન માસ્ટર રોહિત શેટ્ટી સેટ પર પાછા આવી ગયા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ કહ્યું કે, ઘટનાને હજી ૧૨ કલાક પણ નથી થયા અને આ રોકસ્ટાર કામ પર પાછા આવ્યા છે.
આ સાથે જ રોહિત શેટ્ટીએ સિદ્ધાર્થ સહિત ફેન્સનો પણ આભાર વ્યક્ત કર્યો છે. રોહિત શેટ્ટી કહી રહ્યો છે કે, મારી ચિંતા કરનારા તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું. મને વધારે ઈજા નથી થઈ, બે આંગળીઓમાં ટાંકા આવ્યા છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ લખ્યું કે, એક સાચા લીડર ઉદાહરણ પૂરું પાડે છે.
આપણે સૌ જાણીએ છીએ કે રોહિતનો એક્શન પ્રેમ કેટલો છે અને તેઓ સ્ટંટ પ્રત્યે કેટલા પ્રતિબદ્ધ હોય છે. એક કાર સ્ટંટ કરતી વખતે તેઓ દુર્ભાગ્યવશ અકસ્માતનો શિકાર બન્યા હતા. આખી રાતનો ઉજાગરો છે, તેમણે એક માઈનર સર્જરી કરાવી છે તેમ છતાં ૧૨ કલાકથી પણ ઓછા સમયમાં સેટ પર પાછા આવી ગયા છે. સર તમે અમારા તમામ લોકો માટે પ્રેરણા સમાન છો. પ્રેમ અને સન્માન.
ઉલ્લેખનીય છે ઈન્ડિયન પોલીસ ફોર્સ વેબ સીરિઝમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે શિલ્પા શેટ્ટી અને વિવેક ઓબરોય પણ લીડ રોલમાં જાેવા મળશે. નોંધનીય છે કે સીરિઝના શૂટિંગ વખતે શિલ્પાના પગમાં પણ ઈજા થઈ હતી અને તેને રિકવર થવામાં ૩ મહિનાનો સમય લાગ્યો હતો. આ સીરિઝ સાથે રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સની ઓટીટી પર એન્ટ્રી થવા જઈ રહી છે.SS1MS