Western Times News

Gujarati News

માતાની ભૂમિકા ભજવવા માટે હું નર્વસ હતી, કારણ કે રોહિતાશ મારા કરતાં 20 વર્ષ મોટો છે”: સોમા રાઠોડ

rohitash mother soma rathod bhabhiji ghar par

ભાભીજી ઘર પર હૈની અભિનેત્રી સોમા રાઠોડ ઉર્ફે અમ્માજીએ બેજોડ કોમિક ટાઈમિંગ સાથે ચાહકોને ખુશ કરી દીધા છે. અમારી સાથે એક મજેદાર ઈન્ટરવ્યુમાં 38 વર્ષની અભિનેત્રીએ અભિનયમાં તેનો પ્રેરણાત્મક પ્રવાસ અને અંગત તથી વ્યાવસાયિક રીતે જીવનના પડકારોમાંથી બહાર આવવા વિશે મજેદાર વાતો કરી.

1.    અભિનેત્રી તરીકે તારો પ્રવાસ કઈ રીતે શરૂ થયો?

આ ઉદ્યોગમાં અભિનેત્રી તરીકે મારો પ્રવાસ મજેદાર રીતે શરૂ થયો છે. અભિનેત્રીઓને આ ઉદ્યોગમાં આવવા માટે વજન ઓછું કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે એવી સંભવિત વાર્તા સાંભળી જ હશે, પરંતુ મારી વાર્તા અલગ છે, કારણ કે મારે વજન વધારવાનું હતું.

મેં અભિનેત્રી બનવાનું નક્કી કર્યું અને ઓડિશન્સ આપવાનું શરૂ કર્યું ત્યારે હું બહુ પાતળી અને બહુ જાડી પણ નહોતી. હું કોઈ પણ માપદંડને પહોંચી નહીં વળતી હોવાથી નકારાઈ ગઈ હતી. આ પછી મારી એક ફ્રેન્ડે સ્થળ કલાકારોની યાદીમાં સ્થાન પામવા માટે વજન વધારવાનું સૂચન કર્યું. મેં સ્થૂળ કલાકારની ભૂમિકા માટે કાસ્ટિંગ ડાયરેક્ટરોનું ધ્યાન ખેંચવા માટે વજન વધાર્યું, જે અમારા ઉદ્યોગમાં ભાગ્યે જ બનતું હોય છે. આખરે મેં ધ્યાન ખેંચ્યું અને મને ટીવી ઉદ્યોગમાં કામ મળ્યું અને ભાભીજી ઘર પર હૈ જેવા ઘણા બધા હિટ શો આપ્યા.

2.    શું તને નકારવામાં આવી ત્યારે આ ક્ષેત્રે કારકિર્દી નહીં ઘડવી જોઈએ એવું લાગ્યું?

સ્થૂળ હોવાથી આપણને આપણે આ દુનિયાના નથી એવું લાગે છે. લોકો અમારા શરીર પરથી અમારી મજાક કરે છે. અમને અમારા માપનાં કપડાં મળતાં નથી, કારણ કે તેઓ બનાવતાં નથી. હા, તે દર્દનાક હોય છે, પરંતુ મેં તેને કારણે આશા છોડી દીધી નહોતી. જોકે હું મજબૂત બની અને મારી સ્થૂળતાની મજાક કરી, જેથી તમારી પાસે મારી મજાક કરવા માટે નિમિત્ત નહીં હોય. અન્યો તમારા જેટલા સાહસિક નહીં પણ હોય, પરંતુ તમારે પોતાને હંમેશાં સ્વીકારવા અને પ્રેમ કરવા જોઈએ.

3.    હવે ઉદ્યોગમાં તેં પોતાની છાપ છોડી દીધી છે. શું હજુ પણ સ્થૂળ પાત્રો ભજવવાનું ચાલુ રાખવા માગે છે?

