‘રોપડા પ્રાથમિક શાળા’: અત્યાર સુધી શાળાના બાળકો વિવિધ સ્પર્ધામાં ૨૪ મેડલ અને ૫૦ સર્ટિફિકેટ પણ મેળવી ચૂક્યા છે
એક અનેરી શાળા-અત્યાર સુધી ગામમાંથી માત્ર એક જ વિધાર્થીએ સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કર્યો છે અને તેને પગલે શાળામાં અદ્યતન “ક્ષિતિજ સાયન્સ લેબ” આકાર પામી
શાળામાં ન ભણતો ગામનો યુવાન પણ તેનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા – શાળામાં જ સ્પેસ ક્લબ’ અને ઇનોવેશન ક્લબ સ્થપાઈ – બાળકો સહિત ગામ લોકોના નવા વિચારો અમલી બનાવવા અભિયાન
આજનાં ટેકનોલોજીના યુગમાં વિશ્વના દેશો વચ્ચેનું અંતર ઘટતું જાય છે. કોઈ દેશમાં બનેલી ઘટનાની માહિતી ગણતરીની પળોમાં સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. આજે વિશ્વની કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓ કોઈ પણ દેશની શાળા સાથે ટેકનોલોજીના માધ્યમથી સરળતાથી એકમેક સાથે જોડાઈ શકે છે. વળી થોડા ઘણા સમયથી શિક્ષણમાં આમૂલ પરિવર્તન આવેલા છે અને તેમાં ઓનલાઇન શિક્ષણ સાથે ટેકનોલોજી અને કોડીંગ જેવા વિષયો ઉમેરાતા ગયા છે.
અમદાવાદથી ૫૦ કિ.મીના અંતરે આવેલા રોપડા ગામનું વાતાવરણ જ કંઈક અલગ છે. અહીંની પ્રાથમિક શાળા વિજ્ઞાન વિચાર સાથે સમન્વય સાધીને અભ્યાસની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃતિઓ, વિવિધ રમતો સાથે બાળકોને જોડીને સર્વાંગી વિકાસ સાધી રહી છે. આ શાળા દ્વારા વર્ષ ૨૦૧૬માં જ સ્પેસ ક્લબ અને ઇનોવેશન ક્લબ દ્વારા શાળા બાળકો સહિત ગામ લોકોના નવા વિચારો પર અમલ કરવા કટિબધ્ધ બની છે.
અમદાવાદ જિલ્લાની દસક્રોઈ તાલુકાની રોપડા પ્રાથમિક શાળા દ્વારા છેલ્લા પાંચેક વર્ષમાં અવનવા પ્રયોગો કર્યા અને તેમાં સફળતા મળી છે. શિક્ષણની વાત કરીએ તો આ શાળામાં એક ખાનગી કંપની દ્વારા શાળાને ૧.૩૭ કરોડ નાં ખર્ચે અદ્યતન નવું બિલ્ડિંગ પ્રાપ્ત થયું.
તાજેતરમાં જ રોપડા ગામ અને શાળાના વિદ્યાર્થીઓ ગણિત – વિજ્ઞાન વિષય સાથે વિવિધ ટેકનોલોજી સારી રીતે સમજી અને શીખી શકે તે માટે કંપની સાથે અન્ય સ્વૈચ્છિક ફાઉન્ડેશન અને સંસ્થા દ્વારા 4 લાખ નાં ખર્ચે અદ્યતન “ક્ષિતિજ સાયન્સ લેબ” આકાર પામી છે.
જેમાં વિધાર્થીઓ નિયમિત રીતે નીત નવા પ્રયોગો શીખી સાથે શિક્ષણ મેળવી વિજ્ઞાન વિષયમાં રુચિ વધારી શકશે. શાળાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં અઘરી લાગતી બાબતો ને વિવિધ પ્રશ્નો દ્વારા પ્રાયોગિક માધ્યમે જરૂરી માહિતી મેળવી શકશે.
દરેક બાળકની સ્વ ગતિ સાથે સ્વ રુચિ અને સ્વ વિચાર હોય છે તેને ધ્યાનમાં રાખી આ શાળામાં “મેકર્સ અડ્ડા” વિભાગ કાર્યરત કરી જેમાં વિધાર્થીઓ આપ મેળે યોગ્ય માર્ગદર્શન હેઠળ રોબોટિક્સ , મિકેનિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ફિઝિકલ કોડીંગ પણ શીખી પોતાની સ્વ ગતિએ આગળ વધી શકશે.
આ લેબ માત્ર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે જ નહિ પરંતુ ગામમાંથી અભ્યાસ કરતા કોઈ પણ વિધાર્થીઓ માટે ઉપયોગી રહેશે અને તેઓને આગળ વિજ્ઞાન વિષય શીખવા સમજવા માટે ઉપયોગી થનાર છે. આ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને સમયાંતરે લેબ ટેકનીશિયન દ્વારા તાલીમ પણ આપવામાં આવશે.
