પૈસા ખાતામાં જમા થયાના ટેક્સ્ટ મેસેજ કરી વૃદ્ધ પાસેથી ૯૫ હજાર પડાવી લીધા

અમદાવાદ, ઓનલાઇન લોકોને ઠગવાની નવી નવી ટ્રીક ગઠિયા શોધી કાઢે છે. પૈસા ખાતામાં જમા થયાના ટેક્સ્ટ મેસેજ કરી વૃદ્ધા પાસેથી ગઠિયાએ ૯૫ હજાર પડાવી લીધા હતા.
ત્યારબાદ પણ બીજા પૈસા નાખવા માટે પૈસા જમા થયાના ટેક્સ્ટ મેસેજ કર્યા હતા, પરંતુ બેંકમાં તપાસ કરતા ખાતામાં એક પણ રૂપિયો આવ્યો ન હોવાથી ભાંડો ફૂટ્યો હતો. આ મામલે વૃદ્ધે મેઘાણીનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ૬૧ વર્ષિય રામજતન સંચીત કોરી પરિવાર સાથે રહે છે અને બીએસએનએલમાંથી નિવૃત્ત થઇ જીવન ગુજારે છે.
તેઓ પોતાના પેન્શન માટે એસબીઆઇ બેંકમાં સેલરી એકાઉન્ટ ધરાવે છે અને દર મહિને તે જ ખાતામાં તેમનું પેન્શન જમા થાય છે. ૧૫ માર્ચના રોજ તેઓ સાંજના સમયે પોતાના ઘરે હતા ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો અને સામેવાળી વ્યક્તિએ પૃચ્છા કરી હતી કે, તમે રામજનત કોરી બોલો છો અને તમે અગાઉ એલઆઇસીમાં નોકરી કરતા હતા.
ત્યારે સામેવાળી વ્યક્તિનો અવાજ એલઆઇસીવાળા શંકર પટેલનો હોવાનું લાગ્યું હતું. જેથી રામજતને ફોન પર વાતચીત જારી રાખી ત્યારે સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, મારો મિત્ર બીએસએનએલ કંપનીમાં નોકરી કરે છે, તેના પૈસા હું તમારા ખાતામાં નાંખુ છું, તમે તેના ખાતામાં ટ્રાન્સફર કરી આપો.
ત્યારબાદ રૂ. ૩૫૫૦૦ ખાતામાં આવ્યાનો ટેક્સ્ટ મેસેજ રામજતનભાઇના મોબાઇલ પર આવ્યો તેથી તેમણે જે નંબર પર પૈસા નાંખવા કહ્યું હતું તે નંબર પર પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. ત્યારબાદ બીજી વખત રૂ. ૩૫૫૦૦નો મેસેજ કર્યાે હતો અને ફરી પૈસા ટ્રાન્સફર કરવાનું કહેતા તેમણે કરી દીધા હતા. આમ, તબક્કાવાર ૯૫ હજાર રૂપિયાને ટેક્સ્ટ મેસેજ આવતા તમામ પૈસા તેમને ટ્રાન્સફર કરી દીધા હતા.
બાદમાં બે મેસેજ રૂ. ૬૫૫૦૦ના જમા થયાના આવ્યા હતા અને તે પૈસા પણ ટ્રાન્સફર કરવા કહ્યું હતું. જેથી તેમણે બેંકમાં ચેક કરતા તેમના ખાતામાં એક પણ રૂપિયો જમા ન થયો હોવાનું તથા ૯૫ હજાર કપાયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમણે ઠગાયાનો અહેસાસ થતા તાત્કાલીક ઓનલાઇન ફરિયાદ કરી હતી. બાદમાં રામજતને આ મામલે મેઘાણીનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.SS1MS