RRR-સર્ક્યુલર ઇકોનોમી હજારો વર્ષોથી ભારતીયોની જીવનશૈલીનો ભાગ: મોદી
“’રિડ્યુસ, રિયુઝ એન્ડ રિસાયકલ’ અને ચક્રીય અર્થવ્યવસ્થા-સર્ક્યુલર ઇકોનોમી હજારો વર્ષોથી ભારતીયોની જીવનશૈલીનો ભાગ છે”
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં કેવડિયાનાં એકતા નગરમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ મહામહિમ શ્રી એન્ટોનિયો ગુટેરેસ સાથે દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપી હતી અને ત્યારબાદ મિશન લાઇફ- LiFEનો શુભારંભ કર્યો હતો. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે પ્રધાનમંત્રી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના તમામ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા 11 દેશોના વડાઓ દ્વારા મિશન લાઇફના પ્રારંભ પર અભિનંદનના વીડિયો સંદેશાઓ પણ રિલે કરવામાં આવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ‘રિડ્યુલ, રિયુઝ એન્ડ રિસાઇકલ’ની વિભાવના તથા ચક્રીય અર્થવયવસ્થા- સર્ક્યુલર ઇકોનોમી પર પ્રકાશ પાડ્યો હતો તથા ઉલ્લેખ કર્યો હતો કે, તે હજારો વર્ષોથી ભારતીયોની જીવનશૈલીનો હિસ્સો રહ્યું છે. દુનિયાના અન્ય ભાગો વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારની પદ્ધતિઓ પ્રચલિત છે, જે આપણને પ્રકૃતિ સાથે સૌહાર્દપૂર્ણ રીતે ચાલવા માટે પ્રેરિત કરે છે. તેમણે જણાવ્યું હતું કે, “મિશન લાઇફ પ્રકૃતિનાં સંરક્ષણ સાથે સંબંધિત દરેક જીવનશૈલીને આવરી લેશે, જે આપણા પૂર્વજોએ અપનાવી હતી અને તેને આજે આપણી જીવનશૈલીનો ભાગ બનાવી શકાય છે.”
અત્રે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, ભારત મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસ માટે બીજાં ઘર જેવું છે અને તેમણે પોતાની યુવાનીના દિવસોમાં ઘણી વખત ભારતની મુલાકાત લીધી હતી. તેમણે વધુમાં શ્રી ગુટેરેસના ભારતનાં ગોવા રાજ્ય સાથે પૂર્વજોનાં જોડાણ તરફ ધ્યાન દોર્યું. પ્રધાનમંત્રીએ ભારતની મુલાકાત લેવાની તક ઝડપવા બદલ શ્રી ગુટેરેસનો આભાર માન્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગુજરાતમાં તેમનું સ્વાગત કરવું એ પરિવારના સભ્યનું સ્વાગત કરવા સમાન છે.
પ્રધાનમંત્રીએ મિશન લાઇફ પહેલ હાથ ધરવા બદલ ભારત પર થયેલી સાથસહકારની વર્ષા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને આ કૃપાળુ પ્રસંગે અભિનંદનના સંદેશાઓ મોકલવા બદલ તમામ દેશોના વડાઓનો આભાર માન્યો હતો. જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં એકતાનાં મહત્ત્વ પર ભાર મૂકીને શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારતનાં ગૌરવ સમાન સરદાર વલ્લભભાઈ પટેલની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી સમક્ષ મિશન લાઇફનો શુભારંભ થઈ રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, “વિશ્વની સૌથી મોટી પ્રતિમા નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવામાં પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે ધારાધોરણો અસાધારણ હોય છે, ત્યારે રેકોર્ડ્સ બહુ મોટા હોય છે.” ગુજરાતમાં આ શુભારંભનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, પુનઃપ્રાપ્ય ઊર્જા અને આબોહવાનાં સંરક્ષણની દિશામાં પગલાં લેવાનું શરૂ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. નહેરો પર સોલર પેનલ લગાવવાની વાત હોય કે પછી રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે જળસંચયના પ્રોજેક્ટ્સ શરૂ કરવાની વાત હોય, ગુજરાત હંમેશા એક અગ્રણી અને પથદર્શક- ટ્રેન્ડસેટર તરીકે આગળ આવ્યું છે.
