RSSના કાર્યક્રમમાં ચાકુબાજી-દંડાવાળી કરનારા હુમલાખોરોના ઘર પર તંત્રની બુલડોઝરવાળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/rss-jaipur.jpeg)
(એજન્સી)જયપુર,જયપુરમાં શરદ પૂર્ણિના દિવસે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યક્રમમાં ચાકુ અને દંડાથી હુમલો કરનારા બદમાશોની મુશ્કેલીમાં વધારો થયો છે. જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીએ ખીર વિતરણ કાર્યક્રમ દરમિયાન હુમલો કરનારા નસીબ ચૌધરી સામે આકરી કાર્યવાહી કરી છે. ઓથોરિટીએ તેના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરવાળી કરી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
ચાકુબાજી કેસમાં નસીબ ચૌધરી અને તેનો પુત્ર ભીષ્મ ચૌધરી આરોપી છે. ઓથોરિટીએ શનિવારે નસીબ ચૌધરીને દબાણ હટાવવા માટે નોટીસ ફટકારી હતી. તેણે તેના મકાન પાસેની મંદિરની જમીન પર ગેરકા.યદે એક રૂમનું બાંધકામ કર્યું હતું.
ઓથોરિટીની ટીમ બુલડોઝર સાથે આજે સવારે અતિક્રમણ સ્થળે પહોંચી હતી. જ્યાં મંદિરને અડીને બાંધકામ કરાયેલા ગેરકાયદે રૂમને તોડી પાડવામાં આવ્યો હતો. ઓથોરિટીના અધિકારીઓએ કે, નોટિસ આપ્યા બાદ ચૌધરી દ્વારા કોઈપણ જવાબ અપાયો નથી, જેના કારણે અમે દબાણ હટાવવા માટે આ કાર્યવાહી કરી છે. ચૌધરીએ દબાણ કરેલા રૂમમાં સામાન રાખેલો હતો.
ઉલ્લેખનીય છે કે, જયપુરના કરણી વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારના રજની વિહારમાં શરદ પૂર્ણિમાના દિવસે ગુરુવારે રાત્રે RSS દ્વારા ખીર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. દરમિયાન અચાનક કેટલાક લોકો આવીને હંગામો મચાવ્યો હતો અને ત્યારબાદ ઘણા લોકો પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં ૧૦ લોકોને ઈજા થઈ છે. આ ઘટનાનો CCTV પણ વાયરલ થયો હતો.