રોહિતનો ઝંઝાવાત, ભારતને વન-ડે શ્રેણીમાં ૨-૦ની અજેય લીડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2025/02/Rohit.jpg)
કટક, ભારતીય ટીમના સુકાની રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામે કટકમાં રમાયેલી બીજી વન-ડેમાં ઝંઝાવાતી સદી ફટકારીને ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્વે પોતાનું ફોર્મ પરત મેળવ્યું હતું તેમજ ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
રોહિતે ૯૦ બોલમાં ૧૧૯ રનની કેપ્ટન્સ ઈનિંગ્સ રમતા ભારતે ઈંગ્લેન્ડનો ૩૦૫ રનનો ટારગેટ ૩૩ બોલ બાકી રાખીને પાર કરી લેતા ચાર વિકેટે વિજય થયો હતો. સળંગ બીજી વન-ડેમાં જીત સાથે ભારતે ઈંગ્લેન્ડ સામે ત્રણ વન-ડેની સિરીઝમાં ૨-૦ની અજેય લીડ પણ મેળવી હતી. આ સાથે જ ૧૨ ફેબ્›આરીએ અમદાવાદમાં રમાનાર વન-ડે ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ પ્રેક્ટિસ મેચ બની રહેશે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કરતા ઈંગ્લેન્ડ ૪૯.૫ ઓવરમાં ૩૦૪ રનમાં આઉટ થયું હતું. જવાબમાં ભારતે મેન ઓફ ધ મેચ રોહિતના ૧૧૯ રનની મદદથી ૪૪.૩ ઓવરમાં જ છ વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. શુભમન ગિલે ૬૦ રનનું યોગદાન આપતા પ્રથમ વિકેટ માટ ૧૩૬ રનની પાર્ટનરશિપ કરતા મજબૂત શરૂઆત અપાવી હતી. ઈંગ્લેન્ડ બોલર્સ એક તબક્કે દિશાહીન રહ્યા હતા.
રોહિત શર્માએ ૯૦ બોલમાં ૧૧૯ રન ફટકાર્યા હતા જેમાં ૧૨ ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થયો હતો. રોહિતે વન-ડે કારકિર્દીની ૩૨મી સદી ફટકારી હતી અને તે વન-ડેમાં સર્વાધિક સદી ફટકારનાર બેટ્સમેનની યાદીમાં ત્રીજા ક્રમે છે. તેનાથી આગળ ભારતના અન્ય બે બેટ્સમેન સચિન તેંડુલકર (૪૯) અને વિરાટ કોહલી (૫૦) છે. ભારતે ઈંગ્લેન્ડના ૩૦૫ રનના ટારગેટને ચેઝ કરતા મક્કમ પ્રારંભ કર્યાે હતો.
કેપ્ટન રોહિતે એક છેડેથી ફટકાબાજી સાથે આક્રમક રમત ચાલુ રાખી હતી જ્યારે શુભમન ગિલે પણ તેનો સાથે આપ્યો હતો અને ગિલે ૫૨ બોલમાં નવ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૬૦ રન ફટકાર્યા હતા. કટકના બારાબતી સ્ટેડિયમમાં એક ફ્લડ લાઈટ ટાવરમાં ખામી સર્જાતા અડધો કલાક મેચને રોકવાની ફરજ પડી હતી.
તે સમયે રોહિત ૨૯ રને રમતમાં હતો પરંતુ બ્રેકને લીધે પણ રોહિતે લય ગુમાવી નહતી અને ભારતની જીતનો પાયો નાંખ્યો હતો. બીજી વન-ડેમાં કમબેક કરનાર કોહલી (૫) ખાસ સફળ રહ્યો નહતો અને તે રશિદના બોલ પર વિકેટપાછળ કેચ આઉટ થઈ ગયો હતો.
શ્રેયસ ઐયરે ૪૭ બોલમાં ૪૪ રનની ઉપયોગી ઈનિંગ્સ રમી હતી. અક્ષર પટેલ ૪૧ રન કરીને અણનમ રહ્યો હતો. મધ્યક્રમમાં બંને બેટ્સમેનોએ ચોથી વિકેટ માટે ૩૮ રન જોડ્યા હતા પરંતુ ગેરસમજને કારણે ઐયર રન આઉટ થયો હતો. રાહુલ તથા હાર્દિક પણ ૧૦-૧૦ રન કરી ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. જાડેજા ૧૧ રન કરીને નોટ આઉટ રહ્યો હતો અને જીતની ઔપચારિકા પુરી કરી હતી.
ભારત માટે મેચનો નાયક કેપ્ટન રોહિત શર્મા રહ્યો હતો જેણે ઈંગ્લેન્ડના બોલર્સની જોરદાર ધોલાઈ કરતા વન-ડેમાં ૩૨મી સદી ૭૬ બોલમાં ફટકારી હતી.
ભારતે મક્કમ પ્રારંભ કર્યાે હોવાથી પાછળના ક્રમના બેટ્સમેનો પર કોઈ ખાસ દબાણ નહતું પરંતુ ઈંગ્લેન્ડના બોલર્સે શરૂઆતની ધબકડા બાદ કમબેકનો નિષ્ફળ પ્રયાસ કર્યાે હતો. ઓવરટને બે વિકેટ લીધી હતી. એટકિન્સન, રશિદ અને લિવિંગસ્ટને એક-એક વિકેટ મેળવી હતી.SS1MS