રોહિત-સુર્યકુમાર ઝળક્યા, મુંબઈનો નવ વિકેટે વિજય

મુંબઈ, ઈન્ડિયન પ્રીમિયર લીગના ક્લાસિક મુકાબલામાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સે નવ વિકેટે વિજય મેળવ્યો હતો. આ સાથે મુંબઈ ઈન્ડિયન્સે પોઈન્ટ ટેબલમાં પણ પોતાની સ્થિતિ મજબૂત કરી હતી.
ચેન્નાઈ સુપર કિંગ્સે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૬ રનનો સ્કોર રજૂ કર્યાે હતો. જવાબમાં ગૃહ ટીમ મુંબઈએ એક વિકેટ ગુમાવીને ૧૫.૪ ઓવરમાં સરળતાથી તેને પાર કરી લીધો હતો.
રોહિત શર્માએ આઈપીએલની ૧૮મી સિઝનમાં સૌપ્રથમ અડધી સદી ફટકારીને ફોર્મ મેળવ્યું હતું. રોહિતે ૪૫ બોલમાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાના સહારે ૭૬ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી. જ્યારે સુર્યકુમાર યાદવે ૩૦ બોલમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ ૬૮ રન ફટકાર્યા હતા. બંને વચ્ચે બીજી વિકેટ માટેની ૧૧૪ રનની અજેય ભાગીદારી નોંધાઈ હતી.
રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યો હતો.મુંબઈ માટે જીતનો પાયો ઈમ્પેક્ટ ખેલાટી રોહિત શર્માએ નાંખ્યો હતો. ૩૩ બોલમાં ફિફ્ટી પુરી કર્યા બાદ રોહિતે સીએસકેના બોલર્સની જોરદાર ધોલાઈ કરી હતી અને ૪૫ બોલમાં ચાર ચોગ્ગા તથા છ છગ્ગા સાથે ૭૬ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી.
રિકલટન ૨૪ રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. સુર્યકુમારે રોહિતનો સાથ આપતા ૬૮ રન ફટકાર્યા હતા જેમાં છ ચોગ્ગા અને પાંચ છગ્ગા સામેલ હતા. જાડેજા (૨૮/૧) સિવાય ચેન્નાઈના અન્ય બોલર્સ અસરકારક રહ્યા નહતા.
ટોસ જીતીને મુંબઈએ પ્રથમ બોલિંગ લીધી હતી. મુંબઈ ઈન્ડિયન્સના બોલર્સે ઘરઆંગણેની સ્થિતિનો ફાયદો ઉઠાવ્યો હતો અને શરૂઆતથી સીએસકેના પર દબાણ લાવતા ઓપનર રચિન (૫)ને આઉટ કર્યાે હતો.
મહારાષ્ટ્રના જ યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ સીએસકેમાંથી રમતા ૧૫ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૩૨ રન નોંધાવ્યા હતા. દીપક ચાહરના શોર્ટ બોલને લોંગ ઓન પર ફટકારવા જતા સેંટનરે તેનો કેચ ઝડપ્યો હતો.
તેની બીજી જ ઓવરમાં શેખ રશીદ (૧૯) પણ સેંટનરના બોલ પર સ્ટમ્પ આઉટ થયો હતો. ચેન્નાઈનો સ્કોર ત્રણ વિકેટે ૬૩ રન હતો. ત્યારબાદ રવીન્દ્ર જાડેજા અને શિવમ દુબેએ મોચરો સંભાળ્યો હતો અને બંનેએ ફિફ્ટી ફટકારી હતી.
જાડેજા ૫૩ રન કરી નોટ આઉટ રહ્યો હતો જ્યારે દુબેએ ૫૦ રન નોંધાવ્યા હતા. બંનેએ મુંબઈના બોલર્સ સામે સંયુક્ત છ છગ્ગા ફટકાર્યા હતા અને ચોથી વિકેટ માટે ૭૯ રન જોડ્યા હતા. બુમરાહની ઓવરમાં ધોની ચાર રન કરીને ડીપ સ્ક્વેર લેગ બાઉન્ડ્રી પર તિલકના હાથે કેચ આઉટ થયો હતો.SS1MS