શાળાના આચાર્ય શ્રી નિશીથભાઈ આચાર્ય કહે છે કે, ‘અમારી શાળાને રાજ્ય સરકાર તરફથી તો સંખ્યાબંધ સુવિધાઓ મળી છે. જેમાં ખાસ જ્ઞાનકુંજ નાં ડિજિટલ ક્લાસરૂમ નો સમાવેશ થાય છે . અમારા બાળકોને વિજ્ઞાનમાં રસ-રુચિ કેળવાય તે માટે પણ અમે વિશેષ પ્રયત્નો કર્યા છે.
અમને સરકાર ઉપરાંત અન્ય ખાનગી સંસ્થાનો અને સેવાભાવી સંગઠનનો પણ સહયોગ મળ્યો છે. અત્યાર સુધી ગામમાંથી માત્ર એક જ વિધાર્થી સાયન્સ સ્ટ્રીમમાં અભ્યાસ કરી પોતાના કાર્ય ક્ષેત્રમાં કાર્યરત છે. તો આવનાર સમયમાં આ ગામના વિધાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં આગળ વધે શકે તે માટે “ક્ષિતિજ સાયન્સ લેબ” કાર્યાંવિત કરાઈ છે.
આ લેબનો મહત્તમ ઉપયોગ કરી ગામના-શાળાના વિધ્યાર્થિઓ આગળ વધે અને પોતાનું તથા ગામ પરિવારનું નામ રોશન કરી આગળ વધે તે એક જ ધ્યેય છે. શાળાના સમય બાદ પણ ગામનો કોઈ પણ વિધ્યાર્થિ આ લેબનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા અમે કરી છે …’ એમ શ્રી આચાર્ય ઉમેરે છે.
અત્રે ઉલ્લેખનેય છે કે, છેલ્લા ૮ વર્ષથી શાળાના વિદ્યાર્થીઓ કરાટેની તાલીમ મેળવી રહ્યા છે. વર્ષ ૨૦૧૬મા સ્કેટિંગ ની રમત શરૂ કરી પ્રવીણ ઠક્કર અને પર્વ પંડ્યાની મહેનત દ્વારા આ શાળાના વિદ્યાર્થીઓ સ્પીડ સ્કેટિંગ, રિવર્સ સ્કેટિંગ, સ્કેટિંગ ખોખો, સ્કેટિંગ મ્યુઝિકલ ચેર, વેવ બોર્ડ, સાથે રોપ યોગા પણ કરી રહ્યા છે.
જેમાં અત્યાર સુધી વિવિધ સ્પર્ધામાં ૨૪ જેટલા મેડલ અને ૫૦ જેટલા સર્ટિફિકેટ પણ મેળવી ચૂક્યા છે. આ શાળાને ક્રિકેટ જગત નાં મહાન ખેલાડી સચિન તેંડુલકર પણ મોમેંટો આપી સન્માનિત કરી ચુક્યા છે. લોક ડાઉન નાં સમયમાં ડિજીટલ શિક્ષણ માટે સરકાર તરફથી દરેક બાળકોને માઇક્રોસોફ્ટ ટીમ એપ નાં એકાઉન્ટ દ્વારા ખૂબ સરળતાથી બાળકો ઓનલાઇન શિક્ષણ મેળવી શક્યા
અને લોકડાઉન નાં સમયમાં રોપડા શાળા દ્વારા ઓનલાઇન સમર કેમ્પ જે ગુજરાત રાજ્ય અને દેશનો પ્રથમ 150 દિવસ સળંગ 1200 જેટલા અલગ જિલ્લાના વિધાર્થીઓ 300 શિક્ષકો સાથે મળી 500 થી વધારે પ્રવૃત્તિ કરનાર ઓનલાઇન સમર કેમ્પ રહ્યો. જેમાં શાળાને બે રાષ્ટ્રીય કક્ષાના સન્માન મળી ચૂક્યા છે. અત્યારે વિવિધ પ્રેક્ટિસ દ્વારા ફ્લેક્સિબલ બની કંટેમ્પરી ડાન્સ પણ તાલીમબદ્ધ યુવાન દ્વારા શીખી રહ્યા છે.
રોપડા પ્રાથમિક શાળાનું પ્રાકૃતિક વાતાવરણ પણ ખૂબ સુંદર છે. ગમે તેવી ગરમીમાં પણ 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું રહે તે માટે શાળા કેમ્પસમાં ચારે તરફ વૃક્ષો ઉછેરી વિવિધ પર્યાવરણની સમતુલાને પણ જાળવવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવ્યો છે. વૃક્ષે લગાડેલા એજ્યુકેશનલ માળામાં પક્ષીઓ અને પ્રાણીઓએ પોતાના રહેઠાણ બનાવ્યા છે. વળી શાળાની બોલતી દીવાલો પણ ઘણું ખરું કહું જાય છે. ધન્ય છે આ શાળાને – હિમાંશુ ઉપાધ્યાય