Western Times News

Gujarati News

મ્યુનિ. ચીફ ઓડિટરની ઓફિસ રિનોવેશન પાછળ રૂ.ર૧.૪૬ લાખનો ખર્ચ થયો

ર૦૧૯માં ડો. ઓમપ્રકાશની નિયુક્તિ અમદાવાદમાં થઈ તે સમયે તેમણે બે ઓફિસ તોડીને એક ઓફિસ બનાવી હતી. જેના માટે લગભગ રૂ.પ લાખનો ખર્ચ કર્યો હતો.

પ્રજાના રૂપિયાનો ધુમાડો -ગાંધીનગરથી નિયુક્ત થતાં અધિકારીઓ બેફામ ખર્ચ કરી રહયા છે. ત્રણ વર્ષમાં બે રીનોવેશન થયા છે-લો ગાર્ડન સ્થિત એક ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના ઘરમાં રિનોવેશન માટે રૂ.૩ર લાખ ખર્ચ થયો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં પ્રજાના રૂપિયાનો ધુમાડો કરવાની પ્રણાલી બની ગઈ છે. જેમાં ઉત્સવો, કાર્નિવલો વગેરે ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓના ઓફિસ અને મકાનના રીપેરીંગ રિનોવેશન પાછળના વૈભવી ખર્ચાનો પણ સમાવેશ થાય છે. ખાસ કરીને ગાંધીનગરથી નિયુક્ત થતાં અધિકારીઓ બેફામ ખર્ચ કરી રહયા છે.

થોડા દિવસો અગાઉ જ લો ગાર્ડન સ્થિત એક ડેપ્યુટી મ્યુનિ. કમિશનરના ઘરમાં રિનોવેશન માટે રૂ.૩ર લાખ ખર્ચ થયો હોવાની વિગતો બહાર આવી હતી. તેવી જ રીતે મ્યુનિ. કોર્પોરેશનના સી બ્લોકમાં આ અધિકારીઓની ઓફિસમાં પણ આંધળો ખર્ચ થઈ રહયો છે.

જેમાં એક જ ઓફિસમાં છેલ્લા ચાર વર્ષ દરમિયાન રૂ.૧ર લાખ કરતા પણ વધુ ખર્ચ થયો હોવાની પણ વિગતો બહાર આવી છે. આ ઉપરાંત ચીફ ઓડીટરની ઓફિસમાં પણ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રૂ.ર૦ લાખ કરતા વધુ ખર્ચ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

મ્યુનિ. કોર્પોરેશનના ખર્ચ પર અંકુશ લગાવવાની અને ખોટી રીતે ખર્ચ થયા હોય તો તેને જાહેર કરવાની જેની પાસે સત્તા છે તેવા ચીફ ઓડીટની ઓફિસ માટે પણ છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રૂ.ર૧.૪૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

જે પૈકી સ્ટાફ ઓફિસ રિનોવેશન માટે રૂ.૧૭.૬પ લાખ ખર્ચ થયા છે. જેમાં તેમના બે ડેપ્યુટી ઓડીટર કે જેઓ ભુતકાળમાં અન્ય સ્ટાફની સાથે જ બેસીને કામગીરી કરતા હતા તેમના માટે અલગથી બે આલીશાન કેબીન બનાવવામાં આવી છે.

જેમાં પણ ત્રણ વર્ષમાં બે રીનોવેશન થયા છે. આ ઉપરાંત ચીફ ઓડીટરની ઓફિસમાં પણ ઉધઈ થઈ જવાના કારણોસર પાટિયા લગાવવામાં આવ્યા છે તેમજ ચીફ ઓડિટરે પણ તેમની બેઠકની દિશા અને એન્ટી રૂમના ફેરફાર માટે પણ ખર્ચ કર્યા હોવાની વિગતો બહાર આવી છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ગાંધીનગરથી નિયુક્ત થઈને આવતા અધિકારીઓની મનોસ્થિતિ ‘રાજ ગયા’ રજવાડા ગયા પણ રાજાશાહી ન ગઈ’ જેવી જોવા મળે છે. આ અધિકારીઓ કોઈ જિલ્લામાં કલેકટર તરીકે ફરજ બજાવીને અમદાવાદ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનર તરીકે નિયુક્ત થાય છે ત્યારે અહીં પણ તેમને આલીશાન બંગલો અને ઓફિસ વિના ચાલતું નથી.

ર૦૧૯માં ડો. ઓમપ્રકાશની નિયુક્તિ અમદાવાદમાં થઈ તે સમયે તેમણે બે ઓફિસ તોડીને એક ઓફિસ બનાવી હતી. જેના માટે લગભગ રૂ.પ લાખનો ખર્ચ કર્યો હતો. તેમની બદલી થયા બાદ ડેપ્યુટી કમિશનર પ્રવિણ ચૌધરી તે ઓફિસમાં બેસતા હતાં પરંતુ તેમણે તેમાં કોઈ મોટા ફેરફાર કર્યાં ન હતાં. પરંતુ હવે જયારે કોર્પોરેશનમાં આયાતી અધિકારીઓની સંખ્યા વધી ગઈ છે ત્યારે ફરી એક વખત આ ઓફિસને ‘દિલ્હી દોલતાબાદ’ ની જેમ ફરીથી અલગ કરવામાં આવી છે.

જેના માટે વધુ રૂપિયા ૬ લાખ પપ હજારનો માતબર ખર્ચ થયો છે. આમ બે ઓફિસની એક કરી અને ફરીથી તેને છુટી કરવામાં પ્રજાના રૂ.૧ર કરોડનું આધણ થઈ ગયું છે.

અત્રે નોંધનીય છે કે પૂર્વ મ્યુનિ. કમિશનર વિજય નહેરાએ તેમના કાર્યકાળ દરમિયાન કમિશનર બંગલોના રિનોવેશન માટે રૂ.૧.પ૬ કરોડ ખર્ચ કર્યો હતો જે બાબતે તે સમયે પણ ભારે વિવાદ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.