મને અમ્માજી ભજવવાની મજા આવી રહી છે, કારણ કે ભારતીય ટેલિવિઝન પર તેને લીધે મને અલગ ઓળખ મળી છે. પાત્રની વાત આવે ત્યારે ઉદ્યોગમાં મારી સાથે સ્પર્ધા કરનારા જૂજ લોકો છે. આથી સ્થૂળ હોવાથી ખાસ કરીને મને ધ્યાનમાં રાખીને ભૂમિકા લખાય છે તેનો મને લાભ છે.

4.    તારું પાત્ર અમ્માજી ઘેર ઘેર ચર્ચાનું નામ છે. શું ભાભીજી ઘર પર હૈ શરૂ કર્યું ત્યારે આવો પ્રેમ મળશે એવું ધાર્યું હતું?

મને ભૂમિકા ઓફર કરવામાં આવી ત્યારે તે ભજવવા માટે હું થોડી નર્વસ હતી. મને રોહિતાશ ગૌરની માતાની ભૂમિકા ભજવવા માટે કહેવામાં આવ્યું હતું, જે મારા કરતાં 20 વર્ષ મોટો છે અને ઉદ્યોગમાં મારાથી 20 વર્ષથી વધુ અનુભવ પણ ધરાવે છે.

જોકે અમારા ડાયરેક્ટર શશાંક બાલી અને લેખક મનોજ સંતોષીએ મને ભૂમિકા સ્વીકારવા માટે સમજાવી, કારણ કે તેમને પાત્રમાં સંભાવના અને મારો સહભાગ જોવા મળ્યો હતો. આજે મને અમ્માજીનું પાત્ર આપવા માટે તેમનો આભાર માનું તેટલો ઓછો છે, કારણ કે આ પાત્ર ઘેર ઘેર ચર્ચિત નામ છે.

મને અંગત રીતે પણ આ પાત્ર ગમે છે. તે એવી છે જેની સાથે જીભાજોડી કરવાની કોઈ હિંમત નહીં કરે. જોકે તે પોતાની બહુરાનીને અજોડ રીતે ટેકો પણ આપે છે. નિખાલસતાથી કહું તો હું દરેક અસલ જીવનની સાસુમાઓને તેમની બહુઓને આ રીતે જ પ્રેમ કરે એવું ચાહું છું (હસે છે).

5.    રોહિતાશ અને શુભાંગી સાથે અસલ જીવનમાં કેવો સંબંધ છે?

રોહિતાશજી અને શુભાંગી અત્રે સાથે મારો સંબંધ કલ્પનાની પાર છે. અમે બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ અને સેટ પર ક્રાઈમમાં ભાગીદાર પણ છીએ. હું હંમેશાં આનંદિત, જોશીલી અને જીવનથી સમૃદ્ધ વ્યક્તિ રહી છું. આરંભમાં રોહિતાશજી સિનિયર હોવાથી તેમને સાથે સ્ક્રીન શેર કરવા માટે નર્વસ થતી હતી,

પરંતુ તેમણે મને સ્વસ્થ મહેસૂસ કરાવ્યું અને હવે અમે ઓફફ-સ્ક્રીન પણ ઉત્તમ સંબંધ ધરાવીએ છીએ. અમે સેટ પર એકબીજા સાથે સમય વિતાવવાનો પ્રયાસ કરીએ છીએ. મને કલાકારો સાથે મોજીલી રીલ્સ બનાવવાનું ગમે છે. તેઓ આસપાસ હોય ત્યારે કંટાળો આવતો નથી. આટલુ જ નહીં, આખી ટીમ મને અમ્માજી તરીકે સંબોધે છે અને મને તે બહુ ગમે છે.

6.    આ ઉદ્યોગમાં કારકિર્દી ઘડવા માગતા કલાકારોને શું સલાહ આપશે?

વ્યક્તિએ ઉંમર, શરીર કે લિંગ ગમે તે હોય તો પણ પોતાની પર વિશ્વાસ રાખવો જોઈએ અને કટિબદ્ધ રહેવું જોઈએ. હંમેશાં સપનાં ગમે તેટલાં મોટાં કે નાનાં હોય તેનો પીછો કરો અને ક્યારેય હાર નહીં માનો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.