પ્રધાનમંત્રીએ એવી પ્રવર્તમાન વિચારસરણી તરફ ધ્યાન દોર્યું હતું કે આબોહવામાં પરિવર્તન એ માત્ર નીતિ સાથે સંબંધિત મુદ્દો છે જે એક એવી વિચાર પ્રક્રિયા તરફ દોરી જાય છે અને આ અતિ મહત્ત્વપૂર્ણ મુદ્દાને માત્ર સરકાર કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પર છોડી દે છે. તેમણે જણાવ્યું હતું કે, લોકો તેમની આસપાસનાં વાતાવરણમાં પરિવર્તનની અસરો અનુભવી રહ્યાં છે અને છેલ્લા થોડા દાયકાઓમાં અનપેક્ષિત આપત્તિઓ જોવા મળી છે. આનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આબોહવા પરિવર્તન માત્ર નીતિ-નિર્માણથી વિશેષ છે અને લોકો પોતે જ અનુભવી રહ્યા છે કે તેઓએ એક વ્યક્તિ, પરિવારો અને પર્યાવરણમાં સમુદાયો તરીકે યોગદાન આપવું જોઈએ.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, “મિશન લાઇફનો મંત્ર ‘પર્યાવરણ માટે જીવનશૈલી’ છે. મિશન લાઇફ લાભો પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તે આ પૃથ્વીનાં સંરક્ષણ માટે લોકોની શક્તિઓને જોડે છે અને તેમને તેનો વધારે સારી રીતે ઉપયોગ કરવા શીખવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મિશન લાઇફ આબોહવામાં પરિવર્તન સામેની લડાઈને લોકતાંત્રિક બનાવે છે, જેમાં દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા મુજબ પ્રદાન કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, “મિશન લાઇફ આપણને પર્યાવરણની સુરક્ષા માટે આપણા રોજિંદાં જીવનમાં જે કંઈ પણ કરી શકાય તે કરવા માટે પ્રેરિત કરે છે. મિશન લાઇફ માને છે કે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે.” તેમણે ભારતમાં વીજળીનાં બિલો ઘટાડવાં અને પર્યાવરણનાં સંરક્ષણ માટે એલઇડી બલ્બ્સ અપનાવવાનું ઉદાહરણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “તેનાથી મોટા પાયે બચત થઈ છે અને પર્યાવરણને લગતા લાભો થયા છે અને આ એક વારંવારનો કાયમી લાભ છે.”
ગુજરાત એ મહાત્મા ગાંધીનું જન્મસ્થળ છે એ બાબતની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તેઓ એવા વિચારકોમાંના એક હતા, જેઓ લાંબા સમય અગાઉ પ્રકૃતિ સાથે સૌહાર્દપૂર્ણ જીવન જીવવાં અને પર્યાવરણનાં સંરક્ષણનું મહત્ત્વ સમજતા હતા. તેમણે ટ્રસ્ટીશિપનો ખ્યાલ વિકસાવ્યો. મિશન લાઇફ આપણને સૌને પર્યાવરણના ટ્રસ્ટીઝ બનાવે છે. ટ્રસ્ટી એ એવી વ્યક્તિ છે જે સંસાધનોના આડેધડ ઉપયોગની મંજૂરી આપતી નથી. ટ્રસ્ટી એક પોષક તરીકે કામ કરે છે, શોષણકર્તા તરીકે નહીં”
પ્રધાનમંત્રીએ આ અંગે વિસ્તૃત વર્ણન કર્યું હતું કે, મિશન LiFE પી3 મોડલ એટલે કે પ્રો પ્લેનેટ પીપલની ભાવનાને પ્રોત્સાહન આપે છે. મિશન લાઇફ, પૃથ્વીના લોકોને ગ્રહ તરફી લોકો તરીકે જોડે છે, અને તે બધાને તેમના વિચારોમાં જોડે છે. તે ‘ગ્રહની જીવનશૈલી, ગ્રહ માટે અને ગ્રહ દ્વારા’ ના મૂળભૂત સિદ્ધાંતો પર કાર્ય કરે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈને જ ભવિષ્યનો માર્ગ મોકળો થઈ શકે છે. તેમણે યાદ કર્યું હતું કે, ભારતમાં હજારો વર્ષોથી પ્રકૃતિની પૂજા કરવાની પરંપરા રહી છે. વેદોમાં જળ, પૃથ્વી, જમીન, અગ્નિ અને જળ જેવાં પ્રકૃતિનાં તત્વોનાં મહત્વને ચોક્કસપણે દર્શાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ અથર્વવેદને ટાંકીને કહ્યું હતું કે, “‘માતા ભૂમિ પુત્રહં પૃથિવ્યાહ’ એટલે કે, પૃથ્વી આપણી માતા છે અને આપણે તેનાં સંતાનો છીએ.”